અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, ત્રણ દીકરા પણ માર્યા ગયા – ટ્રમ્પ

અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, ત્રણ દીકરા પણ માર્યા ગયા – ટ્રમ્પ

  • દુનિયા હવે વધુ સુરક્ષિત સ્થાન છે, બગદાદી કાયર અને કૂતરાની મોતે મર્યો- ટ્રમ્પ
  • 2014માં બગદાદીએ પોતાને ઈરાક અને સીરિયાનો ખલીફા જાહેર કર્યો હતો

વોશિંગ્ટનઃઅમેરિકાની સેનાના હુમલામાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)નો ચીફ અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી પર લાઇવ પ્રસારણ દરમિયાન તેની ખરાઇ કરી. ટ્રમ્પે ઓપરેશનમાં સામેલ અમેરિકાના સૈનિકોના વખાણ કરતા કહ્યું કે અમારું મિશન શાનદાર રીતે પૂર્ણ થયું. બગદાદી અમેરિકાની તાકાત સામે ડરતો અને બૂમ બરાડા પાડતો માર્યો ગયો. તેની સાથે આઇએસના બીજા અમુક આતંકીઓ પણ માર્યા ગયા છે.

બગદાદીએ સુરંગમાં પોતાને બ્લાસ્ટથી ઉડાવી દીધો
ટ્રમ્પે જણાવ્યું કે સેનાને આવતી જોઇને બગદાદી તેના ઠેકાણા નીચે સુરંગમાં ભાગવા લાગ્યો હતો. સાથે તેના ત્રણ બાળકોને પણ લીધા. આ દરમિયાન મિલિટ્રી અને સેનાના કૂતરાઓએ તેનો પીછો કર્યો. સુરંગમાં જ્યારે તેને કોઇ રસ્તો ન મળ્યો તો તેણે આત્મઘાતી જેકેટથી બ્લાસ્ટ કર્યો. તેમાં તેની સાથે તેના ત્રણેય બાળકોનું પણ મૃત્યુ થયું. વિસ્ફોટમાં તેનું શરીર ક્ષતિગ્રસ્ત થઇ ગયું પરંતુ ટેસ્ટથી તેની ઓળખ કરી લેવામાં આવી હતી.

ઈદલિબ પ્રાંતમાં અમેરિકાની સેનાનું ઓપરેશન
ટ્રમ્પે જણાવ્યું કે બગદાદીને મારવા માટે સીરિયાના ઈદલિબ પ્રાંતમાં મિલિટરી હેલિકોપ્ટર, વિમાનો અને ડ્રોન્સના કવરમાં સ્પેશ્યલ ફોર્સને જમીન પર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સૈનિકોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી. ટ્રમ્પે તાજેતરમાં જ આઇએસ વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી હતી.