વિદેશ પલાયન કરી જતા ધનિક ભારતીયોની સંખ્યામાં ભારે વધારો!

વિદેશની નાગરિકતા સ્વીકારતા ભારતીય ધનિકો અને અતિધનિકોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ૧ મિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા ભારતીયો (HNIs) અને ૫૦ મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીયો (UHNIs)નું વિદેશમાં વસી જવાનું વલણ વધતું જાય છે, એમ આ ટ્રેન્ડથી માહિતગાર લોકો કહે છે.  ભારતીયોએ રહેવા માટે મહદંશે ગ્રીસ, પોર્ટુગલ અને થાઇલેન્ડ (૨૦૧૯) અને કેનેડા, પોર્ટુગલ અને હોંગકોંગ (૨૦૧૮) માટે અરજી કરી છે, જ્યારે નાગરિકતા માટે મહદઅંશે માલ્ટા, સાયપ્રસ, એન્ટીગુઆ અને બર્બુડા અને ગ્રેનેડા (૨૦૧૮-૧૯)માં અરજી કરી છે. સંપત્તિની દૃષ્ટિએ થતા સ્થળાંતરમાં ધનિકોની બીજા પાસપોર્ટની માગણી ૨૦૧૯માં વધતી જોવા મળી હતી, એમ ધનપતિઓને બીજો નિવાસ કે નાગરિકતા અપાવવામાં મદદ કરતી નિષ્ણાત ફર્મ હેન્લી એન્ડ પાર્ટનર્સના દક્ષિણ પૂર્વ એશિયાના વડા તથા મેનેજિંગ ડોમિનિક વોલેકે કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૧૭માં ચીન, ભારત, તુર્કી અને યુ.કે.માંથી સૌથી વધુ ધનિકો વિદેશ ગયા હતા. સુરક્ષા, આર્થિક સ્થિરતા, ઊંચા કર અને ધાર્મિક કે રાજકીય તણાવ એ ધનિકોનું વિદેશ જવા પાછળનાં મુખ્ય કારણો રહ્યાં છે.   અમેરિકા, યુ.કે. અને કેનેડા ધનિક ભારતીયો માટે ખૂબ જ પસંદગીના દેશો છે, જ્યારે પોર્ટુગલ, સાયપ્રસ, ગ્રીસ, માલ્ટા અને અન્ય યુરોપિયન ગોલ્ડન વિઝા મેળવવામાં પણ ભારતીયોને છેલ્લા કેટલાક સમયથી રસ વધ્યો છે.  વોલેક કહે છે કે, ભારતીય સરકારના બેવડી નાગરિકતા ન આપવાના કાયદાને કારણે સેઇન્ટ લુસિયા, ડોમિનિકા, સેઇન્ટ કિટ્સ અને નેવિસ, ગ્રેનેડા, એન્ટિગુઆ અને બર્બુડા જેવી કેરેબિયન સિટીઝન ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ્સ (CIP)ની માગણી ઉપર કેટલીક મર્યાદા છે.

૨૦૧૮થી ૨૦૧૯, એક જ વર્ષમાં રેસિડન્સ પ્રોગ્રામ માટે ભારતીયોની અરજીમાં ૩૩ ટકા વધારો

હેન્લી એન્ડ પાર્ટનર્સ ડેટા મુજબ ૨૦૧૮ના વર્ષની સરખામણીએ ૨૦૧૯ માટે રેસિડન્સ પ્રોગ્રામ માટે અરજી કરનારા ભારતીયોની અરજીમાં આજ સુધીમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. વોલેક વધુમાં ઉમેરે છે કે, વિશ્વના બીજા દેશોના લોકો જેમ આ પ્રોગ્રામમાં અરજી કરે છે, એ રીતે ભારતીય નાગરિકો પણ અરજી કરે છે. આ ભારતીયો ખાસ કરીને સિંગાપોર, યુનાઇટેડ કિંગ્ડમ, સ્વિર્ત્ઝલેન્ડ અને યુનાઇટેડ આરબ અમિરાતમાં રહે છે.

ધનકુબેરોનું દેશમાંથી પલાયનનું મુખ્ય કારણ કાળાં નાણાં પરનો કાયદાનો આકરો કોરડો

૨૦૧૪ પછી ૨૩,૦૦૦ ધનકુબેરો ભારત છોડીને વિદેશમાં જતા રહ્યાં છે. ધનકુબેરોના પલાયન પાછળનું મુખ્ય કારણ કાળા નાણાંની સામે જે પ્રકારનો આકરો કોરડો વીંઝવામાં આવી રહ્યો છે તે છે. ૨૦૧૭ માં સૌથી વધારે ૭,૦૦૦ અમીરો દેશ છોડીને જતા રહ્યાં હતા. અમીરોના પલાયનમાં સૌથી આગળ ભારત છે ત્યાર બાદ ચીન અને ફ્રાન્સનો વારો આવે છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ મોર્ગન સ્ટેનલીના ચીફ ગ્લોબલ સ્ટ્રેટિજિસ્ટના રુચિર શર્માની આગેવાનીમાં ટીમ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતના ૨.૧ ટકા, ફ્રાન્સના ૧.૩ ટકા અને ચીનના ૧.૧ ટકા અમીરો સ્વદેશ છોડીને જતા રહ્યાં હતા. શર્માએ કહ્યું કે પોતપોતાના દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને કારણે અમીરોને દેશ છોડી દેવાનો વારો આવ્યો છે.

કયા દેશો અમીરો માટે સ્વર્ગ સમાન

ઓકલેન્ડ, દુબઈ, મોન્ટ્રેલ, તેલ અવીવ, લંડન, ટોરેન્ટો તથા સ્વિટ્ઝરલેન્ડના કેટલાક શહેરો અમીરો માટે હોટ ફેવરિટ રહ્યાં છે. બ્રિટન, દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં પણ અમીરો શરણું લીધું છે. જે અમીરોની ગણના કરવામાં આવી છે તેમાં તેમણે છ મહિના કરતા પણ વધારે સમય વિદેશમાં ગાળ્યો છે. વિદેશમાં રહેણાક ધરાવતા અમીરોને આ યાદીમાંથી બાકાત રખાયા છે. સામાન્ય રીતે ૧ મિલિયન ડોલર કરતા વધારે સંપત્તિ ધરાવતા લોકોની અમીર તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે.

ટોપ-૩ દેશોમાં ફ્રાન્સ પણ સામેલ

ટોપ-૩ દેશોમાં ફ્રાન્સ પણ સામેલ છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ દેશમાં આકરાં કરવેરા લાદ્યા હોવાથી મોટાભાગના અમીરોએ દેશ છોડી દેવાનું પસંદ કર્યું છે. ગત વર્ષે બ્રિટનમાં અમીરોની હિજરત શરૂ થઈ હતી. યુરોપિયન યુનિયનમાંથી છેડો ફાડવાના નિર્ણય બાદ બ્રિટનના અમીરોએ પલાયન શરૂ કર્યું છે. ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન, આકરાં કરવેરા તથા એનપીએ લોનને કારણે અમીરોમાં ફડક પેસી ગઈ છે તેને કારણે તેઓ પલાયન કરવા લાગ્યા છે.

૨૦૨૭ સુધીમાં ભારતમાં અમીરોની સંખ્યા ૩ ગણી વધશે

વિશ્વમાં ભારતના અમીરોનું ત્રીજું સૌથી મોટું સ્થાન છે અને આગામી દાયકા સુધી ઓછામાં ઓછા ૨૩૮ વધારાના અમીરો આ એલિટ ક્લબમાં સામેલ થશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે. એશિયા બેન્ક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂમાં જણાવ્યાનુસાર ભારતમાં હાલમાં ૧૧૯ અમીરો છે અને ૨૦૨૭ સુધીમાં આ સંખ્યા વધીને ૩૫૭ થશે. ભારતમાં ૨૩૮ તો ચીનમાં ૪૪૮ લોકો અમીરોની હરોળમાં સ્થાન લેશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં ૮૮૪, ચીનમાં ૬૯૭ તથા ભારતમાં ૩૫૭ જેટલા અમીરોની સંખ્યા વધશે. ૨૦૨૭ સુધીમાં રશિયામાં ૧૪૨, યુકેમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ તથા હોંગકોંગમાં ૭૮ અમીરો વધશે. હાલમાં સમગ્ર વિશ્વમાં ૨,૨૫૨ અમીરો છે અને ૨૦૨૭ સુધીમાં આ સંખ્યા વધીને ૩,૪૪૪ થવાની સંભાવના છે. દરેક દેશના પલાયનવાદી અમીરો પાસે રહેલી અંગત સંપત્તિમાં ભારત દુનિયાનો ૬ ઠ્ઠો સૌથી અમીર દેશ છે.

શું ભારત માટે ચિંતાનો વિષય

રિપોર્ટ અનુસાર, અમીરોનું પલાયન ભારત માટે ખાસ ચિંતાનો વિષય નથી કારણ કે દેશમાંથી જેટલી સંખ્યામાં અમીરો પલાયન કરી રહ્યાં છે તેનાથી અનેક ગણા વધારે લોકો અમીરોની ક્લબમાં સામેલ થઈ રહ્યાં છે. રિપોર્ટમાં એક વાતનો ખાસ ભાર મુકાયો છે કે હાલના સંજોગોમાં ભારત અને ચીન જેવા દેશોમાં જીવનધોરણ સુધર્યું હોવાથી અમીરો સ્વદેશ પરત ફરે તેવી સંભાવના છે.

૫ વર્ષમાં ભારતીય સંપત્તિ પાંચ ગણી વધીને ૬ ટ્રિલિયન ડોલરની થઈ!

ક્રેડિટ સુસે ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ ભારતના ૩,૪૩,૦૦૦ HNIs અને ૩૪૦૦ HNIs છે. ભારતમાં અમેરિકન ડોલરમાં લખપતિની સંખ્યા ૨૦૦૦માં ૩૯,૦૦૦ હતી, જે નવ ઘણી વધીને ૩,૪૩,૦૦૦ થઈ છે. ૨૦૧૮માં ભારતની કુલ સંપત્તિ ૨૦૦૦ અને ૨૦૧૮ દરમિયાન પાંચ ગણી વઘીને ૬ ટ્રિલિયન ડોલર થઈ છે.  બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન અને ફિલિપાઇન્સની સાથે સાથે ભારત સૌથી ઝડપથી વધતી જતી સંપત્તિવાળા દેશોની ટોચના ૧૦ દેશોની યાદીમાં આવે છે.

ધનિક ભારતીયોનાં રોકાણના પસંદગીના દેશો

વોલેકે વધુમાં જણાવ્યું હતું કે ભારતના HNIs મોટે ભાગે લંડન, સિંગાપોર, કુઆલાલમ્પુર, ન્યૂયોર્ક અને દુબઇમાં રોકાણ કરે છે. ઈમ્ ૫ વિઝા હેઠળ મોટી સંખ્યામાં ભારતીય ગ્રીન કાર્ડ મેળવવા માટે રોકાણ કરે છે. ૨૦૧૬ નાણાકીય વર્ષ માટેના યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના ડેટાને ટાંકીને વોલેક કહે છે કે ભારતનું સીધું વિદેશી રોકાણ ૧૭૭૦ લાખ ડોલર છે. ભારતે આ રોકણમાં ચીન અને વિયેતનામને પાછળ રાખી દીધું છે.

નાગરિકતા માટે પાસપોર્ટની મજબૂતાઈ પણ જોવાય છે !

હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ પાસપોર્ટ કેટલો મજબૂત છે, તે પણ ભારતીયોને વૈકલ્પિક નાગરિકતા મેળવવા માટે મોટી ભૂમિકા ભજવે છે. હાલમાં હન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટનો ક્રમ ૮૬મો છે અને ફક્ત ૫૮ દેશોમાં વિઝા ફ્રી કે આગમન સાથે વિઝા મળે છે. તેને કારણે સિંગાપોર, કોરિયા, મલેશિયા, બ્રુનેઇ અને થાઇલેન્ડ જેવા એશિયન દેશો બાદ ભારતીય પાસપોર્ટનો નંબર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

ગુજરાત હાઈકોર્ટનો અતિ મહત્વનો ચુકાદો : બન્નેના ગુના લાગેલા હોય તો એટ્રોસિટી નહીં પણ પોક્સોનો કાયદો ચડિયાતો

ગુજરાત હાઈકોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે કે જ્યારે એક જ ફરિયાદમાં એટ્રોસિટી અને પોક્સો એમ બે વિશેષ કાયદા હેઠળના

Read More »
World
Ashadeep Newspaper

ન્યૂયોર્કમાં કોરોના વાયરસનો એવો કેસ સામે આવ્યો કે આખી દુનિયામાં મચી ગયો હાહાકાર

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અમેરિકા તેનો સૌથી મોટો શિકાર બન્યો છે. અહીં વાયરસ હવે પ્રાણીઓમાં

Read More »