શોર્ટ ટર્મ મેમરી લોસ : ‘ગજિની’ના આમિરની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસથી પીડાતી આ યુવતી હસે તોય બધું ભૂલી જાય છે

શોર્ટ ટર્મ મેમરી લોસ : ‘ગજિની’ના આમિરની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસથી પીડાતી આ યુવતી હસે તોય બધું ભૂલી જાય છે

  • મેગન જેક્સન નામની આ યુવતી એક દુર્લભ બીમારીનો સામનો કરી રહી છે
  • પાંચ વર્ષ પહેલાં ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થયો હતો

આમિર ખાને ફિલ્મ ‘ગજિની’માં એક એવી વ્યક્તિનો રોલ કર્યો હતો, જેને ગંભીર ઈજા થવાથી તે શોર્ટ ટર્મ મેમરી લોસનો ભોગ બની જાય છે અને દર 15 મિનિટમાં વસ્તુઓને સંપૂર્ણ રીતે ભૂલી જાય છે. 21 વર્ષની એક યુવતીની પણ આવી જ કહાની છે. મેગન જેક્સન નામની આ યુવતી એક દુર્લભ બીમારીનો સામનો કરી રહી છે જેને કારણે તેને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર
મેગનને પાંચ વર્ષ પહેલાં ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થયો હતો. મેગન જ્યારે પણ ઉત્સાહિત થાય છે ત્યારે તે મોટેથી હસે છે અને જોરથી અવાજ સાંભળે છે ત્યારે તેની મેમરી લોસ થઈ જાય છે આવું ઘણા કલાક સુધી રહે છે. ઈંગ્લેન્ડના વેસ્ટ યૉર્કશાયરમાં રહેતી મેગનનું કહેવું છે કે આ ડિસઓર્ડરના કારણે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. મેગનને એને કારણે પોતાની લેસ્બિયન પાર્ટનર સંબંધિત ઘણી વસ્તુઓ લખવી પડે છે, કેમ કે તે તેને ભૂલી જાય છે.

મેગનના જણાવ્યા પ્રમાણે, કેટલીકવાર હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી જઉં છું. કેટલીકવાર એવું પણ થાય છે કે હું મારા પરિવારના સભ્યોને પણ ભૂલી જાઉં છું. કેટલાક કલાક બાદ હું સામાન્ય થઈ જાઉં છું. જોકે તેના કારણે મને માનસિક તણાવ પણ રહે છે. એ ઉપરાંત ઘણી વખત હું માર્કેટમાંથી કેટલાક એવી ખાવાની વસ્તુઓ લઈને આવું છું જે મને પસંદ નથી અને બીજા દિવસે હું એ ખાવાની વસ્તુઓ પર ખોટો ખર્ચ કરવાને કારણે તણાવમાં આવી જઉં છું.

સંબંધોમાં ઘણી મુશ્કેલી આવી
મેગનની સ્થિતિને કારણે તેના સંબંધોમાં ઘણી સમસ્યા આવી છે. મેગનની ગર્લફ્રેન્ડ તારા તેના માટે કોઈપણ પ્રકારની સરપ્રાઈઝ પ્લાન નથી કરતી, કેમ કે એનાથી તેની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. મેગનના જણાવ્યા પ્રમાણે, અમે છેલ્લા કેટલાક મહિનાથી ડેટ કરી રહ્યા છીએ અને તે ઘણુંબધું સહન કરી ચૂકી છે. હું ઓછામાં ઓછી ચાર વખત મારી ગર્લફ્રેન્ડને ભૂલી ચૂકી છું.

મેગનનું કહેવું છે કે મારી ગર્લફ્રેન્ડ મારું ઘણું ધ્યાન રાખે છે. તે મારા માટે દરરોજ ડાયરી લખે છે. તે એકદમ ફિલ્મ ‘50 ફર્સ્ટ ડેટ્સ’ જેવી છે. કેટલીકવાર એવું બને છે કે કોઈ સામેથી આવીને કહે છે કે આ તારી ગર્લફ્રેન્ડ તારા છે અને આવી વાતો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું અને પછી હું વિચારવા લાગું છું કે હું લેસ્બિયન પણ નથી તો આ મારી ગર્લફ્રેન્ડ કેવી રીતે હોઈ શકે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં મારી ગર્લફ્રેન્ડ ઘણી સપોર્ટિવ છે.

( Source – Divyabhaskar )