અમેરિકા જતાં જ હેલ્થ વીમો લેવો પડશે, ઇમિગ્રન્ટસે સારવારનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે

અમેરિકા જતાં જ હેલ્થ વીમો લેવો પડશે, ઇમિગ્રન્ટસે સારવારનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે

ટ્રમ્પે કહ્યું- અમે બિનઅમેરિકીના સારવારનો ખર્ચ અમારા કરદાતાના પૈસામાંથી નહીં ખર્ચીએ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 3 નવેમ્બર પછી કોઈપણ ઇમિગ્રન્ટ્સની સારવાર સરકારી પૈસે નહીં કરાય. ટ્રમ્પે શુક્રવારે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેની સીધી અસર 35 હજાર ભારતીયોને થશે. આ તમામ ચાલુ વર્ષે અમેરિકા જઈ રહ્યાં છે. તેમાંથી 8 હજાર અમેરિકા પહોંચી પણ ચૂક્યા છે. વ્હાઈટ હાઉસના અધિકારી ડો રેન્ડે કહ્યું કે 27 હજાર ભારતીયો ચાલુ વર્ષે અમેરિકા આવી રહ્યાં છે તેમણે હેલ્થ વીમો કરાવવો પડશે. કારણ કે હવે નક્કી થઈ ગયું છે કે સરકાર તેમની સારવાર કરાવશે તો પણ પાછળથી તેમની પાસેથી જ નાણાં વસૂલાશે. તેમણે કહ્યું કે આરોગ્ય વીમો નહીં કરાવનાર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આ આદેશ ઇશ્યૂ કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે ઇમિગ્રન્ટ્સની સારવારનો ખર્ચ અમારા કરદાતાના પૈસાથી કરી શકીએ નહીં.

કારણ : 15% ઇમિગ્રન્ટ્સ અને 60% અમેરિકી વીમો કરાવે છે
અમેરિકી સરકારે આ નિર્ણયનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે 60 ટકા અમેરિકી નાગરિક આરોગ્ય વીમો કરાવે છે. બીજીબાજુ 15 ટકા ઇમિગ્રન્ટ્સ વીમો કરાવે છે. 85 ટકા ઇમિગ્રન્ટ્સ આરોગ્ય વીમો કરાવતા નથી આથી તેની સારવારનો ખર્ચ સરકારે કરવો પડે છે. દર વર્ષે 2.47 લાખ કરોડ રૂપિયા માત્ર આવા લોકો પાછળ ખર્ચાય છે. આથી સરકારે કડક નિર્ણય લીધો છે.

અમેરિકા પહોંચ્યા પછી એક મહિનામાં પ્રૂફ આપવું પડશે
અમેરિકી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આરોગ્ય વીમો નહીં હોય તો કોઈના વિઝા અટકાવાશે નહીં પણ વિઝા લેવા માટે આ નવી શરત ઉમેરાશે કે અમેરિકા પહોંચ્યા પછી એક મહિનામાં આરોગ્ય વીમાનું પ્રૂફ સ્થાનિક વહીવટી તંત્રને આપવું પડશે.

વીમો નહીં તો બેન્ક બેલેન્સ પૂરતું હોય જેથી સારવાર થાય
વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે આરોગ્ય વીમો નહીં હોય તો અમેરિકી વિઝા મેળવનાર વ્યક્તિએ પોતાનું બેન્ક બેલેન્સ દર્શાવવું પડશે. જો તેની પાસે એટલા નાણાં હોય તે તેનો ઇલાજ કરાવી શકે તેમ છે તો આરોગ્ય વીમાની જરૂર રહેશે નહીં.

રેફ્યુજી ક્વોટા પણ ઓછો કર્યો, માત્ર 18 હજારને પ્રવેશ મળશે
ટ્રમ્પ વહીવટી તંત્રએ નાણાંકીય વર્ષ 2019-20માં માત્ર 18 હજાર રેફ્યુજીને શરણ આપવાનું નક્કી કર્યું છે. આ મોર્ડન રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકી ઇતિહાસની સૌથી ઓછી સંખ્યા છે. આ નિર્ણય પાછળ પણ આરોગ્ય ખર્ચમાં થઈ રહેલો વધારો કારણભૂત મનાય છે. બીજીબાજુ અમેરિકી વિપક્ષે કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ પોતાને રાષ્ટ્રવાદી બતાવવા માટે આવું કરી રહ્યાં છે. જ્યારે રાષ્ટ્રવાદની આ વ્યાખ્યા નથી. અગ્રણી દેશ હોવાને કારણે નબળા લોકો તરફ અમેરિકા મોટી જવાબદારી નિભાવતું રહ્યું છે પરંતુ હવે ટ્રમ્પ અમેરિકાની છબી ખરાબ કરી રહ્યાં છે.