અમદાવાદની 22 લિકર શોપમાં પરમિટધારકોનો ધસારો – થર્ટીફર્સ્ટ માટે શેમ્પેઇનની 500, સિંગલ માલ્ટ વ્હિસ્કીની 2 હજાર બોટલ વેચાઈ,

અમદાવાદની 22 લિકર શોપમાં પરમિટધારકોનો ધસારો – થર્ટીફર્સ્ટ માટે શેમ્પેઇનની 500, સિંગલ માલ્ટ વ્હિસ્કીની 2 હજાર બોટલ વેચાઈ,

  • અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકોમાં શેમ્પેઇન
  • રમ, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ, બિયરના વેચાણમાં ઘટાડો નોંધાયો

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે માત્ર પાંચ જ દિવસમાં અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેઇનની અને 2 હજાર સિંગલ માલ્ટ વ્હિસ્કીની બોટલોનું વેચાણ થયું છે. નવા વર્ષની ઉજવણીમાં અમદાવાદના પરમિટધારકો શેમ્પેઇન પાછળ રૂ. 10 હજાર સુધીનો ખર્ચ કરી રહ્યા છે.

અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકો છે. આ વખતે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે પરમિટધારકો શહેરની કુલ 22 લિકર શોપમાંથી શેમ્પેઇન ઉપરાંત રમ, બ્રાન્ડી, વાઇન, વોડકા અને બિયર માટે નંગદીઠ હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેઇનની બોટલની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકા વધારે શેમ્પેઇનની બોટલોનું વેચાણ થયું છે.

લિકર શોપમાંથી ખરીદી કરી રહેલા પરમિટધારકોમાં રમ, શેમ્પેઇન, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ છે. ઇમ્પોર્ટેડ વ્હિસ્કીમાં મિક્સ સ્કોચની જગ્યાએ સિંગલ માલ્ટ વ્હિસ્કીનું વેચાણ વધ્યું છે. જ્યારે ઠંડીમાં બિયરના વેચાણમાં ઘટાડો થયો છે. જોકે અમદાવાદમાં બિયર બોટલની જગ્યાએ ટિનનો ઉપાડ વધારે થાય છે. અત્યાર સુધીમાં બિયરમાં 1200 ટિન વેચાયાં છે. ફ્રાન્સમાં બનતી સ્પાર્કલિંગ વાઇનની ડિમાન્ડ અમદાવાદમાં વધવાની સાથે ભાવમાં પણ વધારો થયો છે.

જોકે હાલમાં કોરોનાને કારણે લિકરના ઓલઓવર વેચાણમાં ગત વર્ષ કરતાં 30 ટકા ઘટાડો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સિનિયર સિટીઝન, એનઆરઆઈ અને ફોરેન ટૂરિસ્ટ આવતા ન હોવાથી તેમની 10 ટકા જેટલી ઘરાકી પણ તૂટી છે.

પરમિટધારકો શેમ્પેઇન કેવી રીતે ખોલવી, કેવી રીતે ઠંડી કરવી તેવા પ્રશ્નો કરે છે?
નવા વર્ષની ઉજવણી માટે લિકર શોપમાં શેમ્પેઇનનું વેચાણ વધ્યું છે. જોકે કેટલાક પરમિટધારકો શેમ્પેઇન લેતી વખતે તે કેવી રીતે ખોલવી અને તેને કેવી રીતે ઠંડી કરવી તેવા પ્રશ્નો પૂછે છે. આ અંગે એક્સપર્ટે જણાવ્યું કે, શેમ્પેઇનની બોટલ પર આપવામાં આવેલી ચેનને ધીરે ધીરે ખોલવાથી શેમ્પેઇન સેલિબ્રેશન માટે ફોગ સ્વરૂપે ઊછળીને બહાર આવે છે. જ્યારે શેમ્પેઇનના ઓરિજિનલ ટેસ્ટ માટે તેને ફ્રીજની જગ્યાએ ડોલમાં બરફ સાથે મૂકીને ઠંડી કરવી જોઈએ.

રાજ્યમાં 54 હજાર પરમિટ ધારકો છે
રાજ્યમાં 2012થી 2019ના 7 વર્ષમાં 4 લાખ લિટર દારૂની ખરીદી કરાઈ હતી. રાજ્યમાં સૌથી વધારે પરમિટધારકો સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં છે. રાજ્યમાં ગત વર્ષે કુલ 54 હજારને પરમિટ અપાઈ હતી.

વાઇનની એક હજાર, રમની બે હજાર બોટલ વેચાઈ

લિકરવેચાણ નંગઅંદાજિત ભાવ
શેમ્પેઇન5007000થી 10000
સિંગલ માલ્ટ200010,000
વાઇન10001000થી 3000
રમ20001000થી 1200
બ્રાન્ડી5001000થી 1500
વોડકા5001500થી 3000
બિયર (ટિન)1200200થી 500
બર્બન2007,000થી 10,000

( Source – Divyabhaskar )