અમદાવાદમાં આજે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ, શહેરમાં સતત 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે

અમદાવાદમાં આજે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ, શહેરમાં સતત 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર; રાજ્યમાં 8 દિવસમાં 8 હજારથી વધુ કેસ, 45ના મોત

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

https://twitter.com/explore/tabs/covid-19?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1329461380924264450%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fnational%2F

15 તારીખ બાદ સતત 200થી વધુ કેસ આવ્યા
અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી સતત રોજ 200થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી 10 તારીખ સુધી 150થી 165 વચ્ચે કેસ આવી રહ્યા હતા. 11 તારીખ પછી કેસ વધવાની શરૂઆત થઇ હતી. 15 તારીખ બાદ સતત 200થી વધુ કેસ આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પહેલી નવેમ્બરે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા 56 હતી, 19 નવેમ્બરના રિપોર્ટ મુજબ 87 સુધી પહોંચી ગઇ હતી. આ મહિનાનો આ સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં દૈનિક કેસની સરેરાશ હજાર આસપાસ છે જ્યારે સાજા થતા દર્દીઓની સરેરાશ પણ હજાર આસપાસ જ છે. 7 દિવસમાં 3.53 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 8009 જેટલા પોઝિટિવ આવ્યા છે.

સોમવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે
ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ દસક્રોઇમાં બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

રવિવારે અમદાવાદમાં CAની પરીક્ષા, પરીક્ષાર્થીઓમાં ચિંતા
અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવતા CAના પરીક્ષાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે 400 સેન્ટર પર 4 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપવાના હતાં. પરંતુ હવે કર્ફ્યૂની સ્થિતિને જોતા પરીક્ષા મોકૂક રાખવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.

કેન્સર અને કિડની હોસ્પિ.માં 400થી વધુ પથારીની વ્યવસ્થા કરાઈ
અસારવા સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કુલ મળીને 400થી વધુ પથારી ઉપલબ્ધ કરાવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400થી વધુ પથારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક આવેલા વિસ્તારો સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ પથારીની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ પથારીઓ આજે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની આજે ફાળવણી કરાઈ
અમદાવાદ શહેરમાં હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 મળીને કુલ 2637 પથારીઓ ખાલી છે. આમ કોરોનાના દર્દીઓ માટે અમદાવાદ શહેરમાં પૂરતી સંખ્યામાં પથારીઓ ઉપલબ્ધ કરાવી છે. શહેરમાં કોરોનાની સારવાર માટે વિવિધ સેવાઓ પૂરી પડાઈ રહી છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશન માટે સેવા પૂરી પાડતી 108 ઈમરજન્સી સર્વિસની હયાત 20 એમ્બ્યુલન્સ ઉપરાંત વધારાની 20 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર માટે વધુ 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની આજે ફાળવણી કરવામાં આવી રહી છે.

કર્ફ્યૂની જાહેરાતથી આટલી વસ્તુઓ બંધ રહેશે
– રાત્રી બજાર
– રેસ્ટોરેન્ટ અને હોટલ
– બસ સેવા
– થિએટર
– પાનના ગલ્લા અને ચાની કિટલીઓ

723માંથી 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર
લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો, ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ શકે છે. આવી સ્થિતિ અન્ય હોસ્પિટલમાં પણ થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે.