અમેરિકા / ઇરાનને ફરી હુમલા ન કરવાની સલાહ, નહિતર ક્યારેય ન જોઇ હોય તેવી કાર્યવાહી કરીશું: ટ્રમ્પ

અમેરિકા / ઇરાનને ફરી હુમલા ન કરવાની સલાહ, નહિતર ક્યારેય ન જોઇ હોય તેવી કાર્યવાહી કરીશું: ટ્રમ્પ

  • અમેરિકા પાસે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સૈન્ય છે
  • ઇરાન પાસે 5.23 લાખ સક્રિય સૈનિક 

વોશિંગ્ટન: બગદાદના ગ્રીન ઝોનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલા બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હું ઇરાનને સલાહ આપીશ કે તે ફરી હુમલા ન કરે. જો કરશે તો અમે તેની સામે એવી કાર્યવાહી કરીશું કે જે તેણે પહેલાં ક્યારેય જોઇ પણ નહીં હોય. અમેરિકાએ સૈન્ય ઉપકરણો પાછળ બે લાખ કરોડ ડોલર ખર્ચ્યા છે. અમારી પાસે વિશ્વનું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ સૈન્ય છે. ઇરાન કોઇ અમેરિકી બેઝ પર કે અમેરિકી નાગરિક પર હુમલો કરશે તો અમે જરાય ખચકાટ વિના તેને એકદમ નવા શાનદાર સૈન્ય હથિયારોથી જવાબ આપીશું. મને જાણવા મળ્યું છે કે ઇરાન અમેરિકાની કેટલીક સંપત્તિઓને નિશાન બનાવવાની ફિરાકમાં છે. મારે કહેવાની જરૂર નથી કે ઇરાની કમાન્ડર કાસિમ સુલેમાનીએ કેટલા લોકોને માર્યા હતા? તેમાં તાજેતરમાં ઇરાનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીઓ પણ સામેલ છે.
ટ્રમ્પે જવાબમાં ઇરાનના 52 સ્થળને નિશાન બનાવશે. ત્યાં બહુ ઝડપથી જોરદાર હુમલા કરશે. 52 સ્થળ એટલા માટે કે 1979માં ઇરાને તેહરાન સ્થિત અમેરિકી દૂતાવાસમાં 52 લોકોને બંધક બનાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું- ઇરાનના 52 સ્થળ અમેરિકાના નિશાન પર, તેનો અર્થ ઐતિહાસિક છે..

  • 1978- ઇરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહલવી વિરુદ્ધ દેશમાં ક્રાંતિ શરૂ થઇ ગઇ. ઠેર-ઠેર હિંસા થવા લાગી.
  • 1979- શાહ ઇરાન છોડી ઇજિપ્ત ભાગ્યા.
  • 1 ફેબ્રુઆરી 1979- 14 વર્ષના દેશનિકાલ બાદ અયાતોલ્લાહ ખામેનાઇ ઇરાન પાછા ફર્યા.
  • 22 ઓક્ટોબર 1979- શાહ પહલવી સારવારના બહાને અમેરિકા જતા રહ્યા.
  • 4 નવેમ્બર 1979- ઇરાની વિદ્યાર્થીઓએ શાહના વિરોધમાં તેહરાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરી 90 લોકોને બંધક બનાવ્યા. તેમાં 66 અમેરિકી સામેલ હતા.
  • 6 નવેમ્બર 1979- ખામેનાઇના નેતૃત્ત્વમાં ઇરાનમાં સરકાર બની.
  • 7 નવેમ્બર 1979- અમેરિકી પ્રમુખ કાર્ટરે બંધકોને છોડાવવા એક ટીમ ઇરાન મોકલી પણ ખામેનાઇ ટીમને ન મળ્યા.
  • 25 એપ્રિલ 1980- બંધકોને છોડાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, 8 મોત.
  • 27 જુલાઇ 1980- શાહનું મોત થયું.
  • 12 સપ્ટેમ્બર 1980- ખામેનાઇએ બંધકોને મુક્ત કરવા શરતો મૂકી.
  • જાન્યુઆરી 1981- ઇરાને 52 બંધકને મુક્ત કર્યા. તેઓ અમેરિકા પહોંચ્યા.

ઇરાને કહ્યું- અમેરિકી આર્મી બેઝ પર વળતો હુમલો કરીશું
ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેનાઇના સૈન્ય સલાહકાર હુસૈન દેહઘને રવિવારે કહ્યું કે તેમના દેશની પ્રતિક્રિયા ચોક્કસપણે અમેરિકી આર્મી બેઝ વિરુદ્ધ હશે. અમારા નેતૃત્ત્વએ હંમેશા કહ્યું કે અમે ક્યારેય યુદ્ધ નહોતા ઇચ્છતા અને આગળ પણ નથી ઇચ્છતા પરંતુ આ વખતે યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું. તેથી અમે તેને જવાબ આપીશું. ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મૈક્રોંએ મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન અને તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ અર્દોગન સાથે ફોન પર વાત કરી. ત્રણેય નેતાએ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સૌને સંયમથી કામ લેવાની અપીલ કરી.
સુલેમાનીને મશહદમાં દફનાવાયા, જનાજામાં 10 લાખ લોકો જોડાયાં
ઇરાનના અહવાજ શહેરમાં જનરલ સુલેમાનીના જનાજામાં 10 લાખથી વધુ લોકો જોડાયા હતાં. ભીની આંખે લોકો અમેરિકા સાથે બદલો લેવાની માગ કરતા હતા. અહવાજથી સુલેમાનીનું શબ મશહદ લઇ જવાયું. અહીં પવિત્ર સ્થળ ઇમામ રજા શ્રાઇન ખાતે સુલેમાનીને દફનાવાયા. જોકે, તેહરાનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ભારે ભીડના કારણે સ્થગિત કરી દેવાયો.
સેના: 20 હજાર નેવી સૈનિક હોર્મુઝની ખાડીમાં તહેનાત, સ્વયં સેવકો પણ છે
ઇરાનમાં 5.23 લાખ સક્રીય સૈનિક છે. તેમાં સેનાના 3.5 લાખ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના 1.5 લાખ સૈનિક સામેલ છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સના 20 હજાર નેવી સૈનિક પણ છે. આ જૂથ હોર્મુઝની ખાડીમાં તહેનાત છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સ એક સ્વયંસેવી જૂથ બાસિતને પણ નિયંત્રિત કરે છે. આ જૂથ ઇરાન વિરોધી આંતરિક અવાજને દબાવવાનું કામ કરે છે. તેને સૌથી મજબૂત સૈન્ય સંગઠન માનવામાં આવે છે.
વિદેશી મિશન: 5 હજાર જવાન અને 15 હજાર એજન્ટ્સ મિશન કરે છે
કુદ્સ ફોર્સ (જેનું નેતૃત્વ સુલેમાની કરતા હતા), રિવોલ્યુશનરી ગાર્ડ્સ માટે વિદેશોમાં ગુપ્ત ઓપરેશન કરે છે. તેમાં 5 હજારથી વધુ સૈનિકો અને આશરે 15000 એજન્ટ્સ છે. આ યુનિટ સીરિયામાં પણ તહેનાત રહી ચૂક્યું છે. જો કે આર્થિક પ્રતિબંધને કારણે ઇરાનની શસ્ત્રોની આયાત અન્ય ખાડી દેશોની તુલનાએ ઓછી થઇ છે. 2009-18 વચ્ચે ઇરાનની શસ્ત્ર આયાત સાઉદીની તુલનાએ 3.5 ટકા હતી.
મિસાઇલો: ઇરાની મિસાઇલોની રેન્જમાં સાઉદી, ઇઝરાયલ સહિત તમામ અખાતી દેશ
ઇરાનની પાસે ઓછી અને મધ્યમ અંતરની ઘણી મિસાઇલો છે. જો કે ઇરાની એરફોર્સ સાઉદી અરબ અને ઇઝરાયેલની સરખામણીમાં નબળી છે. આ નબળાઇની ભરપાઇ ઇરાની મિસાઇલો કરે છે. અમેરિકાના સંરક્ષણ વિભાગનું માનવું છે કે ઇરાનની મિસાઇલ શક્તિ મધ્ય-પૂર્વના દેશોમાં સૌથી વધુ છે. ઇરાનની મિસાઇલોની રેન્જમાં સાઉદી અરબ, ઇઝરાયેલ સહિત તમામ ખાડી દેશ છે. ઇરાન પાસે સૈન્ય ડ્રોન પણ છે.
(સ્રોત: બ્રિટિશ થિન્ક ટેંક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ, સ્ટાર્કહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ)