અમેરિકી નિષ્ણાતે કહ્યુ – 50 ટકા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી, સચોટ પરિણામ માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે

અમેરિકી નિષ્ણાતે કહ્યુ – 50 ટકા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી, સચોટ પરિણામ માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે

ડૉ.એન્થનીએ કહ્યું લક્ષણો ન દેખાવા એ મોટો પડકાર રિપોર્ટ અનુસાર ચીનમાં 6 દિવસમાં 130 એવા કેસ સામે આવ્યા જેમનામાં લક્ષણ ન દેખાયા 

વોશિંગ્ટન. 50 ટકાથી વધુ દર્દીમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી. અમેરિકાના નિષ્ણાત ડૉ.એન્થની એસ.ફૉસીએ મીડિયા સામે આ દાવો કર્યો હતો. ત્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્યો પણ હાજર હતા. જોકે ડૉ.એન્થનીએ એમ પણ કહ્યું કે આ નવા અનુમાન પર વિજ્ઞાનીઓ કામ કરી રહ્યાં છે. લક્ષણો ન દેખાવા એ મોટો પડકાર છે. આપણે સચોટ પરિણામ મેળવવા માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે. ડૉ. ફૉસી એલર્જી અને ચેપી રોગોની રાષ્ટ્રીય સંસ્થાના નિર્દેશક છે. ગત અઠવાડિયે અમેરિકાની મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી સીડીસીના ડિરેક્ટર ડૉ.રોબર્ટ રેડફિલ્ડે પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 25 ટકા દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. તે પછી સીડીસીએ ગાઈડલાઈન જારી કરી બધા લોકોને માસ્ક પહેરવાની ભલામણ કરી હતી. 
ચીનમાં 6 દિવસમાં એવા 130 કેસ આવ્યા જેમનામાં કોરોનાના લક્ષણ ન દેખાયા
ચીનમાં એવા કેસ સામે આવી રહ્યાં છે જેમાં દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાતા નથી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(એનએચસી)એ કહ્યું કે ચીનમાં 78 આવા નવા કેસ સામે આવ્યા છે જેમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. તેમાંથી 40 દર્દી વિદેશથી ચેપગ્રસ્ત થઈને આવ્યા હતા. ચીનમાં છ દિવસમાં આવા 130 કેસ સામે આવ્યા હતા જેમાં કોરોનાના લક્ષણ દેખાયા નહોતા.
અમેરિકાના સર્જન જનરલે કહ્યું ભવિષ્યમાં 9/11 જેવો જ માહોલ સર્જાશે
અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે કહ્યું કે કોરોનાના કારણે આવનારા અઠવાડિયા મોટાભાગના અમેરિકીઓ માટે સૌથી વધુ દુ:ખી કરનારા હશે. ત્યારે માહોલ એવો જ હશે જેવો 9/11 હુમલા અને પર્લ હાર્બર બાદ જોવા મળ્યો હતો. બસ ફેર એટલો હશે કે આ સ્થાનિક નહીં હોય. અમે ઈચ્છીએ છીએ કે દરેક અમેરિકી તેને સમજે.