અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને અમેરિકન યશોદાએ દત્તક લીધો છે.

ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા બે વર્ષથી કિશનને રાખવામાં આવ્યો હતો અહીં તેને દત્તક લેવાય તે માટે અમેરિકાના એક દંપતિએ ઓનલાઇન અરજી કરી હતી. બે વર્ષની લાંબી સરકારી પ્રક્રિયા બાદ આખરે કિશનને તેના દત્તક પાલક માતા-પિતા મળ્યા છે. કિશનને અમેરિકાના દંપતિએ દત્તક લીધો છે જેની સત્તાવાર જાહેરાત આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે. નિરાલાએ કિશનને તેના પાલક માતા-પિતાને દત્તક આપ્યો હતો. કિશનના પાસપોર્ટની માતા-પિતાને સોંપણી કરાઇ હતી.

આજે કલેકટર કે. કે. નિરાલાની વિધિવત કિશનના પાસપોર્ટને સોંપીને અમેરિકન દંપતિને બાળક દત્તક આપ્યું હતુ. અમદાવાદ કલેકટરે જણાવ્યું હતુ કે, અમારા માટે ગર્વની વાત એ છે કે, આપણા બાળકને વિદેશી દંપતિએ દત્તક લીધું છે. તેમણે કિશનને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અમેરિકન દંપતિએ જણાવ્યું હતુ કે,’અમને કિશનના મા-બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અમે ખુબ ખુશ છીએ.’

ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં કિશન જેવા 22 બાળકો

શહેરમાં નવજાત બાળકોને તકછોડી દેવામાં આવે છે. છાશવારે શહેરની કચરાપેટી કે રસ્તામાં નવજાત શિશુઓને ત્યજી દેવાના કિસ્સા સામે આવતાં રહે છે. આ પ્રકારે મળી આવેલા તરછોડાયેલા બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે તેઓને દત્તક આપવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે પછી માતા-પિતાનું બેકગ્રાઉન્ડ, નિસંતાન હોવું સહિત અનેક સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને દત્તક આપવામાં આવે છે. હાલમાં ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં ૨૨ બાળકો છે જેઓને લેવા માટે ઇચ્છુક માતા-પિતાએ અરજી કરી પડે છે.

અમેરિકન દંપતિના ખોળામાં રમતા કિશને આંખના ખૂણા ભીના કરી દીધાં

જન્મ દેનારા મા-બાપ ત્યજીને જતા રહ્યાં હતા પણ એક વર્ષના કિશનને તેની ખબર પણ નહીં હોય. આજે અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ રૃમમાં જ્યારે કિશન અમેરિકન દંપતિના ખોળામાં રમી રહ્યો હતો તે વેળાએ આ તેના ભાવિ પાલક માતા-પિતા હોય તેના બદલે તેમની કુખે જન્મ્યો હોય તેવી ખુશી તેના ચહેરા ઉપર દેખાતી હતી. આ કિશનની ખુશીની પળો જોઇ તેના જોનારાની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા. કિશન પાલક માતા-પિતા સાથે એટલો મિલનસાર દેખાતો હતો જાણે તે જન્મથી જ તેમના ખોળામાં ઉછર્યો હોય.