અમેરિકામાં વસતી ગણતરી / અલાસ્કાના ટોકસુક બે ગામથી ગણતરી શરૂ થઇ, પ્રથમ એન્ટ્રી 90 વર્ષના લિજીની થઇ

અમેરિકામાં વસતી ગણતરી / અલાસ્કાના ટોકસુક બે ગામથી ગણતરી શરૂ થઇ, પ્રથમ એન્ટ્રી 90 વર્ષના લિજીની થઇ

વોશિંગ્ટન: અમેરિકામાં 2020 માટે વસતીગણતરીનો પ્રારંભ થઇ ગયો. તેની શરૂઆત અલાસ્કાના ટોકસુક બે ગામથી અમેરિકી વસતીગણતરી બ્યુરાનો પ્રમુખ સ્ટિવન ડિલિંઘમે કરી. તેમણે અમેરિકી વસતીગણતરી બ્યુરોના અધિકારીઓ સાથે બરફથી ઢંકાયેલા આ ગામમાં પહોંચી સ્થાનિક લોકોની મુલાકાત લીધી અને વસતીગણતરી અંગે જણાવ્યું. ત્યાર બાદ ગણતરી શરૂ કરી. જેમાં સૌથી પહેલી એન્ટ્રી 90 વર્ષના લિજી ચિમિયુગક નેંગુરયારની નોંધવામાં આવી. ટોકસુક બે અંતરિયાળના પશ્ચિમ વિસ્તારમાં અને રાજ્યના મુખ્ય શહેર એનકોરેજથી 800 કિમી અંતરે છે. 2017ના રિપોર્ટ મુજબ અહીંની વસતી આશરે 661 હતી. ટોકસુક બેના નિવાસી સ્વદેશી મૂળના યુપિક સમુદાયના છે. આ સમુદાયનું મૂળ અલાસ્કા અને અંતરિયાળ પૂર્વ રશિયા માનવામાં આવે છે. જે અહીંની વિશેષ યુપિક કે યુગટન ભાષામાં વાતચીત કરે છે. ગામના લોકોની ગણતરી પૂરી થયા બાદ અધિકારીઓએ સ્થાનિક લોકોની સાથે ઉજવણી પણ કરી હતી.
અમેરિકી વસતીગણતરી બ્યુરોના પ્રમુખ સ્ટિવન ડિલિંઘમે જણાવ્યું કે આ માત્ર એક ગામની ગણતરી નથી, પણ સમગ્ર દેશ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. વસતીગણતરી માટે આશરે 5 લાખ નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. તેના માટે 18 લાખથી વધુ અરજીઓ આવી ગઇ છે.
20 સત્તાવાર ભાષાઓ છતાં કોઇમાં દસ્તાવેજ નથી
અલાસ્કા રાજ્યમાં આશરે 20 સત્તાવાર ભાષા છે. છતાં તેમાંથી કોઇમાં પણ વસતીગણતરી અંગેની સામગ્રી નથી. અધિકારીઓને વસતીગણતરી વખતે હંમેશા પોતાની સાથે દુભાષિયા અને જેમને અહીંની ભાષાની જાણકારી છે તેવા સ્થાનિકોને રાખવા પડે છે.
અમેરિકાના અન્ય ભાગની તુલનામાં બે મહિના પહેલાં વસતીગણતરી
સમગ્ર અમેરિકામાં વસતીગણતરી માર્ચથી શરૂ થશે પરંતુ અલાસ્કામાં જાન્યુઆરીથી શરૂ કરાઇ રહી છે. અધિકારીઓ મુજબ જાન્યુઆરીમાં બરફ બહુ કઠણ હોય છે, જેના પર ડોગ સ્લેજ, સ્નોમોબિલ કે વ્હીકલથી જઇ શકાય છે. ત્યાર બાદ અહીં પહોંચવું અસંભવ થઇ જાય છે.