અપહરણકારે પોલીસને લખી ચિઠ્ઠી,’હમારે પાસ બચ્ચા નહી ઇસલીયે ગુજરાત સે ઉઠાયા’

અપહરણકારે પોલીસને લખી ચિઠ્ઠી,’હમારે પાસ બચ્ચા નહી ઇસલીયે ગુજરાત સે ઉઠાયા’

કોઈ વસ્તુ માટે કોઈ ચોરી કરે એ સામાન્ય લાગે છે પરંતુ પુત્ર ન હોવાથી પાડોશીના પુત્રનું અપહરણ કરે એવું અજીબ લાગે છે. પરંતુ આ હકીકત દર્શાવતો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એમપીના એક શખ્સે પોતાની પત્ની સાથે મળી પાડોશીના પુત્રનું અપહરણ કરી લીધું હતું. જોકે હાલ બાળક સહી સલામત રીતે પરિવાર પાસે પહોંચી ગયું છે.

મોરબી પોલીસ અને પરિવારની પાસે રહેલ સવા વર્ષના બાળકનું નામ પીયુષ છે અને ગત તા. 7ના રોજ આ પીયુષનુ અપહરણ થઇ ગયું હતું પરંતુ મોરબી પોલીસની મહેનત રંગ લાવી અને આજે આ બાળક તેના પરિવાર પાસે સહીસલામત છે. મોરબીના યોગી નગરમાં રહેતા મૂળ બિહારના અને સિરામિકમાં મજુરી કામ કરતા જીતેન્દ્ર યાદવના પુત્ર પીયુષનું પડોશમાં રહેતા સંજય કન્હાઈ અન તેની પત્ની રેખા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પડોશમાં રહેતા હોવાથી જીત્નેદ્રભાઈના પરિવાર સાથે ઘરોબો હતો અને તેનો લાભ લઇને સંજય અને રેખા ખરીદી કરવા જવાનું કહીને પીયુષને સાથે લઇને ફરાર થઇ ગયા હતા. અને સાંજ સુધી પરત નહિ આવતા પીયુષના પિતા જીતેન્દ્રભાઈ બી. ડીવીઝન પોલીસ પાસે પહોંચ્યા હતા અને પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી અને પીયુષ ને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી જોકે હાલ પીયુષ સહીસલામત મળી આવતા પીયુષના પરિવારે પોલીસનો દિલથી આભાર માન્યો છે.

અપહરણની ગંભીર ઘટનામાં પીયુષનું અપહરણ ક્યા ઈરાદા થી થયું હશે એ સ્પષ્ટ નહોતું તેવામાં પોલીસ માટે પણ નક્કર દિશા શોધવી મુશ્કેલ હતી. પરંતુ બી ડીવીઝન અને એલસીબીની જુદી જુદી ટીમો સમય બગાડવા કરતા આરોપી વિષે માહિતી એકઠી કરીને એમપી રવાના થઇ ગઈ હતી. આરોપીના પરિવાર સુધી પોલીસ પહોચી જતા પીયુષને લઇને ફરાર થઇ ગયેલ સંજય અને રેખા પર જોરદાર દબાણ બન્યું અને પોતે ફસાઈ જશે એવું સમજાઈ જતા સંજયે એક ચિઠ્ઠી લખી અને પીયુષને ઇન્દોરના રાવ પોલીસ સ્ટેસન નજીક ચિઠ્ઠી સાથે છોડી દીધો હતો. પીયુષ હેમખેમ રાવ પોલીસ અને બાદમાં ત્યાં જ રહેલ મોરબી પોલીસના હાથમાં આવી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આરોપી સંજયને લાગ્યું કે હવે પીયુષને સાથે રાખવો જોખમી છે માટે તેણે પીયુષની ભાળ આસાનીથી મળી જાય એવી ચિઠ્ઠી લખી જેમાં લખ્યું કે તેને સંતાન ન હોવાથી તેણે પીયુષનું અપહરણ કર્યું હતું પરંતુ હવે તેને અફસોસ છે અને એટલે જ એ પીયુસને છોડી રહ્યો છે આમ પોલીસનું દબાણ અને સંજયને પોતાની ભૂલનો અહેસાસ થવાથી પીયુષ સલામત રીતે ફરી પરિવાર પાસે પહોચી શક્યો.

સંજય જેવા એવા કેટલાય લોકો આ દુનિયામાં હશે જેમને સંતાન નહિ હોય પરંતુ આ કારણના લીધે કોઈ બીજાના સંતાનનું અપહરણ કરવું એ કોઈ રીતે વ્યાજબી નથી. અહી આરોપી સંજયને ભલે પોલીસના દબાણવસ સત્યનું જ્ઞાન થયું હોય અને પીયુષને સહી સલામત છોડી દીધો પરંતુ અહી પણ સંજયે પીયુષ ના જીવને જોખમમાં મુક્યો કોઈ બીજાએ ત્યાંથી પીયુષનું અપહરણ કરી લીધું હોત તો શું થાત. એ વિચાર પણ હચમચાવી મુકે એવો છે. હવે પોલીસ આરોપી સંજય અને તેની પત્ની રેખાને શોધી રહી છે અને બાદમાં તેને કાનુન તેના દુષ્કૃત્યની સજા પણ આપશે જ. પરંતુ કોઈએ પણ બીજાને તકલીફમાં મુકતા પહેલા એક વાર વિચાર જરૂર કરવો જોઈએ.

( Source – Sandesh )