અમદાવાદ / 29 ફેબ્રુઆરીએ 131 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી મા ઉમિયાની મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે

અમદાવાદ / 29 ફેબ્રુઆરીએ 131 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી મા ઉમિયાની મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે

વિશ્વ ઉમિયાધામમાં સ્નેહમિલન સમારંભમાં 200થી વધુ એનઆરઆઈ આવ્યા

અમદાવાદ: જાસપુરમાં વૈષ્ણોદેવી પાસે આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંગળવારે એનઆરઆઈ સ્નેહમિલન અને અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશમાં વસતાં 200થી વધુ એનઆરઆઈ પરિવારે ખાસ હાજરી આપી હતી. આ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ, સમાજના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, સમાજના શ્રેષ્ઠીઓ સહિત અન્ય અગ્રણીઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણીએ આ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામમાં સ્નેહમિલન અને અભિવાદન કાર્યક્રમ પહેલાં સવારે 9થી 12 વાગ્યા સુધી એનઆરઆઈ પરિવારો માટે યજ્ઞ અને ઉમિયા માતાજીની પૂજા-અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 જેટલા એનઆરઆઈ પરિવારો જોડાયા હતા. ત્યાર બાદ બપોરે 1થી 4 વાગ્યા સુધી બીટુબી બિઝનેસ મિટિંગ યોજાઈ હતી, જેમાં દેશ-વિદેશની 25 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી મંદિર સામે જાસપુર ખાતે આગામી 29મી ફેબ્રુઆરી શનિવારે વિશ્વ ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે, જેમાં 131 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી માં ઉમિયાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની સાથે મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
31 હજાર ભરનારા સભ્યના પરિવારને 10 લાખનું સુરક્ષા કવચ
ઉમિયાધામ સંસ્થા દ્વારા મંગળવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા સબ્યો માટે વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ (વીયુએસકે) યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આયોજનામાં ફક્ત એકવાર 31 હજાર રૂપિયા ભરનારા સભ્યના પરિવારના તમામ સભ્યોને 10 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ આપવામાં આવશે.