અમેરિકા / ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા સંસદમાં આજે મતદાન, પણ આ ફક્ત ઔપચારિકતા

અમેરિકા / ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા સંસદમાં આજે મતદાન, પણ આ ફક્ત ઔપચારિકતા

અમેરિકામાં ત્રીજીવાર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરૂ

વોશિંગ્ટન: અમેરિકી કોંગ્રેસની પ્રતિનિધિ સભામાં બહુમતવાળી ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પ સામે આરોપ છે કે તેમણે પોતાના વિરોધી જો બાઈડેન અને તેમના દીકરા વિરુદ્ધ યૂક્રેની ગેસ કંપની બુરિશ્મામાં ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે યૂક્રેન પર દબાણ કર્યુ. પ્રસ્તાવમાં જાહેર તપાસ કરવા અને તેનું નેતૃત્વ કોંગ્રેસની ગુપ્તચર બાબતોની સમિતિના વડા એડમ સ્કિફને આપવાની વાત કહેવાઈ હતી.
ચૂંટણી પ્રક્રિયાની ગોપનીયતા સાથે સમજૂતી કરવાના પૂરતાં પૂરાવા
ગૃહમાં આ પ્રસ્તાવ પર ગુરુવારે મતદાન થવાનું છે. નિયમ સમિતિના અધ્યક્ષ જેમ્સ પી.મેક્સગવર્ને કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા તાકાતના દુરુપયોગ તથા રાષ્ટ્રીય સુરક્ષા અને ચૂંટણી પ્રક્રિયાની ગોપનીયતા સાથે સમજૂતી કરવાના પૂરતાં પૂરાવા છે. ગૃહની 4 સમિતિઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં વિસ્તૃત પૂરાવા અને નિવેદન એકત્રિત કરાયા છે. જલદી જ અમેરિકી પ્રજા જાહેરમાં સાક્ષીઓને સાંભળશે. સમિતિ અનુસાર આ પૂરાવાથી સ્પષ્ટ થઈ જશે કે રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ 2020ની ચૂંટણીમાં દખલ કરવા કર્યો છે.
પ્રતિનિધિ સભાની છ સમિતિઓ તપાસ કરશે

  • પ્રતિનિધિ સભાની છ સમિતિઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની તપાસ કરશે, સૌથી મજબૂત કેસને ન્યાયિક સમિતિ સામે મોકલાશે.
  • તેમાં ખોટું કર્યાના પૂરાવા નહીં મળે તો ટ્રમ્પ સુરક્ષિત, પૂરાવા મળશે તો પ્રતિનિધિ સભા મહાભિયોગની જુદી જુદી કલમ લગાવવા માટે મતદાન કરાવશે.
  • આ મતદાનમાં બહુમતીથી ઓછા વોટ પડશે તો ટ્રમ્પને ખતરો નહીં અને જો બહુમતીથી વધુ વોટ આવશે તો મહાભિયોગનો મામલો આગળ વધારાશે.
  • મામલો સેનેટ પાસે જશે, સેનેટ જુદી જુદી કલમ હેઠળ સુનાવણી કરશે. ટ્રાયલમાં સેનેટ ટ્રમ્પને દોષિત ઠેરવવા મતદાન કરાવશે.(આ સંભાવના ઓછી છે કેમ કે સેનેટમાં રિપબ્લિકન પાર્ટીનું બહુમત છે)
  • આ મતદાનમાં બે તૃતીયાંશથી ઓછા વોટ આવશે તો ટ્રમ્પ પદે જળવાઈ રહેશે. વધારે આવશે તો ટ્રમ્પે સત્તા ગુમાવવી પડશે.

બે વાર પ્રક્રિયા ચાલી પણ રાષ્ટ્રપતિ પદેથી ન હટ્યાં
ડોનાલ્ડ ટ્રમ્પને આ પદથી હટાવવા માટે વીસ રિપબ્લિકન સાંસદોએ પોતાના જ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મતદાન કરવું પડશે. જોકે તેની ઓછી શક્યતા છે. અત્યા રસુધી અમેરિકી રાજકારણના ઈતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિને મહાભિયોગના માધ્યમથી હટાવાયા નથી. અમેરિકાના 17માં રાષ્ટ્રપતિ એન્ડ્રયૂ જોનસન અને 42માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વિરુદ્ધ મહાભિયોગ ચલાવાયું હતું પણ બંને જ તેનાથી બચી ગયા હતા.