…અચ્છા તો વ્હાઇટ હાઉસે મોદીને ફોલો કરવાનું એટલા માટે બંધ કર્યું!

…અચ્છા તો વ્હાઇટ હાઉસે મોદીને ફોલો કરવાનું એટલા માટે બંધ કર્યું!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય વ્હાઇટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘અનફોલો’ કરતાં ભારતમાં રાજકીય ઘમાસણ મચ્યું છે. આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસે આખા આ મામલામાં સ્પષ્ટતા આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ દેશની યાત્રા પર જાય છે તો સામાન્ય રીતે યજમાન દેશના પ્રમુખ અધિકારીઓના ટ્વિટર હેન્ડલને થોડાંક સમય માટે ‘ફોલો’ કરે છે. તેનો હેતુ રાષ્ટ્રપિત ટ્રમ્પની યાત્રાના સમર્થનમાં યજમાન દેશના અધિકારીના સંદેશને રીટ્વીટ કરવાના હોય છે.

વ્હાઇટ હાઉસે બુધવારના રોજ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિના ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસ દરમ્યાન વ્હાઇટ હાઉસના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, અમેરિકામાં ભારતીય દૂતાવાસ, ભારતમાં અમેરિકન દૂતાવાસ અને ભારતમાં અમેરિકન રાજદૂતના ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા. આ સપ્તાહે વ્હાઇટ હાઉસે આ તમામ 6 ટ્વિટર હેન્ડલને ‘અનફોલો’ કરી દીધા છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વ્હાઇટ હાઉસનું ટ્વિટર હેન્ડલ સામાન્ય રીતે અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર હેન્ડલ અને અન્ય જરૂરી લોકોના ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે. દાખલા તરીકે જ્યારે રાષ્ટ્રપતિ કોઇ દેશની યાત્રા પર જાય છે તો ખાસ થોડાંક સમય માટે યજમાન દેશના અધિકારીઓના ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે જેથી કરીને યાત્રાના સમર્થનમાં કરાયેલ તેમના ટ્વીટને રીટ્વીટ કરી શકાય.

આની પહેલાં વ્હાઇટ હાઉસના ટ્વિટર પર પીએમ મોદીને અનફોલો કરવા પર રાહુલ ગાંધીએ નિશાન સાંધ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વ્હાઇટ હાઉસની તરફથી ટ્વિટર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘અનફોલો કરવાથી’ તેઓ નિરાશ થયા છે અને વિદેશ મંત્રાલયને તેની નોંધ લેવી જોઇએ. તેમણે ટ્વીટ કરી, ‘હું વ્હાઇટ હાઉસ દ્વારા ટ્વિટર પર આપણા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને ‘અનફોલો કરવાથી’ નિરાશ થયો છું.’ રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશ મંત્રાલયે આ બાબતે નોંધ લેવી જોઇએ.