અમદાવાદની સાઇઝ કરતાં સાડા ત્રણ ગણો મોટો બરફનો પહાડ તૂટ્યો, ગ્લોબલ વૉર્મિંગના લીધે નહીં

અમદાવાદની સાઇઝ કરતાં સાડા ત્રણ ગણો મોટો બરફનો પહાડ તૂટ્યો, ગ્લોબલ વૉર્મિંગના લીધે નહીં

એન્ટાર્કટિકામાં આમેરી આઇસ સેલ્ફમાં બરફના પહાડમાંથી મોટો ભાગ તૂટીને પડી ગયો છે. આ આઇસબર્ગની સાઇઝ 1636 ચોરસવર્ગ કિલોમીટર છે જે અમદાવાદ શહેરની સાઇઝ (464 ચોરસ વર્ગ કિમી) કરતા સાડા ત્રણ ગણી અને ન્યૂયોર્ક શહેર(783.8 ચોરસ વર્ગ કિમી) કરતા બમણી છે. આ તૂટેલા આઇસબર્ગનું નામ D28 છે અને તેનું વજન 31500 કરોડ ટન છે. 26મી સપ્ટેમ્બરના રોજ આ આઇસબર્ગ છૂટો પડી ગયો. આટલી મોટી સાઇઝનો બરફનો પહાડ પાણીમાં પડે ત્યારે તેનું મોનિટરીંગ પણ કરવામાં આવશે કારણ કે ભવિષ્યમાં શિપિંગ પર તે ખતરો ઉભો કરી શકે છે. આ ઘટના અંગે વૈજ્ઞાનિકોનો મત છે કે તે કુદરતી પ્રક્રિયા છે , તેની પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર નથી.

આ ઘટના આમેરી આઇસ સેલ્ફમાં બની છે જે એન્ટાર્કટિકાના પૂર્વી પ્રદેશમાં છે. જ્યારે બરફ તરીને દરિયાના કિનારા પાસે એક પહાડ જેવું સ્વરૂપ ધારણ કરી લે તેને આઇસ સેલ્ફ કહેવાય છે. આવા આઇસ સેલ્ફ એન્ટાર્કટિકા, ગ્રીનલેન્ડ, કેનેડા અને રશિયન આર્કટિકમાં જ જોવા મળે છે. આમેરી એ એન્ટાર્કટિકાનું ત્રીજુ સૌથી મોટુ આઇસ સેલ્ફ છે જે દરિયામાં કિનારે તરીને આવતા હિમપ્રવાહના કારણે બનેલું છે. આ રીતે આઇસબર્ગ તૂટવાથી તે સંતુલનની પ્રક્રિયા પૂરી કરે છે જેથી વધારાના આવતા બરફની માત્રાને બેલેન્સમાં રાખી શકાય.

વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ પ્રક્રિયા થશે

આ પ્રક્રિયાને Glacier Calving કહેવાય છે. મતલબ કે બરફના મોટા પહાડના કિનારામાંથી એક ભાગનું છૂટું પડવું. વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ થવાનું છે. તેથી આ પૂર્વી ભાગ પર મોટાપાયે ધ્યાન આપવામાં આવ્યું હતું. આ ભાગને પ્રચલિત ભાષામાં લૂઝ ટુથ(ઢીલો દાંત) કહેવાય છે કારણ કે સેટેલાઇટ તસવીરમાં તે નાના બાળકના દાંત જેવું દેખાય છે. તે લૂઝ ટુથમાંથી એક મોટો ભાગ D28 હવે છૂટો પડી ગયો છે.