અમેરિકા / ન્યૂયોર્કમાં 19 વર્ષીય ગુજરાતી જય પટેલની ગોળી મારીને હત્યા, લાશને ઘર પાસે ફેંકી દીધી

અમેરિકા / ન્યૂયોર્કમાં 19 વર્ષીય ગુજરાતી જય પટેલની ગોળી મારીને હત્યા, લાશને ઘર પાસે ફેંકી દીધી

હુમલાખોરો એક લાલ રંગની ગાડીમાંથી તેની લાશ તેના ઘર પાસે ફેંકીને જતા રહ્યા

ન્યૂયોર્ક:બુધવારે મોડી રાત્રે ગુજરાતી યુવાનની હત્યાથી ન્યૂયોર્ક શહેરના ક્વીન્સ પરામાં ચકચાર મચી ગઇ હતી. ક્વીન્સ પરાના ફ્લોરલ પાર્કમાં 19 વર્ષીય જય પટેલની લાશ એક ઘર પાસે ગ્રિલ નજીક મળી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસે વિસ્તારને કબજામાં લઇને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. મોડી રાત્રે પોલીસ કાર્યવાહીથી વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઇ હતી જે સામાન્ય રીતે આ વિસ્તારમાં હોતી નથી.

આ ઘટના બાદ યુએસ મીડિયા રિપોર્ટ પ્રમાણે એક લાલ રંગની ટોયોટા ગાડી એ ઘટનાસ્થળ પાસેથી પસાર થતા કેમેરામાં ઝડપાઇ છે. પોલીસને આશંકા છે કે બે હુમલાખોરોએ આ ગુનાને અંજામ આપ્યો છે અને તેને બીજા કોઇ સ્થળે મારીને પછી કારમાંથી બોડી અહીં ફેંકી ગયા છે. ત્યાંના સ્થાનિકોના નિવેદન પ્રમાણે એક મહિલા જ્યારે તેના શ્વાસ સાથે વોકમાં નિકળી હતી ત્યારે આ લાશને કારમાંથી બહાર ફેંકતા તેણે જોયું હતું. રિપોર્ટ પ્રમાણે જ્યાં જયની બોડી મળી ત્યાંથી માત્ર થોડે દૂર જ તેનું ઘર છે. જય છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. અહીં તે યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો.
શાંતિ માટે વખણાય છે ફ્લોરલ પાર્ક
આ પરાનો ફ્લોરલ પાર્ક ત્યાંના રમણીય વાતાવરણ અને શાંતિ માટે વખણાય છે. અહીં સારામાં સારી શાળાઓ અને સુવિધાઓ હોવાથી લોકો રહેવા આવે છે. તેથી આ ઘટના બાદ સ્થાનિકોએ કહ્યું કે આવુ તેમણે ક્યારેય જોયું નથી અને ગુંડાગર્દી અને ગેન્ગ અહીં નથી તેથી જ અહીં રહેવા આવ્યા છે. એક મહિલાએ કહ્યું કે તે યુવાનની હત્યાથી તેના પરિવારજનો પર શું વિતતી હશે તે હું સમજી શકું છું. હું ક્યારેય નહીં ઇચ્છું કે આવું મારા પરિવાર સાથે થાય.