અમદાવાદમાં LIC એજન્ટનું કૌભાંડ, પહેલા પત્નીને મારી નાંખી પછી પોતે પણ સ્વર્ગ સિધાવી ગયો

અમદાવાદમાં LIC એજન્ટનું કૌભાંડ, પહેલા પત્નીને મારી નાંખી પછી પોતે પણ સ્વર્ગ સિધાવી ગયો

અમદાવાદના LIC એજન્ટે રૂપિયાની લાલચમાં આવી પહેલા પોતાની પત્નીને મૃતક બનાવી બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરી લાખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટે કારસો રચી નાંખ્યો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાસ થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છેતરપિંડીના ગુનામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.

રૂપિયાની લાલચમાં LIC એજન્ટએ માસ્ટર પ્લાન અપનાવ્યો હતો પરંતુ અધિકારીઓના ઓડિટમાં આ પ્લાનનો પર્દાફાસ થયો છે. મણિનગરમાં રહેતા અને LIC એજન્ટ તરીકે કામ કરતા પરાગ પારેખે વર્ષ 2012માં રૂપિયા 15 લાખની અનમોલ જીવન નામની પોલિસી તેની પત્નીનાં નામે અને તેના નામે રૂપિયા 25 લાખની પોલિસી મેળવી હતી. અને બંને પોલિસીના પ્રીમિયમ તેઓ નિયત સમયાંતરે ભરતા હતા. જો કે વર્ષ 2016માં પરાગે તેની પત્ની મૃત્યુ પામી હોવાનું મરણ સર્ટી રજૂ કરી રૂપિયા 15 લાખની પોલિસી પાસ કરવી હતી. જે વાત ઓડિટ દરમિયાન ખોટી હોવાનુ અને પત્ની જીવીત હોવાનુ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પત્નીની પોલીસી સરળતાથી પાસ થયા બાદ આ ગઠીયાએ પોતાની પોલિસી પણ જાણે કે આ રીતે પાસ કરાવીને રૂપિયા પડાવી લેવાનો પ્રી-પ્લાન હોય તેમ કોઈને શંકા ના જાય તે માટે પોલિસી માર્ચ 2017માં ગાંધીનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી હતી. જેમાં તેને વારસદાર તરીકે તેની પત્નીને રાખી હતી. જો કે ત્યારબાદ આરોપી પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનું સર્ટીફીકેટ રજુ કરીને રૂપિયા 25 લાખની પોલીસી પણ પાસ કરાવી હતી. જો કે એલઆઇસીના ઓડિટ રિપોર્ટમાં પહેલા પત્નીને મૃત બતાવી અને બાદમાં પોતાની પોલીસ પાસ કરાવવામાં તેને વારસદાર તરીકે બતાવતા અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગઠીયાએ પોતાના આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું હોવનું બહાર આવતા એલઆઇસીમાં અધિકારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

પરાગ પારેખે મરણ સર્ટીફીકેટ સૈજપુર વોર્ડમાં બનાવ્યું હોવાનુ જ્યારે ડોકટરનાં સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર નરોડાની સંજીવની હોસ્પિટલનું બનાવાયું હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આ દંપતીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ મામલે ગાંધીનગરમાં પણ દંપતી વિરુદ્ધમાં ગુનો નોંધાય તેવી શકયતા છે. જોકે બનાવટી દસ્તાવેજ બનાવનાર અન્ય આરોપીની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.