અમેરિકાની પોલીસ શ્વેત અને અશ્વેત વચ્ચે ભેદભાવ રાખે છે

અમેરિકાની પોલીસ શ્વેત અને અશ્વેત વચ્ચે ભેદભાવ રાખે છે

। વોશિંગ્ટન  ।

અમેરિકાના એટર્ની જનરલ વિલિયમે પહેલી વાર સ્વીકાર કર્યો છે કે મે મહિનામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યામાં પોલીસે બેજવાબદારભર્યું વર્તન દાખવ્યું હતું. મારે એ વાતનો સ્વીકાર કરવો પડી રહ્યો છે કે અમેરિકી પોલીસ શ્વેત અને અશ્વેત વચ્ચે ભેદભાવ દાખવે છે. ૨૫ મેના રોજ પોલીસ જ્યોર્જની ધરપકડ કરવા ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ ૮ મિનિટ સુધી જ્યોર્જનું ગળું દબાવી રાખ્યું હતું અને તેનું મોત થયું હતું. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વિલિયમે કહ્યું કે જે થયું તે ખોટું હતું. અમેરિકામાં હવે એવું મનાવા લાગ્યું છે કે અહીંની પોલીસ શ્વેત અને અશ્વેત વચ્ચે ભેદભાવ કરે છે. આવા કિસ્સાઓ સાથે અલગ રીતે પનારો પાર પાડવામાં આવે છે. જોકે હકીકત એવી છે કે આવું થવું જોઈતું નહોતું. આફ્રિકી-અમેરિકી પુરુષોના મનમાં ભેદભાવની વાત ઊંડે સુધી ઊતરી ગઈ છે.

રંગભેદ પર વિલિયમના નિવેદનથી એવું લાગે છે કે આ મુદ્દે ટ્રમ્પ સરકારમાં એકમત નથી. કેટલાક દિવસો પહેલાં વ્હાઇટ હાઉસના ઇકોનોમિક એડવાઇઝર લેરી કુડલોએ કહ્યું હતું કે પ્રશાસન અથવા તો પોલીસમાં રંગભેદ જેવું કંઈ નથી. હવે વિલિયમે પોતાના જ સહયોગીના દાવાનો ઇનકાર કર્યો છે.

વિલિયમે કહ્યું કે મને કહેવામાં કોઈ કોઈ વાંધો નથી કે રંગભેદ સંબંધી આરોપો પર આપણે જલદીથી પગલાં ભરવાં પડશે. જ્યોર્જનો કિસ્સો બન્યો તે પહેલાં હું પણ એવું માનતો હતો કે દેશમાં રંગભેદ જેવું કશું નથી. પરંતુ વાસ્તવિકતાનો ઇનકાર થઈ શકે તેમ નથી.