મનની વાત : ગુલામ નબી આઝાદની રાજ્યસભાથી વિદાયથી મોદી ભાવુક થયા, રડ્યા-આંસુ લૂછ્યાં, પાણી પીધું અને સેલ્યુટ કરી

મનની વાત : ગુલામ નબી આઝાદની રાજ્યસભાથી વિદાયથી મોદી ભાવુક થયા, રડ્યા-આંસુ લૂછ્યાં, પાણી પીધું અને સેલ્યુટ કરી

આજે વડાપ્રધાન ભાવુક થઈ ગયા…ધ્રૂસકેને ધ્રૂસકે રોઈ પડ્યા. ડાબા હાથના અંગુઠાથી ચશ્માની કિનારાથી આંસુ લુછતા રહ્યા. વચ્ચે ઘણી વખત પાણી પીધું. બોલી પણ નહતા શકતા, ગળે ડુમો બાઝી ગયો અને ઘ્રૂજતા શબ્દોમાં આખી વાત કહી સંભળાવી, પછી સેલ્યૂટ કર્યું. જગ્યા હતી રાજ્ય સભા અને સમય હતો કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થવાનો. મોદીએ ગુલામ નબી આઝાદ સાથેની તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટના વિશેની કહાની સંભળાવી. તમે પણ આ કહાની શબ્દશહ વાંચો…

‘…જ્યારે તમે મુખ્યમંત્રી હતા, ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. આપણે એકબીજાની ઘણાં નજીક હતા. કદાચ જ એવી કોઈ ઘટના હશે જે વિશે આપણી વચ્ચે વાત ન થઈ હોય. એક વાર જમ્મુ-કાશ્મીર ગયેલા ટૂરિસ્ટોમાં ગુજરાતી યાત્રીઓ પણ હતા. ત્યાં જવામાં ગુજરાતી યાત્રીઓની સંખ્યા વધારે રહેતી હોય છે. આતંકવાદીઓએ ત્યારે તેમના પર હુમલો કરી દીધો હતો. અંદાજે 8 લોકોના મોત થયા હતા. સૌથી પહેલાં મને ગુલામ નબીજીનો ફોન આવ્યો હતો, અને તે ફોન માત્ર માહિતી આપવા માટે નહતો કરવામાં આવ્યો (મોદીના આંસુ છલકાઈ ગયા). ફોન પર તેમના આંસુ રોકાતા નહતા.

તે સમયે પ્રણવ મુખરજી સાહેબ ડિફેન્સ મિનિસ્ટર હતા. મેં તેમને ફોન કર્યો કે ફોર્સનું હવાઈ જહાજ મળી જાય તો મૃતદેહો આવી શકે. મોડી રાત થઈ ગઈ હતી, પ્રણવ મુખરજી સાહેબે કહ્યું, તમે ચિંતા ન કરશો, હું વ્યવસ્થા કરુ છું.

પરંતુ રાતે ફરી ગુલામ નબીજીનો ફોન આવ્યો. તેઓ એરપોર્ટ પર હતા. (મોદીના ગળામાં ડુમો બાઝી ગયો, તેઓ રોકાયા અને પાણી પીધુ) તેમણે ફોન કર્યો અને જેમ કોઈ પોતાના પરિવાની ચિંતા કરી તેવી ચિંતા… (આંગળથી ગુલામ નબી સામે ઈશારો કર્યો).

પદ, સત્તા જીવનમાં આતા રહે છે, પરંતુ તેને કેવી રીતે પચાવવું (પછી ના બોલી શક્યા અને સેલ્યુટ કર્યું, ગુલામ નબીએ હાથ જોડી લીધા). મારા માટે તે ખૂબ લાગણીશીલ સમય હતો. બીજા દિવસે સવારે ફોન આવ્યો, મોદીજી મૃતદેહો પહોંચી ગયા છે.

તે માટે એક મિત્ર તરીકે ગુલામ નબીજીની ઘટનાઓ અને અનુભવોના આધારે આદર કરુ છું. મને પૂરો વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા, દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના, તે તેમને કદી શાંતિથી બેસવા નહીં દે. મને વિશ્વાસ છે કે, જે પણ જવાબદારી તેઓ સંભાળશે તેમાં વેલ્યુ એડિશન કરશે, કોન્ટ્રીબ્યુટ કરશે અને દેશને તેનાથી ફાયદો થશે. આ મને પાક્કો વિશ્વાસ છે.

હું ફરી એક વાર તેમની સેવાઓ માટે તેમનો આદરપૂર્વક ધન્યવાદ કરુ છુ અને વ્યક્તિગત રીતે તેમને મારો આગ્રહ પણ છે કે, મનથી ના માનો કે તમે આ સદનમાં નથી. તમારા માટે મારા દ્વાર હંમેશા ખુલ્લા છે. દરેક માનનીય સભ્યો માટે ખુલ્લા છે. તમારા વિચારો-સૂચનો, કારણકે દેશ માટે આ બધુ ખૂબ જરૂરી છે. આ અનુભવ બહુ કામ આવે છે અને તે મને મળતો રહેશે. હું તે અપેક્ષા હંમેશા રાખતો જ રહીશ. હું તમને નિવૃત્ત નહીં થવા દઉ. ફરી એક વાર ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.’

ગુજરાતી ટૂરિસ્ટો પર હુમલાની ઘટના યાદ કરીને ગુલામ નબી આઝાદ પણ ભાવુક થયા
આ સ્પીચ પછી વારો આવ્યો ગુલામ નબી આઝાદનો. તેમણે પણ જ્યારે ગુજરાતી ટૂરિસ્ટો પર હુમલાનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમના આંસુ છલકાઈ ગયા હતા. ગુલામ નબીએ કહ્યું, નવેમ્બર 2005માં જ્યારે સીએમ બન્યો, મે માં જ્યારે કાશ્મીર ખુલ્યુ ત્યારે મારુ સ્વાગત ગુજરાતના મારા ભાઈ-બહેનોની કુરબાનીથી થયું. ત્યાં આતંકવાદીઓની સ્વાગત કરવાની આ જ રીતે છે. તે લોકો જણાવવા માંગે છે કે, અમે છીએ. નિશાત બાગમાં એક બસ પર લખ્યું હતું કે, તેઓ ગુજરાતના ચે. તેમાં 40-50 ગુજરાત ટૂરિસ્ટો મુસાફરી કરી રહ્યા હતા. તેમાં ગ્રેનેડથી હુમલો થયો. એક ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હતા. હું તુરંત ત્યાં પહોંચી ગયો. મોદીજીએ ડિફેન્સ મિનિસ્ટર સાથે વાત, મેં વડાપ્રધાન સાથે વાત કરી.
હું જ્યારે એરપોર્ટ પહોંચ્યો ત્યારે કોઈની માતા, કોઈના પિતાનું મૃત્યુ થયું તું. તે બાળકો રોતા રોતા મારા પગે લપેટાઈ ગયા તો મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હે ખુદા તે આ શું કર્યું. હું કેવી રીતે જવાબ આપું તે બાળકોને, તે બહેનોને કે જેઓ અહીં ફરવા આવ્યા હતા અને આજે હવે હું તેમને તેમના માતા-પિતાની લાશો સોંપી રહ્યો છું. (આઝાદ ભાવુક થઈને) આજે અમે અલ્લાહને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ દેશમાંથી આતંકવાદ ખતમ થઈ જાય. સિક્યુરિટી ફોર્સ, પેરામિલેટ્રી, પોલીસના ઘણાં જવાન શહીદ થયા. ક્રોસ ફાયરિંગમાં ઘણાં નાગરિકો ઠાર થયા. કાશ્મીરની સ્થિતિ હવે સારી થઈ જાય.

( Source – Divyabhaskar )