નરેન્દ્ર મોદી સરકારે 15 ઓગસ્ટ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં 10 હજાર જવાનોની તહેનાતીના આદેશ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. આશંકા છે કે, 35 Aને હટાવવાની ઉલ્ટી ગણતકી શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના કાશ્મીરમાંથી પરત ફર્યા બાદના બે દિવસ બાદ જ 100 વધારાની કંપનીઓને જમ્મુ કાશ્મીર રવાના કરવાના આદેશ કર્યા છે. જો કે સ્થાનિક નેતાઓ અને રાજનૈતિક પાર્ટીઓએ તેનો વિરોધ પણ શરૂ કરી દીધો છે.
કેન્દ્ર સરકારના નિર્ણયથી સંદેશ સાફ છે કે, ઘાટીમાંથી ટૂંક સમયમાં 35 A હટી જશે. તેના વિરોધમાં હિંસા કે રાજ્યની શાંતિ ડોહળાવવાના પ્રયાસ થઈ શકે છે. અને તેને કંટ્રોલ કરવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને કારણે સામાન્ય લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે. લોકસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં પણ બીજેપીએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 35 A અને 370ને ખતમ કરવાની ઘોષણા કરી હતી.
આ છે મોદી સરકારની યોજના
સુત્રો પ્રમાણે, આ યોજના માટે દરેક નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે કે, કાનૂન અને વ્યવસ્થા કેવી રીતે કામ કરશે. ખૂલીને સામે આવનાર અને અંડર ગ્રાઉન્ડ રહેતાં અલગાવવાદી નેતાઓની પ્રતિક્રિયાઓ કેવી હશે અને વિપક્ષી પાર્ટીઓ તેના પર શું બોલશે. આ તમામ પોઈન્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, 35 Aને હટાવી દીધા બાદ કાનૂન વ્યવસ્થાનો સામનો કરવા માટે ઓપરેશનનું નામ પણ આપી દેવામાં આવ્યું છે. જે લોકો શાંતિ ભંગ કરી શકે છે તેવાં લોકોની લિસ્ટ પણ બનાવી દેવામાં આવી છે. આવાં રાષ્ટ્રવિરોધી લોકોની અટકાયત કરી લેવામાં આવશે. જેથી રાજ્યમાં શાંતિ બની રહે. આ લિસ્ટમાં અલગાવવાદી નેતાઓ જ નહીં, પણ સ્થાનીય નેતાઓ પણ સામેલ છે. તેમને પણ રડારમાં રાખવામાં આવ્યા છે, કે જેથી તે રાજનૈતિક ફાયદો ન ઉઠાવી શકે.
ઘાટીમાં જવાનોના આવવાની શરૂઆત
છેલ્લા ત્રણ દિવસથી ઘાટીમાં CAPFની વધારાની કંપનીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. CAPFને લઈ જનાર સ્પેશિયલ પ્લેન ત્રણ દિવસથી શ્રીનગરના એરપોર્ટ પર ઉતર્યા છે. જ્યારે અન્ય કંપનીઓને લઈ જનાર કાફલા શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે મારફતે રાજ્યમાં પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રા અને સુરક્ષા કારણોથી CAPFની 450 કંપનીઓ અને 40 હજાર જવાન પહેલેથી જ ઘાટીમાં હાજર છે.