દેશે 34 દિવસમાં રચ્યો ઇતિહાસ : 1 કરોડ ભારતીયોને રસી અપાઇ, ઝડપી વેક્સિનેશનવાળા US પછી બીજો દેશ બન્યો

દેશે 34 દિવસમાં રચ્યો ઇતિહાસ : 1 કરોડ ભારતીયોને રસી અપાઇ, ઝડપી વેક્સિનેશનવાળા US પછી બીજો દેશ બન્યો

  • 12 રાજ્યો અને 7 યુટીમાં 75%થી વધુ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અપાયો
  • 62 લાખ હેલ્થ વર્કર્સને અને 33 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ ગઈ
  • મહારાષ્ટ્રમાં 10 દિવસ પહેલાં 2515 દર્દી હતા, 24 કલાકમાં વધીને 5427

ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્દને કહ્યું કે અત્યાર સુધીમાં 62 લાખ હેલ્થ વર્કર્સને અને 33 લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે જ્યારે 6 લાખ હેલ્થ વર્કર્સને બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. દેશના 12 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધુ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ગુજરાત 5મા ક્રમે છે.

1 કરોડથી વધુ રસી સુધી પહોંચવામાં ભારતને 34 દિવસ લાગ્યા. આ વિશ્વની સૌથી ઝડપી કવાયત છે. અમેરિકામાં 1 કરોડ રસી આપવામાં 31 દિવસ લાગ્યા હતા. તો બ્રિટનને 56 દિવસ લાગ્યા હતા. ભારતમાં 16 જાન્યુઅારીથી રસીકરણ શરૂ થયું હતું.

દેશમાં કોરોનાના વધુ 13000 દર્દી મળ્યા, મહારાષ્ટ્રમાં 10 દિવસમાં કેસ બમણા થયા
દેશમાં કોરોનાના નવા દર્દીની વધી રહેલી સંખ્યા ચિંતા વધારી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,193 નવા દર્દી નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ શુક્રવાર સુધીમાં દેશમાં 1,09,63,394 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સામે 1,06,67,741 સાજા પણ થયા છે. જો કે સૌથી વધુ ચિંતાજનક બાબત મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં 5,427 દર્દી નોંધાયા છે. છેલ્લે 4 ડિસેમ્બર પછી પહેલીવાર મહારાષ્ટ્રમાં 5,000થી વધુ દર્દી નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે 10 દિવસમાં દર્દીની સંખ્યા બમણી થઈ ગઈ છે. 9 ફેબ્રુઆરીએ 2,515 દર્દી નોંધાયા હતા.

દરમિયાનમાં બીએમસીએ નવા નિયમો જાહેર કરી હોમક્વોરેન્ટાઈન, લગ્ન અને જાહેર સમારંભમાં નિયમોનું ઉલ્લંઘન કરવાવાળા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં કુલ સંક્રમિતની સંખ્યા 20,81,520ની થઈ ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 40,858ની થઈ છે. બીજીબાજુ કેરળમાં પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે. ત્યાં 24 કલાકમાં 4,584 દર્દી નોંધાયા છે. છેલ્લા 10 દિવસથી કેરળમાં સરેરાશ 5,000 દર્દી મળી રહ્યાં છે. અત્યાર સુધીમાં 10.21 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં 250થી વધુ કેસ
એક બાજુ દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાના કેસની સરેરાશ 250થી વધુની થઈ છે. શુક્રવારે 266 નવા કેસની સાથે કુલ કેસનો અાંક 2,66,563નો થયો હતો. એક વ્યક્તિના મોતની સાથે કુલ મોત 4,404 થયા છે. સક્રિય દર્દી 1684 છે. જ્યારે સાજા થનારની સંખ્યા 2,60,474 છે.

( Source – Divyabhaskar )