અમેરિકી જનતાને વિભાજિત કરનારા ટ્રમ્પ પહેલા નાઝી પ્રમુખ : જેમ્સ માટ્ટિસ

અમેરિકી જનતાને વિભાજિત કરનારા ટ્રમ્પ પહેલા નાઝી પ્રમુખ : જેમ્સ માટ્ટિસ

। વોશિંગ્ટન ।

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની પોલીસ અધિકારી દ્વારા હત્યા બાદ ફાટી નીકળેલા તોફાનોને નિયંત્રણમાં લેવા મુદ્દે અમેરિકી સેનાના પૂર્વ જનરલો અને પૂર્વ પ્રમુખો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરવામાં આવી રહી છે. અમેરિકી સેનામાં યોદ્ધા તરીકે લોકપ્રિય નિવૃત્ત મરીન જનરલ અને ટ્રમ્પ સરકારના પૂર્વ સંરક્ષણમંત્રી જેમ્સ માટ્ટિસે જણાવ્યું હતું કે, અમેરિકનોએ પ્રમુખ વિના જ એકજૂથ થવું જોઇએ. મેં મારા જીવનકાળમાં પહેલા એવા પ્રમુખ જોયા છે જે અમેરિકી જનતાને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી કે તેવો દેખાવ પણ કરી રહ્યા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી જનતાને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના દ્વારા છેલ્લા ૩ વર્ષથી આ પ્રકારના પ્રયાસ થઇ રહ્યાં છે. ટ્રમ્પની નાઝી સાથે તુલના કરનાર જેમ્સ માટ્ટિસે ૨૦૧૮માં સંરક્ષણ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

જેમ્સ માટ્ટિસ બાદ અમેરિકી સેનાના વધુ એક નિવૃત્ત ફોર સ્ટાર જનરલ જ્હોન એલને જણાવ્યું હતું કે, જ્યોર્જ ફ્લોઇડનાં મોત મામલે દેશભરમાં ફાટી નીકળેલાં તોફાનોમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાં શરમજનક છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઇમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા જનરલ એલને જણાવ્યું હતું કે, પહેલી જૂન ૨૦૨૦થી અમેરિકાએ ગુલામીના યુગમાં પ્રવેશવાનું શરૂ કરી દીધું છે. આ તારીખને યાદ રાખજો. અમેરિકાના અંતનો પ્રારંભ થઇ ગયો છે.

અમેરિકાના સંરક્ષણમંત્રી માર્ક એસ્પરે પણ બુધવારે જણાવ્યું હતું કે, તેઓ રમખાણો કાબૂમાં લેવા માટે દેશની સડકો પર સેના ઉતારવાના નિર્ણયને સમર્થન આપતા નથી. અમેરિકામાં અત્યંત તાકીદની સ્થિતિમાં જ સેનાનો ઉપયોગ થવો જોઇએ.અત્યારે દેશમાં એવી કોઇ સ્થિતિ સર્જાઇ નથી.

દરમિયાન છેલ્લા એક સપ્તાહથી અમેરિકાભરમાં ચાલી રહેલાં તોફાનોમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકોને ઇજાઓ પહોંચી છે. ઘણા શહેરોમાં ઘણા લોકોનાં મોત થયાં છે પરંતુ હજુ તેમના મોતનાં કારણો સામે આવ્યાં નથી. દરમિયાન અમેરિકામાં ફ્લોઇડનાં મોત મામલે સંખ્યાબંધ શહેરોમાં દેખાવો જારી રહ્યાં હતાં. ન્યૂયોર્કમાં શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઇ હતી.

એટલાન્ટામાં અશ્વેત યુગલને કારમાંથી બહાર ખેંચી કાઢનાર ૬ પોલીસની ધરપકડ

એટલાન્ટામાં અશ્વેત યુગલને કારમાંથી બહાર ખેંચી કાઢનાર ૬ પોલીસ અધિકારીઓની ધરપકડ કરાઇ છે. ફ્લોઇડનાં મોત સામે આક્રોશ વ્યક્ત કરતા પ્રદર્શનોમાં કાર્યવાહી દરમિયાન લેવાયેલા મગશોટના આધારે આ નિર્ણય લેવાયો છે. તમામ ૬ અધિકારીઓ પર આક્રમક હુમલાનો આરોપ મૂકીને ફુલટોન કાઉન્ટીની જેલમાં મોકલી અપાયા હતા.