અમેરિકામાં પહેલા શીખ પાઘડીધારી પોલીસ અધિકારીની હિચકારી હત્યા

અમેરિકામાં પહેલા શીખ પાઘડીધારી પોલીસ અધિકારીની હિચકારી હત્યા

મૂળ ભારતીય અમેરિકન પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલની ટેક્સાસનાં હ્યુસ્ટનમાં હુમલાખોર દ્વારા ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી. યુએસ સત્તાવાળાઓ દ્વારા તેમને જ્યારે દાઢી રાખવાની અને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી ત્યારે તેઓ અખબારો અને મેગેઝિનોની હેડલાઇનમાં ચમક્યા હતા. શુક્રવારે તેઓ હ્યુસ્ટનમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા હતા ત્યારે માથાનાં ફરેલા હુમલાખોરે તેમનાં શરીરમાં ગોળીઓ ધરબી દીધી હતી. સંદીપસિંહ ધાલીવાલ છેલ્લા 10 વર્ષથી હેરિસ કાઉન્ટીની શેરિફ ઓફિસમાં ફરજ બજાવતા પહેલા શીખ ડેપ્યુટી હતા તેમ હેરિસ કાઉન્ટીનાં શેરિફ એડ ગોન્સાલ્વીસે જણાવ્યું હતું. 42 વર્ષનાં ધાલીવાલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ધાલીવાલની હત્યા કરનાર 47 વર્ષનાં રોબર્ટ સોલીસને પોલીસ દ્વારા પકડીને તેની સામે કેસ કરાયો હતો અને હથિયાર જપ્ત કરાયું હતું. ધાલીવાલ તેેમની પાછળ પત્ની અને ત્રણ સંતાનોને કલ્પાંત કરતા છોડી ગયા છે.

શું હતી ઘટના?

સંદીપ ધાલીવાલ રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરતા હતા ત્યારે કારમાં જઈ રહેલા એક પુરુષ અને મહિલાની કારને તેમણે રોકી હતી. ધાલીવાલ હજી કંઈ સમજે તે પહેલાં જ કારમાંથી ઊતરીને હુમલાખોરે તેમનાં શરીરમાં બે ગોળી ધરબી દીધી હતી.

સામાજિક કાર્યકર

સંદીપ ધાલીવાલ સામાજિક કાર્યકર પણ હતા. તેઓ શીખોને સંગઠિત કરવા સક્રિય હતા. માનવીય ધોરણે રાહત ફંડ માટે ફાળો એકઠો કરતા હતા. હાર્વે વાવાઝોડા વખતે તેમણે હજારો લોકોને મદદ કરી હતી.

સંદીપ ધાલીવાલની હત્યાથી ઊંડા દુઃખની લાગણી: એસ જયશંકર

ભારતનાં વિદેશપ્રધાન એસ જયશંકરે ધાલીવાલની હત્યાને વખોડી કાઢી તેની આકરી નિંદા કરી હતી. ભારત સરકાર વતી તેમણે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શોકાંજલિ પાઠવી હતી. મૃતકનાં પરિવારને વિદેશપ્રધાને દિલસોજી પાઠવી હતી. હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નર અને ટેક્સાસનાં ગવર્નર ગ્રેગ એબોટે તેમની હત્યા અંગે શોક વ્યક્ત કર્યો હતો અને શોક દર્શાવ્યો હતો.