અમદાવાદમાં ફરીથી કોરોના વિસ્ફોટ, શાહીબાગ BAPS મંદિરના 28 સાધુ-સંતો અને કર્મચારીઓને કોરોના

અમદાવાદમાં ફરીથી કોરોના વિસ્ફોટ, શાહીબાગ BAPS મંદિરના 28 સાધુ-સંતો અને કર્મચારીઓને કોરોના

અમદાવાદમાં છેલ્લા નવ દિવસ બાદ 10માં દિવસે 150 કેસ નોંધાયા છે. તેની સાથે જ અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ કેસ 30,984 થઇ ગયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,784 થઇ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં ગઈકાલે (ગુરુવારે) મોટો કોરોના વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટ બીજે ક્યાંય નહીં પણ શાહીબાગ સ્વામિનારાયમ મંદિરમાં થયો છે. અમદાવાદમાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં શાહીબાગની BAPSના 28 લોકો સંક્રમિત થયો હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. સાથે નવનિત હાઉસના 9 કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોરોના મામલે મનપાનું ઍગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુરુવારે અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ BAPSમાં 28 લોકોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મંદિરમાં સાધુ-સંતો અને કર્મચારીઓ સહિત 150 લોકોના ટેસ્ટ કરતા 28ને કોરોના પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. તમામ કોરોના પોઝીટીવને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સાધુ – સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વોરન્ટીન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.

આ સિવાય ગુરુકુળ રોડના નવનીત હાઉસના 9 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. મ્યુનિ.એ ગુરુવારે મેમનગર ગુરુકુળ રોડ ઉપર નવનીત હાઉસમાં કોરોનાના ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરી હતી. અહીં કંપનીમાં 289 કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતુ, જે પૈકી નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશને 93 બાંધકામ સાઈટના 810 મજૂરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં પાંચ લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. મ્યુનિ.એ ગુરુવારે વિવિધ વિસ્તારોની બાંધકામ સાઇટો ઉપર મજૂરોના કોરોના ટેસ્ટિંગની ડ્રાઇવ કરી હતી. કુલ 93 બાંધકામ સાઇટોને નોટિસ આપી 810 મજૂરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જે પૈકી પાંચનો અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ત્રણ અને મધ્ય ઝોનમાં બે મજૂર પોઝિટિવ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા શહેરની ચાલતી બાંધકામ સાઈટ પર મજૂરોના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન- 18, દક્ષિણ પશ્ચિમ ઝોન – 11, પૂર્વ ઝોન – 8, ઉત્તર ઝોન- 36, દક્ષિણ ઝોન- 18, મધ્ય ઝોન- 2 મળી 93 સાઈટ પર નોટિસ આપવામાં આવી છે અને 810 મજૂરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.

ગુરુવારે કોરોનાની સારવાર બાદ 64 દર્દીઓને રજા અપાઇ હતી. અત્યાર સુધીમાં 25,642 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં છે. મ્યુનિ.એ તા. 3જી સપ્ટેમ્બરને સવારે 11 વાગ્યાની સ્થિતિએ 30,004 કેસ નોંધાયા હતા અને 3,073 એક્ટિવ કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 314, પશ્ચિમ ઝોનમાં 514, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 529, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 500, ઉત્તર ઝોનમાં 306, પૂર્વ ઝોનમાં 431 અને દક્ષિણ ઝોનમાં 479 એક્ટિવ કેસ નોંધાયા છે.