શું તમને રાતે ઊંઘ નથી આવતી? આ રહ્યો સચોટ ઉપાય

શું તમને રાતે ઊંઘ નથી આવતી? આ રહ્યો સચોટ ઉપાય

સ્વીટી એક ચોવીસ વર્ષીય યુવતી છે, જે નર્સીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની એક માત્ર તકલીફ એ જ છે કે છેલ્લા એક મહિનાથી રાતે ઊંઘ નથી આવતી. અનેક અલગ અલગ નુસખાઓ જેમકે 108 વાર ભગવાનના નામનો જાપ કરવો, દોરા-ધાગા બાંધવા, લીલી ચટણીની બદલે લાલ ચટણી ખાવી, વગેરે અપનાવી જોયા, પરંતુ રાતે ઊંઘ તો નથી જ આવતી.

એમ પણ માનસિક આરોગ્યને લઈને રહેલી માન્યતાઓને લીધે, નિષ્ણાત પાસે આવતા પહેલાં આપણા દેશમાં લોકો બીજા બધાજ નુસખાઓ અપનાવી લેતા હોય છે. એક વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રાતે ઊંઘ ન આવવી એ સમસ્યા નહીં પરંતુ સમસ્યાનું એક લક્ષણ માત્ર છે. સાચી સમસ્યા જ્યારે આપણે નિષ્ણાત પાસે જઈએ ત્યારે બહાર આવે છે.

સ્વીટી પોતાના કામને લઇને ખૂબ જ ખુદ્દાર છે. દરેક વ્યક્તિના અસ્તિત્વનું કેન્દ્રબિંદુ અલગ હોય છે. અમુક લોકો માટે એ કેન્દ્રબિંદુ પોતાના પ્રિયજનો હોય છે, તો અમુક લોકો માટે એ પોતાનું કામ હોય છે. પણ ઘણીવાર આપણા મનને હેરાન કરતા વિચારો આપણે આપણા અચેતન મનમાં ધકેલી આપીએ છે. અચેતન મનમાં રહેલા વિચારો ગાયબ નથી થયા, પરંતુ અલગ અલગ માધ્યમથી બહાર આવે છે. એમનું એક માધ્યમ છે ઊંઘ, બીજું માધ્યમ છે સપનાંઓ અને ત્રીજું માધ્યમ છે ગુસ્સો અથવા ચીડિયાપણું.

ઝલકને પોતાના આખા વિદ્યાર્થીકાળમાં પહેલી વાર કોઈ શિક્ષકે એવું કહેલું કે તારે આ રિપોર્ટમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. ના તો એ વસ્તુ કોઈ ખરાબ રીતે ઠપકાના ટોનમાં કહી હતી અને ના તો એ ટીચર કોઈ ખરાબ માણસ હતું. ઝલકને પોતાને પણ એ જ આશ્ચર્ય થયું કે શું આટલી સહજ રીતે કહેલી વાત આટલી હદે મને હેરાન કરે છે? આપણે જે વસ્તુને જીવનમાં સહુથી વધુ મહત્ત્વ આપીએ છીએ એના લક્ષી કોઈ આપણને કઈ કહે એ આપણા મનમાં રહેલી જૂની ઇનસિક્યોરિટી બહાર આવી જાય.

આ સિવાય પણ આપણા રૂટિન બદલવાના કારણે પણ ઊંઘમાં તકલીફો આવવી સામાન્ય છે. ઘણા લોકો જે શિફ્ટ પ્રમાણે કામ કરતા હોય છે જેમકે એરપોર્ટ કર્મચારીઓ, વૉચમેન, પોલીસ ઓફિસર, વિગેરે.

શું નીચેના 6 પ્રશ્નોમાંથી 4 અથવા વધુના જવાબ હા છે? તો નજીકના મનોચિકિત્સકનો સંપર્ક કરો:

  • શું તમને દિવસના સમયે ઊંઘ આવે અથવા કામ કરતા કરતા ઊંઘી જાઓ એવું થાય છે?
  • શું તમને દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે?
  • જ્યારે તમે ઊંઘવાની કોશિશ કરો તો તમને ઊંઘ આવવામાં તકલીફ પડે છે?
  • શું રાત દરમિયાન તમારી ઊંઘ ઊડી જાય છે?
  • શું રાત દરમિયાન તમે એક કરતાં વધારે વાર જાગૃત થાઓ છો?
  • શું તમારી ઊંઘ વહેલી સવારે ઊડી જાય છે?

સારી ઊંઘ માટે શું કરવું અને શું ના કરવું?

શું કરવું?

  • ઊંઘવાનો અને ઊઠવાનો નિયમિત સમય જાળવવો
  • જો ઊંઘતા પહેલાં ભૂખ લાગે તો કંઈક લાઈટ ખાવું
  • નિયમિત કસરત કરવી
  • ઊંઘતા પહેલાં આપણું મન હલકું કરવા પોતાને એક કલાક આપો
  • જો ઊંઘતા પહેલાં કોઈ વસ્તુની ચિંતા તમને સતાવતી હોય, તો એ લખી કાઢો અને એની ચિંતા સવારે કરશો એ પોતાને કહો
  • બેડરૂમનું તાપમાન તમને કમ્ફર્ટેબલ હોય એવું રાખો
  • બેડરૂમમાં લાઈટ બંધ કરીને ઊંઘો

શું ન કરવું?

  • વારે વારે ઘડિયાળ સામે જોયા કરવું
  • પોતાને થકવી દેવા ઊંઘવાની તરત પહેલાં કસરત કરવી
  • મોડે સુધી ટીવી જોયા કરવું
  • ઊંઘતા પહેલાં વધુ પડતું ખાઈ લેવું
  • ઊંઘતા પહેલાં ચા અથવા કોફી પીવી
  • ઊંઘવા માટે દારૂનો ઉપયોગ કરવો
  • મોડી રાત સુધી ફોન પર વાતો કરવી

મન: ઊંઘ આપણી અંદર રહેલી સામાન્ય ક્રિયા છે, એના માટે મહેનત કરવી ન પડવી જોઈએ, એટલે ઊંઘ ન આવવું એક લક્ષણ માત્ર છે. એની પાછળનું કારણ જાણવું ખૂબ મહત્ત્વનું છે.

( Source – Divyabhaskar )