અમેરિકાએ IT કંપનીઓ પાસેથી વિઝા ફી પેટે ખોટી રીતે ૩૫૦ મિલિયન ડોલર ખંખેરી લીધાં

અમેરિકાએ IT કંપનીઓ પાસેથી વિઝા ફી પેટે ખોટી રીતે ૩૫૦ મિલિયન ડોલર ખંખેરી લીધાં

। બેંગલોર ।

અમેરિકી સરકારની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS)એ ટેક્નોલોજી કંપનીઓ પાસેથી સ્ટેટસ એપ્લિકેશનને એચવનબી વિઝાની અરજીમાં તબદીલ કરવા માટે ગેરકાયદેસર રીતે ૩૫૦ મિલિયન અમેરિકન ડોલર ખંખેરી લીધાં હોવાના આરોપસર અદાલતમાં ખટલો દાખલ કરાયો છે. અરજકર્તા આઇટીસર્વ એલાયન્સ, આઇટેક યુએસ, સ્માર્ટ વર્ક્સ અને સેક્સોન ગ્લોબલે કોર્ટમાં કેસ દાખલ કરી USCISને આ પ્રકારની ફી ઉઘરાવતી અટકાવવા અને છેલ્લા ૬ વર્ષમાં તેણે ઉઘરાવેલી તમામ ફી પરત અપાવવાની માગ કરી છે.

શું છે અરજકર્તા કંપનીઓનો આરોપ?

અરજકર્તાઓનો આરોપ છે કે USCIS દ્વારા ઉઘરાવવામાં આવતી ફી ગેરકાયદેસર છે. ૧૭ જાન્યુઆરી ૨૦૧૪થી ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ સુધી USCISએ એચવનબી વિઝા માટેની દરેક સ્ટેટસ ચેન્જ અરજી પર કંપનીઓ પાસેથી ૨,૦૦૦ ડોલર વધારાના વસૂલ્યા હતા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૫થી અત્યાર સુધી આ પ્રકારના કોઈપણ સ્ટેટસ ચેન્જની દરેક અરજી પર USCIS કંપનીઓ પાસેથી ૪,૦૦૦ ડોલર વસૂલતી આવી છે.

… તો USCISએ ઉઘરાવેલી ફી પાછી આપવી પડશે

ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાત સ્ટીફન યાલે લોએરે જણાવ્યું હતું કે, આ ખટલો બે કારણોના લીધે અત્યંત મહત્ત્વનો છે. પહેલું કારણ એ કે આ ખટલો USCISને ઇમિગ્રેશન કાયદાને સરળ ભાષામાં અનુસરી તેના અલગ અર્થઘટન નહીં કરવાની ફરજ પાડશે. બીજું કારણ એ કે જો અરજકર્તાઓઆ કેસ જીતી જશે તો USCISએ ફી પાછી આપવી પડશે.