સીબીઆઇ-ઈડી ઘરે પહોંચી, ચિદમ્બરમ્ ગાયબ : ધરપકડની લટકતી તલવાર

સીબીઆઇ-ઈડી ઘરે પહોંચી, ચિદમ્બરમ્ ગાયબ : ધરપકડની લટકતી તલવાર

। નવી દિલ્હી ।

INX મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્ને એક તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે પણ તાત્કાલિક સુનાવણીની ના પાડી દીધી હતી. ત્યાર પછી હાઈવોલ્ટેજ ઘટનાક્રમમાં સીબીઆઈની એક ટીમ ચિદમ્બરમ્ની ધરપકડ કરવા માટે તેમના ઘેર પહોંચી હતી. ચિદમ્બરમ્ ઘરે મળ્યા નહોતા. સીબીઆઈની ટીમે ઘેર  હાજર રહેલા લોકોની પૂછપરછ કરી હતી. સીબીઆઈ બાદ ઈડીની ટીમ પણ તેમને ઘેર પહોંચી હતી. બંને તપાસનીશ એજન્સીઓએ તેમના મોબાઈલ પર સંપર્ક સાધ્યો હતો પણ તેમનો ફોન સ્વિચ ઓફ બોલતો હતો. મોડી રાત સુધી ચિદમ્બરમ્ ગાયબ હતા અને બંને એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી હતી.

આ છે મામલો

આરોપ છે કે UPA-૧ સરકારમાં નાણા મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચિદમ્બરમ્ આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ(એફઆઈપીબી) માંથી ગેરકાયદેસર મંજૂરી અપાવી દેવા માટે ૩૦૫ કરોડની લાંચ લીધી હતી. આ કેસમાં અત્યાર સુધી કોર્ટ ચિદમ્બરમ્ની ધરપકડ પર ૨ વાર સ્ટે મૂકી ચૂકી છે. ઈડીની દલીલ હતી કે જે કંપનીઓને રકમ અપાઈ  તે તમામ કંપનીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ દ્વારા સંચાલિત થતી હતી. આ કેસમાં સીબીઆઈ અને ઈડી કાર્તિની ધરપકડ કરી ચૂકી છે. હાલમા કાર્તિ જામીન પર છે.

દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજી ફગાવી

સીબીઆઈ-ઈડીની ટીમ ચિદમ્બરમ્ના ઘેર પહોંચી તે પહેલા દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમ્ને મુખ્ય ષડયંત્રકારી માન્યા છે. ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજીને ફગાવતા હિલ્હી હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે તથ્ય એ વાત તરફ ઈશારો કરે છે કે આ કેસમાં ચિદમ્બરમ્ મુખ્ય સૂત્રધાર છે તેથી અટકાયતમાં લઈને પૂછપરછ કરવી અત્યંત જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું કે આ કેસ મની  લોન્ડરિંગનું એક ક્લાસિક ઉદાહરણ છે. તેથી જો આ કેસમાં આરોપીને જામીન અપાય તો તેનાથી સમાજમાં અત્યંત ખરાબ  મેસેજ જશે. અરજી રદ થયા બાદ ધરપકડમાંથી બચવા માટે ચિદમ્બરમ્ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ચિદમ્બરમ્ની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે  સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજી પર તત્કાળ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસે વકીલ કપિલ સિબ્બલને ચિદમ્બરમ્ની અરજીને બુધવારે સિનિયર જજોની સામે રજૂ કરવાનું જણાવ્યું છે. સુપ્રીમે કહ્યુ કે સિનિયર જજો નક્કી કરશે કે આ કેસમાં તત્કાળ સુનાવણી થશે કે નહીં. હાઈકોર્ટના ચુકાદા બાદ કપિલ સિબ્બલે વકીલોની એક ટીમ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના બીજા એક નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી પણ સુપ્રીમ પહોંચ્યા હતા. આમ કોંગ્રેસના વકીલોની ફોજ પણ ચિદમ્બરમ્ને જામીન અપાવી શકી નહીં. હવે બુધવારે જ્યાં સુધી સુપ્રીમમાં સુનાવણી હાથ ન ધરાય ત્યાં સુધી ચિદમ્બરમ્ સામે ધરપકડની તલવાર લટકતી રહેશે.

સીબીઆઇ-ઈડીએ જામીન અરજીનો વિરોધ કર્યો

સીબીઆઈ અને ઈડીએ ચિદમ્બરમ્ની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ચિદમ્બરમ્ની પૂછપરછ કરવી જરૂરી છે કારણ કે તેઓ સવાલોના જવાબો ટાળી રહ્યા છે. બન્ને તપાસ એજન્સીઓએ એવી દલીલ કરી કે ચિદમ્બરમ્ પૂછપરછ જરૂરી હોવાથી તેમને આગોતરા જામીન ન આપી શકાય.