અમેરિકા / ક્લિન્ટને મહાભિયોગથી બચવા માટે ઈરાક પર હુમલાનો આદેશ આપ્યો હતો,22 વર્ષ બાદ ટ્રમ્પે પણ આવો જ નિર્ણય કર્યો

અમેરિકા / ક્લિન્ટને મહાભિયોગથી બચવા માટે ઈરાક પર હુમલાનો આદેશ આપ્યો હતો,22 વર્ષ બાદ ટ્રમ્પે પણ આવો જ નિર્ણય કર્યો

  • પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને 17 ડિસેમ્બર 1998ના રોજ ઈરાક પર એરસ્ટ્રાઈક કરવાનો આદેશ આપ્યો હતો 
  • રિપબ્લિકન સાંસદોએ કહ્યું હતું કે, મહાભિયોગ પ્રસ્તાવથી બચવા માટે ક્લિન્ટને હુમલાનો આદેશ આપ્યો હતો 
  • ટ્રમ્પ પર તાજેતરમાં જ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, 3 જાન્યુઆરીએ તેમણે ઈરાની સૈન્ય કમાંડરને મારવાનો આદેશ આપ્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(રિપબ્લિકન)અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન(ડેમોક્રેટ)માં એક સમાનતા છે. બન્ને માટે જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(સંસદના નીચલા ગૃહમાં)મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો તો તેમણે મધ્ય પૂર્વ(મિડિલ ઈસ્ટ)ના એક દેશ પર હુમલો કરાવી દીધો હતો. ક્લિન્ટને ત્યારે ઈરાક પર મિસાઈલ છોડવાના આદેશ આપ્યા હતા. સાથે જ ટ્રમ્પે પણ ઈરાનના સૈન્ય કમાંડરને મારીને મધ્ય પૂર્વના તણાવમાં વધારો કર્યો છે.

અમેરિકાના 42માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર 1998માં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે કહેવાયું હતું કે, એરસ્ટ્રાઈકનો આદેશ આપીને તેઓ રિપબ્લિકન દ્વારા તેમની વિરુદ્ધ લવાયેલા મહાભિયોગના પ્રસ્તાવથી બચવા માંગતા હતા. તાજેતરમાં જ ટ્રમ્પ વિરુદ્ધ પણ મહાભિયોગનો પ્રસ્તાવ લવાયો હતો. તેમણે પણ ઈરાનના વિશેષ સુરક્ષા બળ કુદ્સના કમાંડર કાસિમ સુલેમાનીની હત્યા કરાવી દીધી હતી.

ઈરાક પર કોઈ પણ ચેતવણી વગર 24 કલાક સુધી 200 કરતા વધારે મિસાઈલ છોડાઈ
ન્યૂયોર્ક ટાઈમ્સમાં 17 ડિસેમ્બર 1998ના રોજ ઈરાક પર થયેલી એર સ્ટ્રાઈક અંગે એક સમાચાર સામે આવ્યા હતા. જેના પ્રમાણે, એ દિવસે ટેલિવિઝન પર બગદાદમાં થયેલા વિસ્ફોટોની ભયાનક તસવીરો જોવા મળી હતી. આખું શહેર આગના સંકજામાં આવી ગયુ હતું. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગને કહ્યું હતું કે, ઈરાક પર કોઈ પણ રણનીતિ અથવા કોઈ પણ ચેતવણી વગર 24 કલાક સુધી 200 મિસાઈલ છોડવામાં આવી હતી. રક્ષા વિભાગના જણાવ્યા પ્રમાણે, સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકે રિપોર્ટ આપ્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન ફરીથી નિરીક્ષકોના કામ નિષ્ફળ કરવામાં લાગ્યા હતા.

ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે, 17 ડિસેમ્બરે સદ્દામે બગદાદમાં ઈરાકના લોકોને કહ્યું હતું કે, આપણે ભગવાન, રાષ્ટ્ર અને માનવતાના દુશ્મનો સામે લડવાનું છે. ભગવાન માત્ર આપણા પક્ષમાં છે. હજુ બીજા નિર્ણયો વખતે વિરોધીઓની હાર થશે. સાથે જ ઈરાકમાં કરાયેલા હુમલાથી શરૂ થયેલા વિવાદ બાદ રિપ્બલિકન નેતાઓએ 17 ડિસેમ્બર અમેરિકાના ઈતિહાસમાં બીજા મહાભિયોગ વોટ માટે ચર્ચા શરૂ કરવાની તેમની યોજનાઓને સ્થગિત કરી દીધું હતું.

ક્લિન્ટનના સમયે સીનેટે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવ્યો
ક્લિન્ટન પર એક જ્યૂરી સામે ખોટા સાક્ષી બનવા અને ન્યાયિક પ્રક્રિયામાં અવરોધક બન્યા હોવાનો આરોપ હતો. તેમની પર એ વખતે વ્હાઈટ હાઉસમાં ઈન્ટર્ન મોનિકા લેન્વેસ્કી સાથે આડા સંબંધ હોવાની વાત પણ સામે આવી હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે મહાભિયોગને મંજૂરી આપી હતી. એ વખતે પણ સેનેટ પર રિપબ્લિકનનું નિયંત્રણ હતું. તેમ છતા સેનેટે મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.

ટ્રમ્પ પર મહાભિયોગ શા માટે ચલાવાઈ રહ્યો છે?

  • અમેરિકન સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભા એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે ટ્રમ્પ વિરુદ્ધ બે આરોપ લગાવ્યા છે
  • પહેલો આરોપ સત્તાનો દુરઉપયોગ અને બીજો સંસદના કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ
  • પહેલા આરોપનો પ્રસ્તાવ 197ના મુકાબલે 230 મતથી પાસ થયો જ્યારે બીજો પ્રસ્તાવ 198ના મુકાબલે 229 મતથી પાસ થયો

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેંસ્કી પર 2020 ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બિડેન અને તેમના દીકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે દબાણ કર્યું હતું. બિડેનનો દીકરા યૂક્રેન એક ઉર્જા કંપનીમાં અધિકારી છે.રાષ્ટ્રપતિ પર આરોપ છે કે તેમણે તેમના રાજકીય લાભ માટે યૂક્રેનને મળનારી આર્થિક મદદને રોકી દીધી હતી.

નીચલા ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ
ટ્રમ્પ વિરુદ્ધ સંસદના નીચલા ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. હવે રિપબ્લિકન પાર્ટીની બહુમતીવાળી સેનેટમાં તપાસ શરૂ થશે. અહીંયા તપાસ નેતાઓની સમિતિ કરશે. જો સમિતિ એવું નક્કી કરે છે કે ટ્રમ્પ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવે તો તેની પર ગૃહના સભ્યો મતદાન કરશે. જો ટ્રમ્પ વિરુદ્ધ બે તૃતીયાંશ બહુમતી સાથે આરોપો સાચા સાબિત થઈ જશે તો ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં મહાભિયોગની પ્રક્રિયા દ્વારા પદ પરથી હટાવાયેલા પહેલા રાષ્ટ્રપતિ હશે.

હવે સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ હવે સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. જોકે 100 બેઠકો વાળા સેનેટમાં રિપબ્લિકન પાર્ટી બહુમતમાં છે. તેના 53 સાંસદ છે અને ડેમોક્રેટ પાર્ટી પાસે 47 સાંસદ છે. ઉપલા ગૃહમાં ટ્રમ્પને હટાવવા માટે ડેમોક્રેટ્સને બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. એટલે કે ટ્રમ્પ વિરુદ્ધ લગભગ 67 સાંસદોએ મતદાન કરવું પડશે, જે મુશ્કેલ છે.