અમદાવાદ / હવે BRTS બસના ડ્રાઈવરને ટ્રાફિક પોલીસ દંડ કરશે તો કોન્ટ્રાક્ટરને 10 ગણી પેનલ્ટી

અમદાવાદ / હવે BRTS બસના ડ્રાઈવરને ટ્રાફિક પોલીસ દંડ કરશે તો કોન્ટ્રાક્ટરને 10 ગણી પેનલ્ટી

  • એક વર્ષમાં 319 જેટલા અકસ્માત 
  • BRTS બસે 9 અકસ્માત કર્યા
  • 50 ટકા જેટલા અકસ્માતો કોરિડોરમાં ચાલતા ખાનગી વાહનોને કારણે થયા
  • BRTS દ્વારા સામાન્ય અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાશે

અમદાવાદઃ શહેરમાં BRTS બસ દ્વારા થઈ રહેલા અકસ્માતોને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે રહી રહીને જાગ્યું છે અને પાંચ મહત્વના નિર્ણય લીધા છે. જેમાં BRTS બસની ઓવરસ્પીડ, ડ્રાઈવરોને ટ્રેનિંગ, ડ્રાઈવરોનો વ્યવહાર, કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી અને BRTS કોરિડોરમાં ઘુસતા ખાનગી વાહનચાલકો સામે દંડ અને ગુનો નોંધવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું કે,હવેથી BRTS બસના ડ્રાઈવરો જે નવા ભરતી થાય છે તેને ટ્રેનિંગ અપાશે, તેનું મેડિકલ અને આઈ ચેકઅપ બાદ જ બસ ચલાવવા મંજૂરી આપવામાં આવશે. ડ્રાઈવરો ચાલુ બસ દરમિયાન મોબાઈલ ફોન રાખી શકશે નહીં, તેઓને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત જો BRTS બસના ડ્રાઈવરને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવશે તો તેની 10 ગણી રકમની પેનલ્ટી કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવશે. જો કે અત્યાર સુધી માત્ર BRTS દ્વારા અકસ્માત થતા જો કોઈનું મૃત્યુ થાય તો કોન્ટ્રાક્ટરને રૂ.1 લાખનો દંડ કરવામાં આવતો હતો. પરંતુ હવેથી જો BRTS દ્વારા સામાન્ય અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાશે.

BRTS કોરિડોરમાં ખાનગી એજન્સીના બાઉન્સરોને મુકાશે
મ્યુ.કમિશનર મુજબ, શહેરમાં 100 કિલો મીટર વિસ્તારમાં BRTS દોડી રહી છે. બે ટકા ક્ષેત્રફળ વિસ્તારમાં BRTS ટ્રેક આવેલો છે, જેમાં 255 BRTS અને 325 AMTS બસ દોડી રહી છે. વર્ષ દરમિયાન 319 જેટલા અકસ્માત થયા છે, જેમાંથી 9 જેટલા અકસ્માત BRTS બસ દ્વારા કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 50 ટકા જેટલા અકસ્માત BRTS કોરિડોરમાં ખાનગી વાહનના કારણે થયા છે. જેના કારણે હવેથી અમદાવાદ ટ્રાફિક પોલીસની મદદ લઈ અને કોરિડોરમાં ઘુસતા ખાનગી વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરિડોર પાસે ખાનગી એજન્સીના બાઉન્સરોને મુકવામાં આવશે અને તેઓ ખાનગી વાહનચાલકોને કોરિડોરમાં ઘુસતા રોકશે.

BRTSની 206 બસોમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીડ ગવર્નન્સ મુક્યા
BRTSની દોડી રહેલી બસોમાં 206 બસોમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીડ ગવર્નન્સ મુકવામાં આવ્યું છે. જ્યારે 49 જેટલી જુની બસોમાં મિકેનિકલ સ્પીડ ગવર્નન્સ મુકવામાં આવ્યા છે. જ્યારે BRTSની તમામ બસોની પ્રતિ કલાક 50 કિલો મીટરની સ્પીડની નક્કી કરવામાં આવી છે. જો ભવિષ્યમાં સ્પીડ ગવર્નન્સમાં ઓવરસ્પીડ જણાશે તો કોન્ટ્રાક્ટરને રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવશે.

BRTS કોરિડોરમાં ખાનગી વાહન ચલાવાશે તો ગુનો નોંધાશે
ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ આ મામલે જણાવ્યું હતું કે, BRTS કોરિડોરમાં ઘુસતા વાહનચાલકોને ઘુસતા રોકવા માટે કુલ 4 ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 2 ટીમ પૂર્વમાં અને 2 ટીમ પશ્ચિમમાં કાર્યરત રહેશે, BRTS કોરિડોરમાં AMTS, BRTS, એસ.ટી અને ઈમર્જન્સી સેવાઓના વાહનોને ચલાવવાની મંજૂરી છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જો BRTS કોરિડોરમાં વાહન ચલાવશે તો જાહેરનામાના ભંગ બદલ તેમની સામે ગુનો નોંધાશે, ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ 184 મુજબ જો કોરિડોરમાં ખાનગી વાહન ચલાવશે તો ટૂ અને થ્રી વ્હીલર ચાલકને રૂ.1500નો દંડ જ્યારે ફોર વ્હીલર ચાલકને રૂ.3000નો અને ભારે વાહનોને રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

વિરાટનગરના કોર્પોરેટર કોરિડોરમાં કાર હંકારતા પકડાયા
ટ્રાફિક પોલીસે બીઆરટીએસ કોરિડોરમાં બસ સિવાયના ખાનગી વાહનો સામે બુધવારે ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ એક આઈએએસ અધિકારી અર્બન મિનિસ્ટ્રીના પ્રાદેશિક કમિશનર મનીષકુમારની કોન્ટ્રાક્ટ પર ચાલતી કાર બીઆરટીએસ કોરિડોરમાં દોડતા દંડ કરાયો હતો. ખમાસા ચાર રસ્તા પાસે કોરિડોરમાં કાર હંકારતા વિરાટનગરના કોર્પોરેટર રણજીતસિંહ બારડ પાસેથી દંડ વસૂલ્યો હતો. ભાજપના ભૂતપૂર્વ મંત્રી નિર્મલાબેન વાધવાણીના પતિ પણ કોરીડોરમાં કાર ચલાવતા પકડાતા તેમની પાસેથી પણ દંડ વસૂલાયો હતો.
BRTS કોરિડોરને ઉખાડીને ફેંકી દો : કોંગ્રેસ
બીઆરટીએસ કોરિડોરમાં બની રહેલા અકસ્માતો જો રોકી ન શકતાં હોય તો કોરિડોર ઉખાડી નાંખો તેવી સ્પષ્ટ ચેતવણી કોંગ્રેસના વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ બોર્ડમાં આપી છે.
જો અકસ્માત સ્થળે સીસીટીવી ચાલુ ન હોય તો તેની વિજિલન્સ તપાસ થવી જોઇએ. બીઆરટીએસમાં અકસ્માત બાદ કેટલીક જાણકારી ડીવાયએમસી પાસે માગી તો તેમની પાસે કોઇ વિગત હોતી નથી. એટલું જ નહીં પણ નીચેના અધિકારીઓ ફોન પણ ઉપાડતાં નથી. લોકો કોરિડોરમાં કેમ ઘૂસે છે? તે જાણવાનો તંત્રએ પ્રયાસ કરવો જોઇએ. તેમણે તાજેતરમાં જ ભરતી કરાયેલા એએમસી ને અપાયેલા મૌખિકગુણમાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. તંત્ર દ્વારા પણ તેમને અધૂરી માહિતી અપાયે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તમે ક્યારેય તિલકબાગથી સારંગપુર, રખિયાલથી ઓઢવ, જીએસ હોસ્પિટલથી મેમ્કો, ગીતા મંદિરથી મજૂરગામ કોરિડોરની ક્યારેય મુલાકાત લીધી છે.
બોર્ડની બેઠકમાં વિપક્ષી નેતાએ દિનેશ શર્માએ કહ્યું હું માહિતી માગું છું તે મને કેમ અપાતી નથી. તંત્રને એવું તો શું છૂપાવવાનું હોય છે? જ્યારે કમિશનર નહેરાએ કહ્યું કે, તમે છેલ્લા કેટલાક સમયમાં 100થી વધુ બાબતોમાં માહિતી માગી છે. જે અમે તબક્કાવાર રીતે આપી રહ્યા છીએ. તમે માત્ર જે માહિતી મળી નથી તેની વાત કરો છો.