અટકાયતી કેન્દ્રોની સ્થિતિથી નારાજ ઇમિગ્રન્ટ્સે ઘેર રહેવું જોઈએ : ટ્રમ્પ

અટકાયતી કેન્દ્રોની સ્થિતિથી નારાજ ઇમિગ્રન્ટ્સે ઘેર રહેવું જોઈએ : ટ્રમ્પ

। વોશિંગ્ટન ।

અમેરિકા – મેક્સિકો સરહદે ઇમિગ્રન્ટ્સ કટોકટીની સમસ્યા થાળે પાડવામાં પ્રમુખ ટ્રમ્પ નિષ્ફળ રહ્યા હોવાનું કહીને ડેમોક્રેટ સાંસદો અને ચળવળકારો ટ્રમ્પની આલોચના કરી રહ્યા છે તે દરમિયાન ટ્રમ્પે ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે અટકાયતી કેન્દ્રો ખાતેની સ્થિતીથી નારાજ થઇ રહેલા ઇમિગ્રન્ટ્સે ઘેર રહેવું જોઇએ.

ડેમોક્રેટ સાંસદો અને નાગરિક અધિકાર ચળવળકારોએ સરહદે ઇમિગ્રન્ટ્સ અટકાયતી કેન્દ્રોની મુલાકાત લીધા પછી ટીકા કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રોની સ્થિતી ખુબ જ કંગાળ છે. પુરતુ ભોજન, પાણી કે પાયાની જરૂરિયાતની સ્થિતી પણ અટકાયતી માઇગ્રન્ટ્સને મળતી નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે,’ ખુબ જ ઝડપથી ઉભા થયેલા અટકાયતી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ સુવિધાથી ઇમીગ્રન્ટ્સ નારાજ હોય તો તેમને કહો કે ઘેર જ રહે અને બહાર ના નીકળે, બધી સમસ્યાનો અંત આવી જશે. સરહદો પર ચોકી કરનારો અમારો સ્ટાફ હોસ્પિટલકર્મી ,તબીબ કે નર્સ નથી. સરહદે તૈનાત બોર્ડર પેટ્રોલ સ્ટાફ સારૂ કામ કરી રહ્યો છે.

શું છે ડેમોક્રેટ્સની ફરિયાદ

અમેરિકી પ્રતિનિધીગૃહના ડેમોક્રેટ સભ્ય કાસ્ટ્રોએ સરહદી અટકાયતી કેન્દ્રોની મુલાકાત લીધા પછી જણાવ્યું હતું કે અટકાયતીને બે સપ્તાહ સુધી નહાવા પણ દેવાતા નથી. દવાઓથી વંચિત છે. તેમના માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે.

કોર્ટ ચુકાદા સામે વ્હાઇટ હાઉસની તીખી પ્રતિક્રિયા

સિટાલે ખાતેના ફેડરલ જજે આપેલા ચુકાદા પર વ્હાઇટ હાઉસે પણ તીખી પ્રતિક્રીયા આપી હતી ફેડરલ જજે કોર્ટમાં જે માઇગ્રન્ટ્સના કેસ ચાલી રહ્યા છે તેવા હજારો રાજ્યાશ્રય ઇચ્છુક ઇમિગ્રન્ટ્સની અટકાયત કરીને તેમને કસ્ટડીમાં રાખવાના વહીવટીતંત્રના પ્રયાસ સામે પ્રતિબંધ લગાવ્યો હતો. વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ કોર્ટ ફરમાનની ટીકા કરતાં જણાવ્યું હતું ક કોર્ટનો નિર્ણય દાણચોરો અને કેફી દ્રવ્યોની હેરાફેરી કરવાનારાઓને પ્રોત્સાહન આપશે. અમેરિકી સિવીલ લિબર્ટી યુનિયન સહિતના ઇમિગ્રન્ટ્સના અધિકાર માટે લડત આપી રહેલા જૂથોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.