અમેરિકામાં બે અઠવાડિયામાં દરેક લોકોને મળશે 1,000 ડોલરનો ચેક, બ્રિટને પણ જાહેર કર્યું રાહત પેકેજ

અમેરિકામાં બે અઠવાડિયામાં દરેક લોકોને મળશે 1,000 ડોલરનો ચેક, બ્રિટને પણ જાહેર કર્યું રાહત પેકેજ

કોરોના વૈશ્વિક મહામારીએ ચારેતરફ કેર વર્તાવ્યો છે. અનેક લોકોના જીવ લેવા ઉપરાંત અનેક દેશોના બજારો પણ બંધ કરાવી દીધા છે. અનેક દેશોના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. આ તમામ સ્થિતિમાં વિવિધ દેશો દ્વારા લોકોને બચાવવા અને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી થાય તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અમેરિકા અને બ્રિટન જેવા મોટા દેશો દ્વારા પોતાના નાગરિકોને આર્થિક સહાય કરવામાં આવી રહી છે. તેનાથી વિપરિત ભારત દ્વારા માત્ર સૌના સાથ અને સૌના વિકાસની વાતો કરાઈ રહી છે.

છેલ્લાં ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહેલી, ભાવ વધારાતળે પીસાતી અને રોજગારી ગુમાવી રહેલી ભારતીય પ્રજાને સરકાર તરફથી કોઈ રાહતની આશા નથી. ક્રૂડના ભાવ તળીયે છે છતાં એક્સાઈસ વધારીને પોતાના ખિસ્સાં ભરી રહેલી સરકારે બેરોજગાર થઈ રહેલી અને આર્થિક સંકડામણમાં સપડાયેલી પ્રજાને મદદ કરવા તરફ દુર્લક્ષ સેવ્યું છે.

સ્કૂલો બંધ છે તો મધ્યાહ્ન ભોજન કેવી રીતે આપો છો? સુપ્રીમ કોર્ટનો સવાલ 

કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે ત્યારે સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન મેળવતા બાળકોની પરિસ્થિતિ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો એક્શન લઈને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસો જારી કરી છે અને સવાલ કર્યો છે કે સ્કૂલો બંધ હોય તો તેમને કેવી રીતે મધ્યાહ્ન ભોજન અપાય છે? દેશભરની સ્કૂલોમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને શાળામાં જ મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. કોરોના વાઇરસના પગલે સ્કૂલો ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાઈ છે તેથી મધ્યાહન ભોજન બંધ થતાં સુપ્રીમ કોર્ટે આવા બાળકો પ્રતિ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ બુધવારે નોટિસ મોકલીને પૂછયું છે કે સ્કૂલો બંધ હોય તો બાળકોને બપોરનું ભોજન કેવી રીતે અપાય છે? આની જાણકારી આપવા તમામ સરકારોને જણાવવામાં આવ્યું છે. કેરળ સરકારે સ્કૂલો બંધ કરવાના આદેશ આપતી વખતે જાહેરાત કરી હતી કે બાળકોને તેમના ઘરે જઈને ભોજન પૂરું પાડવામાં આવશે. મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે સ્કૂલો બંધ હોય તો પણ જરૂરિયાતમંદ બાળકોને ભોજન પહોંચાડવામાં આવશે. આવા બાળકોમાં ન્યૂટ્રિશનનો મુખ્ય સોર્સ મધ્યાહન ભોજન છે.

ટ્રમ્પે ૧ ટ્રિલિયન ડોલરનું પેકેજ રજૂ કર્યું

અમેરિકામાં કોરોનાનો વ્યાપ વધતાં રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ઝડપી નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. ટ્રમ્પ દ્વારા અમેરિકનોને મદદ કરવા અને આર્થિક સ્થિતિ જાળવવા સ્ટિમ્યુલસ પેકેજની રજૂઆત કરવામાં આવી છે. ટ્રમ્પે ૧ ટ્રિલિયન ડોલરના સ્ટિમ્યુલસ પેકેજની રજૂઆત કરી છે. તે ઉપરાંત બે અઠવાડિયામાં દેશના દરેક નાગરિકને ૧,૦૦૦ ડોલરનો ચેક પહોંચાડવામાં આવે તેવી પણ ભલામણ કરી છે. આ સિવાય આગામી સમય માટે ઈન્કમટેક્સમાં પણ ઘટાડો કરવાનું સુચન કર્યું છે.

બ્રિટનમાં પણ નાગરિકોની જવાબદારી સરકારે લીધી

બ્રિટનમાં પણ ચાન્સેલર રિશી સુનાક દ્વારા ૩૫૦ બિલિયન પાઉન્ડના બેલઆઉટ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જોન્સન સરકાર દ્વારા દેશની આર્થિક સ્થિતિ કથળે નહીં તે માટે આ નિર્ણયો લેવાયા છે. આ હેઠળ તમામ નાગરિકોના યુટિલિટી બિલ સરકાર દ્વારા ભરવામાં આવશે. તે ઉપરાંત તમામ લોકોના કાઉન્સિલ ટેક્સ સરકારે રદ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, માંદગી અને વૈશ્વિક મંદીથી પીડાતો બ્રિટનનો નાગરિક વધારે પરેશાન ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.

ફેસબુક દ્વારા કર્મચારીઓને રાહતની વહેંચણી

ફેસબુક દ્વારા પોતાના ૪૫,૦૦૦ કર્મચારીઓને છ મહિનાનું બોનસ અને ૧ હજાર ડોલરનો વધારાનો આર્થિક સહાયનો ચેક આપવામાં આવ્યો છે. કંપનીના ફુલટાઈમ કર્મચારીઓને આ સહાય કરવામાં આવી છે. જે લોકો કોન્ટ્રાક્ટથી જોડાયા છે તેમનો પગાર નહીં અટકાવવામાં આવે તેવી પણ જાહેરાત કરાઈ છે.