અમેરિકામાં કોરોનાનાં વાદળો ઘેરાતા આ ફિલ્ડના 40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવાની તૈયારી!

અમેરિકામાં કોરોનાનાં વાદળો ઘેરાતા આ ફિલ્ડના 40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવાની તૈયારી!

અમેરિકા પર કોરોનાનું કાળ ચક્ર ફરી વળ્યું છે. 12,84,000થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને 77,000થી વધુ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે વિદેશનાં 40,000 ડૉકટરો અને નર્સોને ગ્રીન કાર્ડ આપવા અમેરિકાનાં કેટલાક સાંસદોએ યુએસ કોંગ્રેસમાં ઠરાવ રજૂ કર્યો છે. સાંસદોએ તેમના ઠરાવમાં કહ્યું છે કે અત્યાર સુધી વણવપરાયેલા ગ્રીન કાર્ડ ફાજલ પડી રહ્યા હોય તો વિદેશની 25,000 નર્સો અને 15,000 ડૉકટરોને સરકારે ગ્રીન કાર્ડ આપવું જોઈએ. આવા લોકોને કાયમી કાયદેસર નિવાસનો દરજ્જો આપવો જોઈએ. દેશનાં હેલ્થકેર સેક્ટર પર કોરોનાનાં વાદળો ઘેરાયા છે ત્યારે અમેરિકાને હજારો વિદેશી નર્સો અને ડૉકટરોની જરૂર છે.

ફાજલ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા સૂચન

હેલ્થકેર વર્કફોર્સ રેઝિલિયન્સ એક્ટ સરકારને એવી છૂટ આપે છે કે કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોય પણ ઈશ્યૂ કરાયા ન હોય તેવા ફાજલ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરીને વિદેશનાં હજારો ડૉકટર અને નર્સોને દેશમાં કાયમી નિવાસ માટેનાં અધિકારો આપવા જોઈએ. જેથી તેઓ કાયમ માટે યુએસનાં મેડિકલ સેક્ટરમાં ફરજ બજાવી શકે. સાંસદોએ સૂચવ્યું છે કે આઈઓવા જેવા વિસ્તારોમાં વર્ષો સુધી દર્દીઓની સેવા કરવા મેડિકલ સ્ટાફની જરૂર પડશે.

ભારતીય નર્સો અને ડૉકટરોને લાભ

અમેરિકાની સંસદમાં જો આ ઠરાવ પસાર કરાય તો તેનાંથી ભારતનાં ડૉકટરો કે નર્સો કે જેઓ હાલ અમેરિકામાં H-1B કે J2 વિઝા પર સેવા આપે છે તેમને ફાયદો થશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝમાં સાંસદ એબી ફિન્કનૌપ, બ્રાડ શિન્ડર, ટોમ કોલે, ડોન બેકોન તેમજ ડેવિડ પેર્ડ્યુ, ડિક ડર્બિન, ટોડ યંગ અને ક્રિસ કૂન્સ દ્વારા આ ઠરાવ રજૂ કરાયો હતો. હાલની અને ભાવિ પેઢીને મહામારીથી બચાવવા આપણે સારા ડૉકટરો અને નર્સોની જરૂર છે તેમ સાંસદ ફિન્કનૌરે કહ્યું હતું.