દેશનું સૌથી મોટામાં મોટું બ્લેકમેઇલિંગ સેક્સ કૌભાંડ, બોલિવૂડની હીરોઈનો પણ સામેલ

દેશનું સૌથી મોટામાં મોટું બ્લેકમેઇલિંગ સેક્સ કૌભાંડ, બોલિવૂડની હીરોઈનો પણ સામેલ

દેશનું સૌથી મોટામાં મોટું બ્લેકમેઇલિંગ સેક્સ કૌભાંડ એટલે કે હની ટ્રેપ કૌભાંડ પ્રકાશમાં આવતાં મધ્યપ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. સરકારી પ્રધાનો, આએએસ ઓફિસરો, પૂર્વ પ્રધાનો અને અધિકારીઓ તેમજ કોલેજની નિર્દોષ વિદ્યાર્થિનીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કૌભાંડ બોલિવૂડની કેટલીક જાણીતી હીરોઈનો તેમજ 40 કૉલગર્લ્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સિટની પૂછપરછમાં એક પછી એક હાડપિંજર બહાર આવતા જાય છે. 18 વર્ષની એક યુવતીએ તાજની સાક્ષી બનવાની તૈયારી દર્શાવતા સિટ દ્વારા તેની 4 કલાક પૂછપરછ કરાઈ હતી. આમાં અનેક મોટાં માથાંનાં નામ બહાર આવવાની શક્યતા છે. મોટી હસ્તીઓ અને અધિકારીઓની શરાબના નશામાં ચકચૂર બનાવીને તેમને બ્લેકમેઇલ કરવાનું આખું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકરણમાં 13 IAS અધિકારીઓને ફસાવવા માટે કારસો ઘડાયો હતો. હની ટ્રેપ ગેંગનું નેટવર્ક 3 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તેમજ ગોવા, મુંબઈ અને દિલ્હીમાં ફેલાયેલું હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

બોલિવૂડની હીરોઈનો અને કોલગર્લ્સ દ્વારા શરાબ, સુંદરી અને સિયાસતનો ખેલ

બોલિવૂડની કેટલીક હીરોઈનો અને કોલગર્લ્સ દ્વારા શરાબ, સુંદરી અને સિયાસતનો ખેલ ખેલવામાં આવ્યો હતો. નેતાઓ અને અધિકારીઓને શરાબના નશામાં મદહોશ બનાવીને તેમનો સેક્સી વીડિયો બનાવાતો હતો અને બીજી ટીમ આવા ઐયાશ નેતાઓ અને અધિકારીઓને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતી હતી તેમજ સરકારી કામ કઢાવતી હતી. બોલિવૂડની બી ગ્રેડની હીરોઈનો અને કેટલાક કોલગર્લ્સનાં નામ ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.

શું હતી મોડસ ઓપરેન્ડી

સુંદર હીરોઈનો અને કોલગર્લ્સ કોઈપણ રીતે નેતાઓ અને અધિકારીઓને તેમની ટ્રેપમાં ફસાવતી હતી અને હોટલો તેમજ મોંઘાદાટ બંગલાઓમાં તેમના બેડરૂમ સુધી પહોંચી જતી હતી. શિકારને જાળમાં ફસાવીને હોટલોમાં રાતો ગાળવા બનાવટી આઇડી કાર્ડ બનાવતી હતી. ઇન્દોરની અનેક હોટલોમાં આ સુંદરીઓ અને તેની સાથીઓ નેતાઓ અને અધિકારીઓ સાથે મદહોશ રાતો ગાળતી હતી. કેટલીક સુંદરીઓ પાસે 3-3 બનાવટી આઇડી કાર્ડ હતા. શિકાર શરાબના નશામાં ભાન ભૂલે એટલે તેના સેક્સી વીડિયો બનાવીને પૈસા પડાવવા ટોળકી કામે લાગી જતી હતી.

સુંદરીઓ દ્વારા તેમના એસ્કોર્ટ સર્વિસ પોર્ટલ શરૂ કરાયા હતા અને અનેક મોબાઇલ એપ્સ પર તેમની પોતાની જાણકારી આપી હતી. સુંદરીઓ ધનિકો અને પ્રતિષ્ઠિત લોકોને જાળમાં ફસાવતી હતી. લગ્ન કરેલા લોકોને ફસાવીને તેમની પાસેથી રૂ. 10,000થી 40,000 કે કેટલાક કિસ્સામાં લાખોની રકમ પડાવતી હતી.

કેવી રીતે કૌભાંડ પ્રકાશમાં આવ્યું?

ઇન્દોરના એન્જિનિયર હરભજનસિંહને બ્લેકમેઇલ કરવાની એફઆઇઆર પછી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હરભજનસિંહને ફસાવવા હોટલનો રૂમ ભાડે લેવાયો હતો. જેમાં હરભજન આવે તે પહેલાં સિમ કાર્ડ વિનાનો એક આઇ ફોન વીડિયો મોડમાં ગોઠવી દેવાયો હતો. તે ચાર્જ કરવા મૂક્યો હોય તેવી રીતે ગોઠવવામાં આવ્યો હતો. સુંદરી જે કંઈ કરવા માગતી હતી તેનું તેમાં રેકોર્ડિંગ થઈ ગયું હતું.

પોલીસને 1000 કરતાં વધુ વીડિયો મળ્યા

પોલીસને નેતાઓ અને અધિકારીઓના આવા 1000 કરતાં વધુ સેક્સી વીડિયો અને ૪૦૦૦ ફાઇલ મળી આવ્યા છે. પોલીસ હની ટ્રેપના કેસની જ્યારે આવકવેરા વિભાગ સુંદરીઓ અને નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે કરોડોની હેરાફેરીની તપાસ કરી રહ્યું છે.

સુંદરીઓ પાસેથી 90 વીડિયો અને 8 સિમ કાર્ડ પકડાયાં

પોલીસને સુંદરીઓ પાસેથી 90થી વધુ આપત્તિજનક વીડિયો અને ૮ સિમ કાર્ડ મળી આવ્યાં હતાં. એક સુંદરી ભાજપના શાસનકાળમાં બાળ કલ્યાણ સમિતિની સભ્ય હોવાનું જાણવા મળ્યું હતું. તેમના લેપટોપ, મોબાઇલ અને સોશિયલ એકાઉન્ટમાંથી અનેક માહિતી બહાર આવી રહી છે.

પાંચ આરોપીઓ સાથે પકડાયેલી 18 વર્ષની મોનિકા યાદવ તાજની સાક્ષી

પોલીસે પકડેલા પાંચ આરોપીઓ સાથે અટકમાં લેવાયેલી 18 વર્ષની મોનિકા યાદવ તાજની સાક્ષી બનવા તૈયાર થઈ છે. પોલીસને ટોળકી પાસેથી નેતાઓનું ટાર્ગેટ લિસ્ટ મળ્યું છે. મોનિકાની સિટ દ્વારા 4 કલાક પૂછપરછ કરાઈ હતી. આમાં અનેક મોટાં માથાંઓનાં નામ બહાર આવવાની શક્યતા છે. પોલીસ અને તપાસ સંસ્થાઓને 4000 કરતાં વધુ ફાઇલો મળી આવી છે.

કોની કોની ધરપકડ કરાઈ?

પોલીસે ઇન્દોરના એન્જિનિયર હરભજનસિંહની ફરિયાદને આધારે મોનિકા યાદવ, આરતી દયાલ, શ્વેતા સ્વપ્નીલ જૈન, શ્વેતા વિજય જૈન, બરખા સોની અને ડ્રાઇવર ઓમપ્રકાશને પકડયા છે. હરભજનસિંહના જણાવ્યા મુજબ એક સુંદરીએ તેની સાથે મિત્રતા કરીને તેનો વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. અને રૂ. 3 કરોડની ખંડણી માગી હતી. આખું કૌભાંડ શ્વેતા જૈન ચલાવતી હતી જેમાં મોનિકાને મોહરું બનાવાઈ હતી. આરોપીઓએ અનેક લોકો પાસેથી કરોડોની રકમ પડાવી હોવાનું મોનિકાએ જણાવ્યું હતું. પોલીસ મોનિકા અને તેના પિતાને રક્ષણ આપી રહી છે. જ્યારે આરતી દયાલનાં ઘરમાંથી હાર્ડડિસ્ક શોધવા કામે લાગી છે. રૂપા અહિરવાર નામની યુવતીની પોલીસ દિલ્હીમાં શોધ ચલાવી રહી છે.