અમેરિકાએ નાણાં આપ્યાં અને પાકિસ્તાને આતંકવાદીઓ તૈયાર કર્યા : ઇમરાન ખાન

અમેરિકાએ નાણાં આપ્યાં અને પાકિસ્તાને આતંકવાદીઓ તૈયાર કર્યા : ઇમરાન ખાન

। ઇસ્લામાબાદ ।

આતંકવાદના મુદ્દે સમગ્ર વિશ્વમાંથી જાકારો મેળવી રહેલા પાકિસ્તાને હવે રહી રહીને સ્વીકારવાનું શરૂ કર્યું છે કે પાકિસ્તાનની ધરતી પર જ આતંકવાદી સંગઠનોનો જન્મ થયો છે. પાકિસ્તાની નેતાઓ હવે એ પણ સ્વીકારી રહ્યા છે કે તેમના દેશની ધરતી પર આતંકવાદી સંગઠનો સક્રિય છે. જોકે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સર્જનનું ઠીકરું અમેરિકાના માથે ફોડયું છે. આતંકવાદ માટે અમેરિકાને જવાબદાર ગણાવતા ઇમરાન ખાને જણાવ્યું હતું કે, ૮૦ના દાયકામાં સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે તેમની સામે લડવા મુજાહિદ્દિનોને જેહાદ માટે તૈયાર કરાયા હતા અને તેનું ફંડિંગ અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએ દ્વારા કરાયું હતું. હવે એક દાયકા પછી અમેરિકનો જ અફઘાનિસ્તાનમાં આવી ગયા છે ત્યારે જેહાદને આતંકવાદ ગણાવવામાં આવી રહી છે.

૪૦ હજાર આતંકીઓને પાક.માં ટ્રેનિંગ

એક મહિના પહેલાં ઇમરાન ખાને સ્વીકાર્યું હતું કે ૩૦થી ૪૦ હજાર આતંકવાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ એ જ આતંકવાદી છે જેમણે અફઘાનિસ્તાનના યુદ્ધ અને કાશ્મીરના સંઘર્ષમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનના ગૃહમંત્રી શાહે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ એ જ આતંકવાદી સંગઠન છે જેમણે અફઘાનિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો અને કાશ્મીરમાં હિંસા ફેલાવી.

યુદ્ધના અભરખા । વિદેશમંત્રી કુરેશીએ કહ્યું, કાશ્મીર મુદ્દે ભારત-પાક. વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમૂદ કુરેશીએ બુધવારે જિનિવા ખાતે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તતી સ્થિતિના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અકસ્માતે યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ રહેલું છે. ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધનાં પરિણામોથી વાકેફ છે, પરંતુ અકસ્માતે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના રહેલી છે. જો યુદ્ધ ફાટી નીકળે તો ગમે તે થઈ શકે છે. કુરેશીએ તણાવ ઘટાડવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની સંભાવના પણ નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વાતાવરણ અને નવી દિલ્હીની માનસિકતા જોતાં મને દ્વિપક્ષીય મંત્રણાની કોઈ સંભાવના દેખાતી નથી.