અંબેની ખબર પૂછવા દર સપ્તાહે ફોન આવે, ડિસ્ચાર્જ કરતી વખતે શખ્સે કહ્યું ‘મારે તેનો આજીવન ખર્ચ ઉઠાવવો છે’

અંબેની ખબર પૂછવા દર સપ્તાહે ફોન આવે, ડિસ્ચાર્જ કરતી વખતે શખ્સે કહ્યું ‘મારે તેનો આજીવન ખર્ચ ઉઠાવવો છે’

ઠેબચડા પાસે તરછોડાયેલી બાળકી સ્વસ્થ, હવે બાલાશ્રમમાં મળ્યો આશરો

રાજકોટ. રાજકોટ નજીક ઠેબચડા ગામની સીમમાંથી 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે ઘાતકી હથિયારના ઘા મારીને મરવા છોડી દીધેલી બાળકી મળી આવી હતી જેને અંબે નામ અપાયું હતું. અંબે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને આખરે જીતી ગઈ છે. તેને મંગળવારે અમૃતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર બાળકી થોડા દિવસ બાલાશ્રમમાં રહ્યા બાદ દત્તક દેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અંબેને ફેફસાં, પેટ તેમજ લિવર સુધી ઈજા થતા લોહી ભરાયું હતું અને તેને કારણે સાંધાઓમાં ચેપ લાગી ગયો હતો. હોસ્પિટલમાં અંબેની તબિયત પૂછવા દર સપ્તાહે એક વ્યક્તિ ફોન કરે છે. ડો.રાકેશ પટેલે જણાવ્યું કે ‘એવું બની શકે કે ભાસ્કરના અહેવાલ બાદ કોઇનામાં સંવેદના જાગી હોય અને નિયમિત ખબર પૂછતા હોય.’
અંબેને તેડીને ચપટી વગાડો એટલે ખૂબ હસે છે
અમૃતા હોસ્પિટલમાં નર્સ  ચાર્મી વાજાએ જણાવ્યું હતું કે, અંબેને તા.29 ફેબ્રુઆરીએ લઇ આવ્યા ત્યારથી હું દરરોજ 12 કલાક તેની સાથે રહું છું. હવે તે સાજી થઈ ગઈ છે પણ છેલ્લા ઘણા સમયથી અમારી વચ્ચે એક લાગણીનો સંબંધ બંધાયો છે. તેને આખો દિવસ રમાડું છું, જમાડું છું અને સુવડાવું પણ છું. તેને દરરોજ 60 મિલિ ફીડિંગ સમયાંતરે આપવાનું હોય છે અને તુરંત જ ખભે રાખીને ઓડકાર ખાય છે. હું તેની પાસે જાઉ એટલે આંખોમાં ચમક આવી જાય છે. તેને સામે રાખીને ચપટી વગાડું એટલે ખૂબ હસે છે. તે જાય છે એટલે એક વિનંતી છે કે બાલાશ્રમમાં મને મળવા દેવાશે ને?