અમેરિકન સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’નો ખરડો પસાર, 5 લાખથી વધુ ભારતીયોને ફાયદો; બાઇડેનની સહી સાથે જ કાયદાનું રૂપ લેશે

અમેરિકન સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’નો ખરડો પસાર, 5 લાખથી વધુ ભારતીયોને ફાયદો; બાઇડેનની સહી સાથે જ કાયદાનું રૂપ લેશે

રાષ્ટ્રપતિ જો બાઇડેનનું ઇમિગ્રેશન એજન્ડાની દિશામાં પહેલું પગલું

અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્ત્વપૂર્ણ ખરડો ‘અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ’ પસાર કર્યો છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની આશા રાખીને બેઠેલા 5 લાખથી વધુ ભારતીયોને તેનાથી ફાયદો થઇ શકે છે. ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો. ત્યાર બાદ તેને ઉપલા ગૃહ સેનેટમાં મોકલી દેવાયો. તે સેનેટમાં પસાર થઇ જશે તો રાષ્ટ્રપતિ જો બાઇડેનની સહી સાથે જ કાયદાનું રૂપ લઇ લેશે.

‘ડ્રીમર્સ’નું અમેરિકન નાગરિક બનવાનું સપનું થશે સાકાર
બાઇડેન પહેલેથી આ ખરડાની તરફેણમાં છે. તેમણે હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ખરડો પસાર થયા બાદ સેનેટને પણ ખરડો પસાર કરી દેવા અપીલ કરી, જેથી અમેરિકામાં રહેતા કરોડો ‘ડ્રીમર્સ’નું અમેરિકી નાગરિક બનવાનું સપનું સાકાર થઇ શકે. આ ખરડો બાઇડેનના ઇમિગ્રેશન એજન્ડાની દિશામાં પહેલું પગલું છે.

નવા કાયદાથી આ ‘ડ્રીમર્સ’ને ફાયદો
‘અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ’થી એવા અંદાજે 1.10 લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકાનું નાગરિકત્વ મળી શકે છે કે જેમની પાસે કાનૂની દસ્તાવેજ નથી. અમેરિકામાં તેમને જ ‘ડ્રીમર્સ’ કહે છે. મતલબ કે એવા ઇનડાયરેક્ટ ઇમિગ્રન્ટ કે જેઓ માતા-પિતા સાથે બાળપણમાં અમેરિકા આવ્યા પણ દસ્તાવેજ ન હોવાથી તેમણે કાનૂની દેખરેખ હેઠળ રહેવું પડે છે. તેમને સ્વદેશ પાછા મોકલવાની વાતો પણ થતી રહે છે. તેમાં 5 લાખથી વધુ ભારતીયો છે.

ટ્રમ્પે લાદેલા પ્રતિબંધો હટાવવા માગ થઈ હતી
તેમની ડેમોક્રેટિક પાર્ટીના 5 સેનેટરે કેટલાક નોન-ઇમિગ્રન્ટ વિઝા પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધ હટાવવાની માગ કરી છે, જેમાં ભારતીય પ્રોફેશનલ્સમાં ભારે લોકપ્રિય એચ-1બી વિઝા પણ સામેલ છે. સેનેટર્સનું કહેવું છે કે પ્રતિબંધોથી અમેરિકી કંપનીઓ, વિદેશથી આવતા પ્રોફેશનલ્સ તથા તેમના પરિવારજનો માટે અનિશ્ચિતતા સર્જાઇ છે.

અમેેરિકન કોર્ટે અગાઉ H-1B વિઝા અંગેના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાયદાને રદ કર્યો હતો
અગાઉ અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા પ્રસ્તાવિત આઇટી કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિમણૂક કરતા રોકતા H-1B વિઝાના બે નિયમની વિરુદ્ધમાં ચુકાદો આપતાં ત્યાંની આઇટી કંપનીઓના હજારો સ્કિલ્ડ ફોરેન વર્કર્સને રાહત સાંપડી હતી. હવે ગેરમાન્ય ઠરી ચૂકેલા આ બે નવા નિયમ 7 ડિસેમ્બર, 2020થી અમલી બનવાના હતા. એ અમલમાં આવ્યા હોત તો અમેરિકી કંપનીઓની સ્કિલ્ડ ફોરેન વર્કર્સ રાખવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો થયો હોત, જેને કારણે કંપનીઓને અને સરવાળે અમેરિકી અર્થતંત્રને ભારે નુકસાન થાય તેમ હતું.

( Source – Divyabhaskar )