અમેરિકામાં અચાનક ઉતર્યું પાયલટ વગરનું રહસ્યમય વિમાન, દુનિયા આખી જાણવા ઉત્સુક

અમેરિકામાં અચાનક ઉતર્યું પાયલટ વગરનું રહસ્યમય વિમાન, દુનિયા આખી જાણવા ઉત્સુક

સીરિયામાં આઈએસના ચીફ અને ખુંખાર આતંકવાદી અબુ બકર અલ બગદાદીને મોતને ઘાટ ઉતારવાની ઘટના વચ્ચે અમેરિકામાં એક રહસ્યમય વિમાન ઉતર્યું છે. આ વિમાન 780 દિવસની લાંબી અવકાશ યાત્રા કરીને પાછુ ફર્યું છે. આ વિમાનની ખાસ વિશેષતા એ છે કે વિમાનમાં કોઈ જ પાયલટ નહોતો.  એટલે કે વિમાન પાયલટ વિહોણું હતું.

વિમાન 780 દિવસ લાંબી અંતરિક્ષ યાત્રા કરીને 27 ઓક્ટોબરના રોજ ધરતી પર પરત આવ્યું હતું. અમેરિકન એરફોર્સનું X-37B ઓરબીટ ટેસ્ટ વ્હિકલ-5 ફ્લોરિડાના કેપ કાનવેરલ ખાતે આવેલા કેનેડી સ્પેસ સેન્ટર વિમાન મથક પર લેન્ડ થયું હતું. આ મિશન સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટની મદદથી 7 સપ્ટેમ્બર, 2017ના રોજ લોન્ચ થયું હતું. અમેરિકન સેનાનું આ પાંચમું લાંબુ મિશન હતું.

આ વિમાને અગાઉના 718 દિવસનો રેકોર્ડ તોડ્યો હતો. આ અગાઉ OTV-4 મિશન મે, 2017માં પુરું થયું હતું. નાસાની શટલ લેન્ડિંગ ફેસિલિટીનું X-37B સાથેનું OTV-5 બીજું મિશન હતું. આ અગાઉના નિશનમાં વિમાને કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ એરફોર્સ બેઝ પર લેન્ડિંગ કર્યું હતું. અમેરિકા દ્વારા આ વિમાન કયા મિશન હેઠળ છોડવામાં આવ્યું હતું તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

અમેરિકી એરફોર્સ ચીફ સ્ટાફ જનરલ ડેવિડ એલ. ગોલ્ડફીને એક નિવેદનમાં જણાવ્યું કે, પાયલટ રહિત વિમાનું સફળ પાછું આવવું અને પોતાનો જ રેકોર્ડ તોડવો સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ઈનોવેટિવ ભાગીદારીની સફળતા દર્શાવે છે. હવે જો અમેરિકાની કોંગ્રેસ મંજુર કરે તો યુએસ સ્પેસફોર્સ બનાવવા પણ અમે તૈયાર છીએ. અમેરિકાની વાયુસેના માટે હવે આકાશની પણ મર્યાદા રહી નથી.

શું છે આ વિમાનની વિશેષતા?

આ વિમાન 29 ફૂટ(8.8 મીટર) લાંબું, 9.6 ફૂટ (2.9 મીટર) ઊંચું છે. તેની પાંખોની લંબા માત્ર 15 ફૂટ (4.6 મિટર) છે. તેનું કુલ વજન 4,999 કિલો છે. આ વિમાન સૌર ઊર્જાથી સંચાલિત છે. તેમાં ફિટ થયેલી લિથિયમ આયન બેટરીમાં ઊર્જાનો સંચય થાય છે. આ વિમાન અંતરિક્ષમાં પૃથ્વીથી 320 કિમીની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. તેના પેલોડમાં થર્મલ સ્પ્રેડર મોકલવામાં આવે છે, જે અંતરિક્ષના વાતાવરણમાં ઈલેક્ટ્રોનિક્સની ટકાઉ ક્ષમતા અને પાઈપને ગરમ થવા અંગેની ચકાસણી કરે છે. આ વિમાન અમેરિકાની જાણીતી અવકાશ સંસ્થા નાસાએ બનાવ્યું છે.

અમેરિકી સૈન્યએ ક્યારે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું?

અમેરિકાન સેનાની ‘ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ એજન્સી’ દ્વારા વર્ષ 2004માં આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પછીથી આ પ્રોજેક્ત અમેરિકાની વાયુસેનાની પાસે ગયો હતો. તેણે બે વર્ષ સુધી X-37A વ્હિકલના કેટલાક ટેસ્ટ કર્યા હતા. ત્યાર બાદ અમેરિકાની વાયુસેનાએ 2006માં બોઈંગ કંપનીનો સંપર્ક સાધ્યો હતો અને તેણે X-37B વિમાન બનાવી આપ્યું હતું. ત્યાર પછી બીજું X-37B વિમાન 2010માં બનાવાયું હતું. આ વિમાનની આ યાત્રાનું રહસ્ય જોકે હજી સુધી અકબંધ છે.