અમેરિકામાં એર ટ્રાફિકજામ, કલાકે ૧૨ હજારથી વધુ વિમાનનાં ઉડ્ડયન

અમેરિકામાં એર ટ્રાફિકજામ, કલાકે ૧૨ હજારથી વધુ વિમાનનાં ઉડ્ડયન

। વોશિંગ્ટન ।

આપણે ત્યાં રસ્તા પર તો ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળતા રહે છે. પરંતુ આકાશમાં પણ ટ્રાફિકજામ થાય એવું તમે માની શકો ? માનવામાં નહીં આવે પણ અમેરિકાના આકાશમાં તો વિમાનોનો પણ ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ૨૧ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી નાતાલની રજા હોય છે, ત્યારે લાખોની સંખ્યામાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. અમેરિકામાં ૧૬ વર્ષોમાં પહેલી વખત એવું થયું છે કે જ્યારે ૨૪થી ૨૬ ડિસેમ્બર દરમિયાન કુલ ૭૦ લાખ લોકોએ હવાઈ સફર કરી છે.

અમેરિકન ઓટોમોબાઇલ એસોસિયેશનના મતે અમેરિકામાં નાતાલ દરમિયાન ૧૨ હજારથી વધુ વિમાન ઉડ્ડયન કરે છે. મતલબ કે રજા દરમિયાન ૭૦ લાખ લોકોને આ વિમાન સેવા આપશે, જે ગયા વર્ષ કરતાં ૪.૯ ટકા વધુ છે. અમેરિકા ઉપમહાદ્વીપમાં લગભગ ૧૦.૪૦ કરોડ લોકો રજા ભોગવશે, જે ગયા વર્ષ કરતાં ૩.૮ ટકા વધુ છે.

હવાઈ સફર કરનારા લોકોની સંખ્યા મોટી છે, છતાં કારોથી મુસાફરી કરનારા લોકો પણ ઓછા નથી. અમેરિકન ઓટોમોબાઇલ એસોસિયેશન અનુસાર અમેરિકામાં આ રજામાં આવજાવ કરવા માટે કારનો ઉપયોગ કરનારા પણ લગભગ ૩૯ લાખ લોકો હશે. ગયા વર્ષ કરતાં કારથી મુસાફરી કરનારા લોકોની સંખ્યા ૩.૯ ટકા વધુ છે.

૩૮.૧૦ લાખ લોકો ટ્રેન અને બસથી મુસાફરી કરશે !

અમેરિકન ઓટોમોબાઇલ એસોસિયેશનના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ ૩૮.૧૦ લાખ લોકો ટ્રેન, બસ અને ક્રૂઝશિપનો ઉપયોગ પોતાની રજામાં કરશે. આ સંખ્યા પણ ગયા વર્ષ કરતાં ૩ ટકા વધુ છે.