અમેરિકામાં કોરોનાની રસીનું માનવપરીક્ષણ અંતિમ તબક્કામાં

અમેરિકામાં કોરોનાની રસીનું માનવપરીક્ષણ અંતિમ તબક્કામાં

સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડો લીધો છે ત્યાં અમેરિકામાંથી આ દિશામાં એક હકારાત્મક અને સારા સમાચાર આવી રહ્યા છે. અમેરિકી કંપની મોડર્ના દ્વારા ટૂંક સમયમાં કોરોનાની રસી વિકાસવી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, તેમની રસીનું માનવ પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. 27 જુલાઈથી મોડર્ના દ્વારા તેની રસીનું ત્રીજા અને અંતિમ તબક્કાનું માનવ પરીક્ષણ શરૂ કરવામાં આવશે.

આ તબક્કામાં જ ખ્યાલ આવશે કે દુનિયાભરના કોરોના પીડિતોને આ રસીથી રાહત મળશે કે નહીં. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બાબતને ગૂડ ન્યૂઝ કહીને વખાણી હતી. તે ઉપરાંત અમેરિકી વાઈરોલોજિસ્ટ ડો.ફોસીએ પણ રસીના અંતિમ તબક્કાના પરીક્ષણને ગૂડ ન્યૂઝ જણાવ્યા હતા. આ દિશામાં રશિયા પણ પાછળ નથી. તેણે પણ ઓગસ્ટના મધ્યભાગમાં કોરોનાની રસી બજારમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સતત વધી રહેલા કેસ વચ્ચે આ એક સારા સમાચાર છે. અમેરિકી કંપનીના સૂત્રોના મતે આ રસીના ત્રીજા અને અંતિમ તબક્કાના પરીક્ષણની જાહેરાત કરાઈ છે તેનો સીધો અર્થ છે કે, આ રસી સુરક્ષીત છે અને અત્યાર સુધીમાં દર્દીઓના શરીરમાં એન્ટિબોડી વિકસાવામાં મદદ કરી રહી છે. કંપનીએ મે મહિનામાં તેના બીજા તબક્કાનું પરીક્ષણ કર્યું હતું જે સફળ રહ્યું હતું. હવે અંતિમ તબક્કામાં 30,000 વોલેન્ટિયર્સ ઉપર રસીનું પરીક્ષણ કરવામાં આવશે.

બે ભાગમાં દર્દીઓની વહેચણી કરી પરીક્ષણ કરાશે

મોડર્ના કંપનીના સીઈઓ સ્ટીફન બેંસેલે જણાવ્યું કે અમે આ રસી બાબતે ખૂબ જ આશાવાદી છીએ. અમને વિશ્વાસ છે કે, અમે સફળ થઈશું. તેમણે જણાવ્યું કે, પહેલા ટ્રાયલ પછી સારા પરિણામ મળતા અમે બીજા ટ્રાયલ અંગે સજ્જ થયા હતા. આ તબક્કામાં પણ સારા પરિણામ મળ્યા છે તેથી હવે અમે અંતિમ તબક્કાના પરીક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ. અમે 30 હજાર વોલેન્ટિયર્સને બે ભાગમાં વહેંચીને રસીનું પરીક્ષણ કરીશું. અડધા વોલેન્ટિયર્સને 100 માઈક્રોગ્રામ ડોઝ આપવામાં આવશે જ્યારે બાકીના 50 ટકા લોકોને સામાન્ય ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આ રીતે રસીની અસરકારકતા ચકાસવામાં આવશે. એક વખત સારા પરિણામ મળ્યા તો મોટાપાયે રસીનું ઉત્પાદન કરીને માનવજાતને બચાવવા કામગીરી હાથ ધરાશે.

દુનિયાના લોકો માટે ખૂબ જ સારી બાબત છે : ડો. ફોસી

અમેરિકામાં રસી અતિંમ તબક્કાના પરીક્ષણ સુધી પહોંચી ગઈ છે તે અંગે અનેક લોકો દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો છે. અમેરિકી પ્રમુખ બાદ અમેરિકાના વાઈરસજન્ય ચેપી રોગોના નિષ્ણાત ડો. ફોસીએ પણ જણાવ્યું હતું કે, મને નથી ખબર કે આ સમાચાર તમને કેટલા અસર કરે છે પણ મારા મતે તો દુનિયાના લોકો માટે આ ખૂબ જ સારી બાબત છે. અમેરિકી કંપની દ્વારા વિકસાવવામાં આવેલી રસી અંતિમ તબક્કાના પરીક્ષણ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ડો. ફોસીના જ મિત્ર અને જાણીતા વાઈરોલોજિસ્ટ દ્વારા આ રસી વિકસાવવામાં આવી છે.

રશિયાએ કોરોનાની રસીનું અંતિમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ કોરોના વાઈરસની રસીની તમામ ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરનાર વિશ્વનો પહેલો દેશ બનવાની જાહેરાત કરી હતી. રશિયાની ઈન્સ્ટીટયુટ ફોર મેડિસન એન્ડ બાયોટેકનોલોજી વિભાગના ડિરેક્ટર વાદિમ તરાસોવે કહ્યું હતું કે, સેચેનોવ ફર્સ્ટ મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિર્વિસટીમાં સ્વંયસેવકો પર આ રસીનું પરીક્ષણ કરાયું હતું. તેમણે કહ્યું કે રસીની સલામતીની પુષ્ટિ કરી દેવાઈ છે. સુરક્ષાની દ્રષ્ટિએ રસીના તમામ પાસાઓની તપાસ પૂરી કરી લેવાઈ છે અને ટૂંક સમયમાં તેને બજારમાં મૂકવામાં આવશે.

ભારતમાં કોરોનાની પહેલી સ્વદેશી રસીનું ભારત બાયોટેકે પરીક્ષણ શરૂ કર્યું

ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સની સાથે મળીને કોવિડ-19 ની સ્વદેશી રસીનું માનવો પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કાના પરીક્ષણમાં દેશભરના 14 ઠેકાણે લગભગ 1500 વોલિન્ટિયર્સને સામેલ કરાયા છે. પહેલા તબક્કાના પરીક્ષણમાં રસીના હળવા ડોઝનો ઉપયોગ કરાઈ રહ્યો છે તથા વોલિન્ટિયર્સના એન્ટી બોડી ટેસ્ટ પણ કરાયા હતા. 14 દિવસ બાદ આ તમામને રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.