અપીલ / કેન્દ્ર સરકાર પ્રિન્ટ મીડિયાને રાહત પેકેજ આપે : આઈએનએસ

અપીલ / કેન્દ્ર સરકાર પ્રિન્ટ મીડિયાને રાહત પેકેજ આપે : આઈએનએસ

INSએ ગુજરાતના CM રૂપાણીનો આભાર માન્યો

નવી દિલ્હી . ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)એ કોરોના સંકટના યુગમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે, પ્રિન્ટ મીડિયાને રાહત પેકેજ આપવામાં આવે. આ સાથે આઈએનએસએ અપીલ કરી છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારો તેમજ જાહેર એકમો મીડિયા હાઉસીસને એપ્રિલ 2020 સુધીની જાહેરખબરની ચૂકવણી કરે. આઈએનએસએ આશા વ્યક્ત કરી છે કે, આ દિશામાં વડાપ્રધાન હકારાત્મક પહેલ કરશે. 
આ મુદ્દે આઈએનએસએ ગુજરાત સરકારની પહેલ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ આભાર માન્યો છે. દેશના વિવિધ અખબારોની આ સંસ્થાએ કહ્યું છે કે, કોરોનાના કારણે ન્યૂઝપેપર ઈન્ડસ્ટ્રી મુશ્કેલીના દોરમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે આશરે 30 લાખ લોકો પ્રભાવિત છે. માર્ચ અને એપ્રિલમાં પ્રિન્ટ મીડિયા ઈન્ડસ્ટ્રીને આશરે રૂ. 4,500 કરોડનું નુકસાન થયુ છે. 
આ સ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યના તમામ અખબારોની સરકારી જાહેરખબરોની ચુકવણી કરી દીધી છે. આ રીતે કેન્દ્ર સરકાર પણ મીડિયા હાઉસીસને મદદ કરશે તો આ ઈન્ડસ્ટ્રીને સંકટમાંથી બહાર આવવામાં મદદ મળશે. આઈએનએસએ કહ્યું છે કે, આ મુશ્કેલ સંજોગોમાં ભારે નુકસાન વચ્ચે પણ વિવિધ કંપનીઓએ રોજ સવારે દેશના ખૂણેખૂણે વાચકો સુધી અખબારો પહોંચાડ્યા છે.