બુલેટ ટ્રેનનાં સપનાં જોતી સરકારને લાગ્યો જોરદાર ઝટકો, 2022 સુધી પણ નહીં દોડી શકે

બુલેટ ટ્રેનનાં સપનાં જોતી સરકારને લાગ્યો જોરદાર ઝટકો, 2022 સુધી પણ નહીં દોડી શકે

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-બુલેટ ટ્રેન પહેલાથી નિર્ધારિત સમયથી વિલંબમાં છે. ભારત સરકારના પ્રોગ્રેસ રિપોર્ટમાં 19 ઓગસ્ટ સુધીમાં બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં માત્ર 44 ટકા જ જમીનનું સંપાદન થયું છે. ખેડૂતોનાં વિરોધને કારણે બાકીની 54 ટકા જમીન માટે સંપાદન અત્યંત અઘરું છે. આથી, વર્ષ 2022-23 પહેલાં આ પ્રોજેક્ટ પાટા ઉપર ચઢે તેવી શક્યતા નહીવત હોવાનું કહેવાય છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત-મહારાષ્ટ્રમાં કુલ 1434.40 હેક્ટર જમીનની આવશ્યક્તા છે. જેની સામે ગુજરાતના આઠ જિલ્લામાં 2438 પ્લોટમાં 329.35 હેક્ટર અને મહારાષ્ટ્રમાં બે જિલ્લામાં 113 પ્લોટમાં 9.39 હેક્ટર જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. મહારાષ્ટ્રમાં માત્ર 36 ટકા જ જમીન ઉપલબ્ધ થયાનું રિપોર્ટમાં જણાવાયું છે.

વર્ષ 2019ના આરંભે આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને ગુજરાત સરકારે જૂન-2019 સુધીમાં સંપાદન પૂર્ણ કરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ, સરકાર દક્ષિણ ગુજરાતમાં ચાલતાં ખેડૂતોનાં વિરોધને કારણે આ ડેડલાઈન ચૂકી ગઈ છે. મહેસૂલ વિભાગના દાવા મુજબ ખેડૂતોની માગણીઓ સંતોષવા ગત વર્ષે જમીન સંપાદન પેટે શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વળતર પેટે જંત્રીના બેવડા દરો ઉપરાંત વધારાની રકમ સાથે નવી ફોર્મ્યુલા અમલમાં મુકાઈ હતી. આમ છતાંયે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ખેડૂતો સહમત થતા નથી. ખેડૂતો વર્ષ 2013માં યુપીએ સરકારે અમલમાં મૂકેલાં જમીન સંપાદન એક્ટ મુજબ વળતર ઈચ્છી રહ્યા છે. ગુજરાત સરકારે જમીન સંપાદન એક્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે.