અમેરિકામાં સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો મૃત્યુઆંક 2 લાખ થવાની ચેતવણી

અમેરિકામાં સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો મૃત્યુઆંક 2 લાખ થવાની ચેતવણી


। વોશિંગ્ટન / લંડન ।

અમેરિકામાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે આવા સંજોગોમાં જો ટ્રમ્પ સરકાર દ્વારા કોરોનાનો વ્યાપ વધતો રોકવા તાકીદનાં પગલાં નહીં લેવાય તો સપ્ટેમ્બર સુધીમાં ત્યાં મૃત્યુઆંક વધીને ૨,૦૦,૦૦૦ થઈ શકે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી છે. સરકારે લોકડાઉનનાં નિયમો હળવા કર્યા પછી ત્યાં કોરોનાનાં કેસ ૨૦ લાખને પાર ગયા છે. હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટયૂટનાં હેડ આશિષ ઝાએ કહ્યું હતું કે અમેરિકાની સરકાર આકરાં પગલાં નહીં લે તો ત્યાં મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો ખાત્મો થવાનો નથી. ઝડપથી વધી રહેલા કેસને ધ્યાનમાં ન લઈએ તો પણ મૃત્યુઆંક વધશે.

ગુરુવાર સુધીનો મૃત્યુઆંક યુએસમાં ૧,૧૫,૨૪૨ હતો જે વિશ્વમાં સૌથી વધારે છે. કોરોના પોઝીટીવ ટેસ્ટનો આંક ત્યાં ૫ ટકાની આસપાસ રહ્યો છે. ટેસ્ટની સંખ્યા વધારીને, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, માસ્કનો વ્યાપક ઉપયોગ કરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તે કોરોનાનું વધતું સંક્રમણ રોકી શકે છે. ન્યૂ મેક્સિકો, ઉટાહ, એરિઝોનામાં કેસમાં ૪૦ ટકા વધારો થયો છે. જો કે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સે કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ કોઈ ગંભીર સ્થિતિ દર્શાવતું નથી.

યુરોપિયન સંઘ ૧ જુલાઈથી ટ્રાવેલ પ્રતિબંધ  શરતી હટાવશે

યુરોપિયન સંઘનાં દેશોમાં ૧ જુલાઈથી બિનઆવશ્યક ટ્રાવેલ પ્રતિબંધો હળવા કરાશે. ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને ઈયુનાં નાગરિકો ન હોય પણ યુરોપમાં રહેતા હોય અને ઉચ્ચ કુશળતા ઘરાવતા હોય તેમને ટ્રાવેલ પ્રતિબંધમાં છૂટ અપાશે.

અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૧,૧૫,૨૪૨

અમેરિકામાં કોરોનાનાં કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે પ્રમુખ ટ્રમ્પ દ્વારા ૧૯ જૂનથી ઓકલાહોમા ખાતે ફરી એકવાર ચૂંટણી પ્રચાર શરૂ કરાઈ રહ્યો છે. અમેરિકામાં સૌથી વધુ ૨૦,૬૯,૯૭૩ કેસ નોંધાયા છે જ્યારે ૧,૧૫,૨૪૨નાં મોત થયા છે. ૨૪ કલાકમાં નવા ૨૦૮૫૨ કેસ નોંધાયા છે અને ૯૮૨નાં મોત થયા છે.

રશિયામાં નવા ૮૭૭૯ કેસ પ્રકાશમાં આવ્યા

રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૭૯ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. કુલ કેસનો આંક ૫ લાખને પાર ગયો છે. અત્યાર સુધીમાં ૬૫૩૨ લોકોનાં મોત થયા છે. જ્યારે ૨.૬૧ લાખથી વધુની તબિયત સારી થઈ છે. હવે સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે નવી દવા એવિફેરનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.

મેક્સિકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૮નાં મોત

મેક્સિકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૮ લોકોનાં મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧૫,૩૫૭ થયો છે. સંક્રમણનાં નવા ૪૮૩૩ કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૩૦ લાખને પાર થઈ છે. બ્રાઝિલમાં કોરોનાએ માઝા મુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૪નાં મોત થયા છે. એક જ દિવસમાં ૩૨,૯૧૩ નવા કેસ નોંધાયા છે. કુલ ૩૯,૬૮૦નાં મોત થયા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાથી ૪,૧૯,૯૭૩નાં મોત થયા

સમગ્ર વિશ્વમાં કોરોનાથી ૪,૧૯,૯૭૩ નાં મોત થયા છે. કુલ સંક્રમિતો ૭૫,૦૦,૩૪૧ છે. જ્યારે ૩૮,૦૬,૯૪૨ લોકો સ્વસ્થ થયા છે અને ૩૨,૭૩,૪૨૬ કેસ એક્ટિવ છે.

કોરોના કાર્ડ

  • ચીનમાં વધુ ૧૧ નવા વિદેશી નાગરિકો કોરોના સંક્રમિત છે.
  • ઈટાલીમાં અત્યાર સુધીમાં ૪૫૬૪ બાળકોને કોરોનાની અસર થઈ હતી. જેમાં ૪નાં મોત થયા છે.