બેન્કો-વીમા કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા બિનવારસી, કોઈ દાવેદાર નહીં

બેન્કો-વીમા કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા બિનવારસી, કોઈ દાવેદાર નહીં

બેન્કો અને વીમા કંપનીઓમાં પડી રહેલી નધણિયાણી રકમનો આંકડો ૩૨,૪૫૫ કરોડ પર પહોંચી ગયો છે. બેન્કોમાં બિનવારસી ડિપોઝિટમાં ગત વર્ષે ૨૬.૮ ટકાનો વધારો થયો હતો. આ રકમ ૧૪,૫૭૮ કરોડ પર પહોંચી ગઈ છે. સપ્ટેબર ૨૦૧૮ સુધી લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બિનવારસી રકમ ૧૬,૮૮૭.૬૬ કરોડ હતી જ્યારે નોન લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ૯૮૯.૬૨ કરોડ રૂપિયા હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં આ જાણકારી આપી હતી. સીતારામને જણાવ્યું કે બેન્કિંગ સિસ્ટમમાં ૨૦૧૭માં બિનવારસી રકમ ૧૧,૪૯૪ કરોડ રૂપિયા અને ૨૦૧૬માં ૮,૯૨૮ કરોડ રૂપિયા હતી.

૨૦૧૮નાં અંત સુધીમાં એસબીઆઈમાં બિનવારસી રકમ વધીને ૨,૧૫૬.૩૩ કરોડ થઈ ગઈ હતી. સીતારામને જણાવ્યું કે બેન્કોમાં બિનવારસી રકમને ધ્યાનમાં રાખીને ૨૦૧૪માં આરબીઆઈ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ શરૂ કરી હતી. જે હેઠળ ૧૦ વર્ષ અથવા વધારે સમયથી નિષ્ક્રિય પડી રહેલી તમામ બિનવારસી રકમ અથવા તો જે રકમ પર ૧૦ વર્ષથી કોઈકે દાવો ન કર્યો હોય તેની વ્યાજ સાથે ગણના કરીને ડીઈએએફમાં મૂકી દેવાય છે. કોઈ ગ્રાહક ક્યારેય દાવો કરે તો બેન્ક વ્યાજ સહિત તેને ચૂકવી આપે છે અને પછી ડીઈએએફ પાસે રિફંડનો દાવો કરે છે. સીતારામને લેખિત સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.

LIC પાસે સૌથી વધારે ૧૨,૮૯૨ કરોડની રકમ બિનવારસી

જોકે જુલાઈ ૨૦૧૮થી તેને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યું હતું. ડીઈએએફની રકમનો ઉપયોગ જમાકર્તાઓના હિતને આગળ વધારવાનો છે, તે સિવાય તેનો બીજો કોઈ હેતુ નથી. વીમા સેક્ટરની સરકારી કંપનીઓની બિનવારસી રકમ દર વર્ષ ૧ માર્ચ અથવા તે પહેલાં સિનિયર સિટીજન્સ વેલ્ફેર ફંડમાં ટ્રાન્સફર કરવી પડે છે. ગ્રાહક દાવો કરે તો વીમા કંપનીઓ તેમને આ રકમ ચૂકવી આપતી હોય છે. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસીની પાસે હાલમાં ૧૨,૮૯૨ કરોડની રકમ બિનવારસી પડેલી છે. બેન્ક માટે એલઆઈસી સૌથી મોટી ધિરાણકાર છે. એસબીઆઈ પાસે ૨,૧૫૬ કરોડની રકમ બિનવારસી પડેલી છે. ૨૦૧૮માં એલઆઈસી પાસે સૌથી વધારે ૧૦,૫૦૯ કરોડની રકમ બિનવારસી પડી હતી. સરકારે પણ આ બિનવારસી રકમને તેમના સાચા વારસદારો સુધી પહોંચવાની પહેલ શરૂ કરી હતી. કેન્દ્ર સરકારે તમામ વીમા કંપનીઓને તેમની વેબસાઇટ પર અલગથી સેક્શન બનાવીને બિનવારસી રકમની જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો હતો.