અમેરિકાનું સુકાન સંભાળ્યા પહેલા જ જો બાઈડને આપ્યા સંકેત, તરત ઇમિગ્રેશન કાયદો રજૂ કરીશ

અમેરિકાનું સુકાન સંભાળ્યા પહેલા જ જો બાઈડને આપ્યા સંકેત, તરત ઇમિગ્રેશન કાયદો રજૂ કરીશ

અમેરિકામાં પ્રમુખપદે ચૂંટાઈ આવેલા પ્રમુખ જો બાઇડેને (Joe Biden) કહ્યું છે કે તેઓ પદ સંભાળ્યા પછી તરત ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration)ની નીતિઓને ઊલટાવીને (Immigration) એક ઇમિગ્રેશન કાયદો ઘડી કાઢશે. જો બાઇડેન 20 જાન્યુઆરીના રોજ અમેરિકી પ્રમુખપદના શપથ લેવાના છે. તેમણે ડેલાવેયર પ્રાંતના વિલમંગ્ટન ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે,’ પદભાર સંભાળતા જ હું તત્કાલ ઇમિગ્રેશન કાયદો લઈને આવીશ. તે કાયદો વિચારણા માટે ઉચ્ચ સમિતિઓ સમક્ષ મોકલવામાં આવ્યો છે.’ જો બાઇડેનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ 20 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળ્યા પછી સૌ પ્રથમ શું કામ કરશે? તો જવાબમાં તેમણે ઉપર મુજબ જણાવ્યું હતું. જો બાઇડેન આ પહેલાં પણ વચન આપી ચૂક્યા છે કે તેઓ પદ સંભાળતાં જ ઇમિગ્રેશન સિસ્ટમ (Immigration System)માં ફેરફાર કરશે. ટ્રમ્પે ઊભી કરેલી ઇમિગ્રેશન નીતિને પલટવા બાઇડેન ચૂંટણી વચન આપી ચૂક્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર આરંભથી જ સીમિત ઇમિગ્રેશન પર કામ કરી રહ્યું હતું. ટ્રમ્પે પ્રમુખપદ સંભાળતાં જ સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પના કાર્યકાળના અંતિમ દોરમાં પણ આવું જ થતું રહ્યું અને વ્હાઇટ હાઉસે તે સમયે કોરોના વાઇરસની મહામારીને ઢાલ બનાવીને ઇમિગ્રેશન પર પ્રતિબંધો લાદવાની વાત કરી હતી. જો બાઇડેને કહ્યું હતું કે તેઓ પર્યાવરણને મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રે કરેલા આદેશોની પણ સમીક્ષા કરશે. બાઇડેન પેરિસ સમજૂતીમાં સામેલ થશે તેવી જાહેરાત પહેલાં જ કરી ચૂક્યા છે.

કોરોના સામે બાથ ભીડવા મક્કમ : જો બાઇડેન

રસીનો જથ્થો તો ઉપલબ્ધ થઈ ચૂક્યો છે, પરંતુ રસી લોકોના હાથમાં લાગે તે મોટું કામ છે એમ કહેતાં બાઇડેને ઉમેર્યું હતું કે તેમના શાસનના શરૂઆતના 100 દિવસ દરમિયાન જ લોકોના હાથમાં 10 કરોડ ઇન્જેક્શન લાગે તે માટે તેઓ પ્રતિબદ્ધ છે. દેશની તમામ ફેડરલ સુવિધા, આંતર રાજ્ય પરિવહન વ્યવસ્થા કે પછી પ્રમુખ તરીકેના હોદ્દાની રૂએ તેમના નિયંત્રણ હેઠળના તમામ વિસ્તારમાં માસ્ક ફરજિયાત પણે ધારણ કરવા સૂચના આપવામાં આવશે. શાળાઓ ઝડપથી ખૂલે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે.

( Source – Sandesh )