ગરીબ નાગરિક જ્યારે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે ત્યારે ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત તેને સસ્તા ભાવના અનાજથી વંચિત ન રહેવું પડે તે માટે કેન્દ્ર સરકાર વન નેશન વન રેશનકાર્ડ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના અમલમાં આવતાં દેશનો કોઈપણ નાગરિક સમગ્ર દેશમાં સસ્તા ભાવની અનાજની દુકાન ખાતેથી રેશન મેળવી શકશે. આ યોજનાનો બીજો લાભ એ થશે કે, અલગ અલગ રાજ્યોમાં એક કરતાં વધુ રેશનકાર્ડ ધરાવતા ભૂતિયા કાર્ડધારકોને પણ નાબૂદ કરી શકાશે. કેન્દ્રીય અન્ન અને પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આ યોજનાને જેમ બને તેમ ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
રોજગાર માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતા શ્રામિકો માટે આ યોજના અત્યંત લાભકારક પુરવાર થશે તેવો દાવો કરતાં પાસવાને જણાવ્યું હતું કે, હવે તેમને સંપૂર્ણ ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થશે. આ યોજનાથી રેશનકાર્ડ ધારકને કોઈ એક રેશનની દુકાન સાથે બંધાયેલા રહેવું પડશે નહીં. જાહેર પુરવઠામાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને આ યોજનાની મદદથી નિયંત્રણમાં લાવી શકાશે. ભૂતિયા કાર્ડ નાબૂદ કરવા માટે મંત્રાલય દ્વારા દેશભરમાં જારી કરાયેલા તમામ રેશનકાર્ડનો કેદ્રીય ડેટા તૈયાર કરવામાં આવશે. જેની મદદથી એક જ વ્યક્તિના નામે જારી થયેલા એકથી વધુ રેશનકાર્ડ રદ કરી શકાશે.
પાસવાને જણાવ્યું હતું કે, એક વર્ષમાં આ યોજનાની તમામ તૈયારી પૂરી કરી લેવાશે. આ યોજનાના અમલ માટે રેશનની દરેક દુકાન પર પોઇન્ટ ઓફ સેલ મશીનોની જરૂર પડશે. હાલ આંધ્ર પ્રદેશ, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં રેશનની દુકાનો આ પ્રકારના મશીનોથી સજ્જ છે. દેશભરમાં આ યોજનાના લાભ પહોંચાડવા માટે રેશનની દરેક દુકાનને સજ્જ કરાશે.