વેનેઝુએલામાં રસ્તા ઉપર પૈસા : ધનની છોળો નહીં પણ મોંઘવારીની કાગારોળ

વેનેઝુએલામાં રસ્તા ઉપર પૈસા : ધનની છોળો નહીં પણ મોંઘવારીની કાગારોળ

દુનિયાનો સૌથી મોટો ક્રૂડનો ભંડાર ધરાવતા વેનેઝુએલા પાસે હાલમાં ખાવાના પણ સાંસા છે. લેટિન અમેરિકાનો આ દેસ સૌથી સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવતો હતો પણ આજે તેનું અર્થતંત્ર દેવાના દરિયાના તળિયે પહોંચી ગયું છે. મોંઘવારીના મારને કારણે લોકો બેહાલ થઈ ગયા છે. વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. એક પેકેટ બ્રેડ લેવા માટે પણ લોકોને કોથળા ભરીને બોલિવર લઈ જવા પડે છે. આ સ્થિતિને નાથવા માટે વેનેઝુએલાની સરકાર દ્વારા તથા કેન્દ્રીય બેન્ક દ્વારા મોટી રકમની નોટો જારી કરવામાં આવી છે. વેનેઝુએલાની બેન્કે બુધવારે જાહેરાત કરી હતી કે, ૧૦,૦૦૦ બોલિવર, ૨૦,૦૦૦ બોલિવર અને ૫૦,૦૦૦ બોલિવરની નોટ જારી કરવામાં આવી છે. લોકો સરળતાથી ચુકવણી કરી શકે, વ્યાવસાયિક લેવડ-દેવડ યોગ્ય રીતે થઈ શકે તે માટે સૌથી મોટી બેન્ક નોટો જારી કરવામાં આવી છે. નવાઈની વાત એટલી છે કે, આટલી મોટી નોટો જારી કર્યાનો પણ ખાસ લાભ થશે નહીં. તેનાથી માત્ર ૧ કિલો સફરજન ખરીદી શકાશે.

લોકો કચરામાંથી ખાવાનું શોધીને ખાય છે

થોડા સમય પહેલાં કેટલાક લોકોની તસવીરો સામે આવી હતી જેના પગલે સમગ્ર દુનિયામાં ચકચાર ફેલાઈ ગઈ હતી. કેટલીક મહિલાઓ પોતાના સંતાનો માટે તથા પરિવારનું ભરણપોષણ થાય તે માટે લોકોના ઘરની બહાર પડેલા કચરામાંથી ખાવાની સામગ્રી શોધી રહી હતી. તેમણે જણાવ્યું કે, અમારી પાસે એટલા પૈસા જ નથી કે અમે એક આખો દિવસ પરિવારનું પેટ ભરી શકીએ. ઘણા લોકો ગટરોમાં રહીને વિવિધ ધાતુઓ ભેગી કરી રહ્યા છે જેને વેચીને થોડું ઘણું પેટિયું રળી શકાય. તેના માટે તેઓ પરિવાર સાથે આખો આખો દિવસ ગટરોમાં ફરતા અને કામ કરતા જોવા મળે છે. તેના કારણે હજારો લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓ છે પણ દવાઓ નથી. લોકો પાસે દવા કરાવવાના પૈસા પણ નથી.

૧૦ લાખ બોલિવરની નોટમાંથી પાંચ શૂન્ય કાઢી નખાયા

આઈએમએફના અંદાજ પ્રમાણે ૨૦૧૮ના અંત સુધીમાં વેનેઝુએલામાં ફુગાવાનો દર ૧૦ લાખ ટકા થઈ ગયો હતો. ત્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશના ચલણનું મૂલ્ય ઘટાડી દીધું હતું. તેણે તે સમયે ૧ લાખની કિંમતની એક બોલિવરની નોટનું મૂલ્ય ઘટાડીને તેમાંથી પાંચ શૂન્ય કાઢી નાખ્યા હતા. તેના કારણે તેનું મૂલ્ય ૧ બોલિવર થઈ ગયું હતું. આ પછી પણ તેણે સતત કરન્સીમાં ફેરફાર કર્યા અને લોકોની હાલત કફોડી થતી ગઈ. આ નિર્ણય લેવાયો તે પહેલાં ત્રણ શૂન્ય ધરાવતી નોટોમાંથી શૂન્ય હટાવવાનું નક્કી કરાયું હતું પણ દેશની સ્થિતિ જોતાં મોટી નોટનું ડિવેલ્યુએશન કરવામાં આવ્યું. હાલમાં ત્યાં રાજકીય કટોકટી પણ એટલી જ વણસી રહી છે. જાણકારોના મતે બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મનીની જેવી સ્થિતિ હતી કે પછી થોડા દાયકા પહેલાં ઝિમ્બામ્વેની જેવી સ્થિતિ હતી તેવી જ અર્થવ્યવસ્થા અને રાજકીય સ્થિતિ વેનેજુએલાની થઈ ગઈ છે.

આ છે મુખ્ય કારણ

વેનેઝુએલાની જે સ્થિતિ છે તેનું મુખ્ય કારણ બીજું કોઈ નહીં પણ અહીંયાના નેતાઓ જ છે. વર્તમાન સમયમાં નિકોલસ માદુરોની સરકાર છે. તેઓ ૨૦૧૩થી દેશનું પ્રમુખપદ સંભાળી રહ્યા છે. ગત વર્ષે અહીંયાં ચૂંટણી થઈ હતી તેમાં પણ તેઓ જ વિજયી થયા હતા. તેઓ બીજી વખત દેશના વડા બન્યા અને ત્યારથી રાજકીય સંઘર્ષ પણ શરૂ થયો છે. વિપક્ષી નેતા જુઆન ગોઈડોએ તેમની સામે ચૂંટણી દરમિયાન ગરબડ કરવાના આરોપો મૂક્યા છે. તેમણે વિરોધ કરીને પોતાને પણ દેશના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. લાખો લોકો તેમના સમર્થનમાં રસ્તા ઉપર ઊતરી આવ્યા છે. અમેરિકાએ પણ ગોઈડોને સાથ આપ્યો છે. અમેરિકાએ પોતાની સેનાને પણ આદેશ આપ્યો છે કે, તેઓ ગોઈડોને સમર્થન આપે અને શક્ય હોય તો મદદ પણ કરે. ૧૧ મહિનાથી અહીંયાં રાજકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. સરકારે ગોઈડો ઉપર ૧૫ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ ગોઈડો વૈશ્વિક સમર્થન મેળલીને સત્તા પ્રાપ્ત કરવા મથી રહ્યા છે.

ક્રૂડનું સંકટ અને રાજકીય ઊથલપાથલ

આ સ્થિતિ પાછળ એક કારણ એવું પણ છે કે, ઓપેક (ક્રૂડનું ઉત્પાદન કરતા) દેશોમાં હાલમાં થોડી નબળી અર્થવ્યવસ્થા જોવા મળે છે પણ વેનેઝુએલાની સ્થિતિ કંઈક અલગ જ છે. ૨૦૧૪ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાના કારણે ઘણા દેશોના અર્થતંત્રને બોજ પડયો છે. ખાસ કરીને વેનેઝુએલામાં કુલ નિકાસમાં ૯૬ ટકા ભાગીદારી ક્રૂડની છે. આ સંજોગોમાં ક્રૂડના વધતા ભાવને કારણે તેની અર્થવ્યવસ્થા પણ ડગમગી ગઈ. ચાર વર્ષ પહેલાં જ ક્રૂડની કિંમતો છેલ્લાં ૩૦ વર્ષના તળિયે આવી ગઈ હતી. તેના કારણે વેનેઝુએલાની સરકાર સતત નોટો છાપતી ગઈ અને ફુગાવો તથા મોંઘવારી સતત વધતા ગયા. તેના ચલણ બોલિવરનું સતત ડિવેલ્યુએશન પણ થવા લાગ્યું.

સૌથી મોટી નોટનું વૈશ્વિક મૂલ્ય ૮ ડોલર

વેનેઝુએલામાં જે સ્તરે ફુગાવો વધી રહ્યો છે તેના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. એક સમયે સૌથી મોટા મૂલ્યની નોટ ૫૦૦ બોલિવર હતી જેમાં આજે માત્ર એક કેન્ડી મળે છે. હાલમાં જે દેશની સૌથી મોટો ચલણી નોટ છે તેનું વૈશ્વિક મૂલ્ય માત્ર ૮ ડોલર છે. પૈસાના અવમૂલ્યનને કારણે સરકારી કર્મચારીઓને પણ હાલાકી પડી રહી છે. પેન્શનરોને પણ બેન્કોમાં કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. બેન્કમાંથી જેટલી રકમ ઉપાડવાની કે એટીએમમાંથી રોકડ કાઢવાની પરવાનગી છે તેનું વૈશ્વિક મૂલ્ય ૧ ડોલર થાય છે. અહીંયા ૬ આંકડામાં ફુગાવો પહોંચી ગયો છે. લોકો ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન કરવા મજબૂર થયા છે. આ ઉપરાંત લોકો ડોલરમાં પણ વ્યવહાર કરે છે.

રાજકીય વિરોધીઓ આર્થિક યુદ્ધ કરી રહ્યા છે

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરોએ જણાવ્યું કે, રાજકીય વિરોધીઓએ તેમની સરકાર સામે આર્થિક યુદ્ધ શરૂ કર્યા છે. વિપક્ષી દળો અમેરિકા સાથે જોડાઈને અમારી સરકાર સામે પડયા છે. તેઓ અમારી સરકાર ઉપર પ્રતિબંધ મૂકવા મથી રહ્યા છે. બોલિવરમાં મોટાપાયે કરવામાં આવેલા ફેરફાર પણ તેનું જ પરિણામ છે. અમેરિકા જેવા મોટા દેશોની મદદથી અહીંયા રાજકીય ઊથલપાથલ અને સત્તા પલટાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના કારણે લોકો ભયમાં મૂકાયા છે અને દેશની સ્થિતિ તમામ સ્તરે જોખમી થતી જાય છે.

૩૦ લાખ લોકોનું સ્થળાંતર

મોંઘવારી, બેરોજગારી, ગુનાખોરી, બેકારી અને રાજકીય કટોકટીની સ્થિતિને પગલે લોકો હવે વેનેઝુએલામાંથી પલાયન કરી રહ્યા છે. અહીંયા ગરીબી અને ભૂખમરાથી બચવા માટે લગભગ ૩૦ લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. તેમણે બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, એક્વાડોર અને પેરુ જેવા દેશોમાં શરણું લીધું છે. ૩૩ વર્ષીય રિવેરાએ વેનેઝુએલા છોડી દીધું છે. તે જણાવે છે કે, મારી પત્ની અને ૧૮ મહિનાના દીકરીના પાલવવા મુશ્કેલ થઈ ગયા હતા. જીવતા રહેવા માટે અમારી પાસે દેશ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હું આખો મહિનો નોકરી કરું ત્યારે મારી પાસે બે દિવસનો ખર્ચ નીકળે એટલો પગાર આવતો હતો. અમારે ક્યાં ભુખે મરવું પડે અથવા તો દેશ છોડવો પડે તેવી સ્થિતિ હતી. તેના કારણે જ અમે બીજી સ્થિતિ સ્વીકારી લીધી.

જૂતા રિપેર કરાવવાની કિંમત ૨૦ અબજ બોલિવર

વેનેઝુએલામાં મોંઘવારીનો દર ગત એપ્રિલમાં ૨૩૪ ટકાની ઉંચાઈએ પહોંચી ગયો હતો. તેના કારણે અહીંયા દર સત્તર દિવસે મોંઘવારી બમણી થઈ રહી છે. આજે વેનેઝુએલામાં લઘુતમ વેતન દર ૧ અમેરિકી ડોલર પ્રતિ મહિનો પહોંચી ગયું છે. મે ૨૦૧૮માં ૧૩ લાખનું લઘુતમ માસિક વેતન મેળવનાર લોકો બે લિટર દૂધ, ચાર કેન ટયૂના અને એક બ્રેડ ખરીદી શકતા હતા. જૂન ૨૦૧૮માં વાર્ષિક મોંઘવારી દર ૪૬,૦૦૦ ટકા પહોંચી ગયો હતો. એક પ્રોફેસરે જણાવ્યું હતું કે, તેમના જૂતા ફાટી ગયા હતા અને તેનું સમારકામ કરાવવા માટે તેમણે ચાર મહિનાનો પગાર એટલે કે ૨૦ અબજ બોલિવર (૪ લાખ રૂપિયા) આપ્યા હતા. વાળંદો વાળ કાપવાના કે અન્ય સેવાના પૈસા લેતા નથી પણ બદલામાં ઈંડા અથવા કેળા લે છે. કેબ સર્વિસ માટે પૈસાને બદલે સિગારેટનું પેકેટ આપવું પડે છે. રેસ્ટોરાં ભોજનના બદલામાં પેપર નેપ્કિન લઈ રહ્યા છે. અનાજ, દૂધ, દવાઓ અને વીજળીનો ચારેકોર અભાવ છે. બેરોજગારી, ભૂખમરો એટલા વધી ગયા છે કે હવે દેશમાં ગુનાખોરી પણ સતત વધી રહી છે.