અમદાવાદમાં રીક્ષાચાલકોનો ત્રાસ, રીક્ષાઓને ભગાડતાં ટ્રાફિક પોલીસ ઉપર જ કરી દીધો હુમલો

અમદાવાદમાં રીક્ષાચાલકોનો ત્રાસ, રીક્ષાઓને ભગાડતાં ટ્રાફિક પોલીસ ઉપર જ કરી દીધો હુમલો

અમદાવાદમાં એકબાજુ દિવસે ને દિવસે ટ્રાફિક પોલીસ પર હુમલાઓનાં બનાવ વધતાં જાય છે. વસ્ત્રાપુર, વિક્ટોરિયા ગાર્ડન બાદ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ટ્રાફિક કોન્સ્ટેબલ ઉપર હુમલાની ઘટના બની છે. બાપુનગરના શ્યામ શિખર ચાર રસ્તા પર મંગળવારની રાત્રે ટ્રાફિક કોન્સ્ટેબલ ઉફર ચાર જેટલાં રીક્ષાવાળાઓએ હુમલો કરી દીધો હતો. પોલીસે 2 હુમલાખોર રીક્ષાચાલકને ઝડપી પાડ્યા છે. તો ફરાર થયેલાં અન્ય 2 હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ પટેલ પોતાની નોકરી પૂરી કરી એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. જ્યારે તેઓ બહાર આવ્યા તો ચાર રીક્ષાચાલકોએ તેમનાં પર પાછળથી હુમલો કરી તેઓને ઈજા પહોંચાડી હતી. આ હુમલો ચાર જેટલાં રીક્ષાચાલકોએ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 2 દિવસ પહેલાં પ્રફુલભાઈએ શ્યામ શિખર ચાર રસ્તા પરથી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતાં રીક્ષાચાલકોને ભગાડ્યા હતા. અને તેનો બદલો લેવા માટે રીક્ષાચાલકોએ પ્રફુલભાઈ ઉપર હુમલો કર્યો હતો.

જો કે પ્રફુલભાઈ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે શ્યામ શિખર ચાર રસ્તા પર એક ટ્રાફિલ મહિલા પોલીસ ફરજ પર હાજર હતી. તેણે તરત જ ઘટનાસ્થળે દોડી જઈને 2 હુમલાખોર રીક્ષાચાલકોને ઝડપી લીધા હતા. આમ હુમલા સમયે મહિલા ટ્રાફિક કર્મીએ પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસે હાલ 2 રીક્ષાચાલકોની ધરપકડ કરી છે. તો ફરાર 2 રીક્ષાચાલકોની શોધખોળ હાથ ધરી છે.