તારીખ પે તારીખ! અમદાવાદમાં 65 વર્ષના વૃદ્ધને 33 વર્ષ પછી મળ્યા છૂટાછેડા

તારીખ પે તારીખ! અમદાવાદમાં 65 વર્ષના વૃદ્ધને 33 વર્ષ પછી મળ્યા છૂટાછેડા

અમદાવાદમાં છૂટાછેડાનો એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં કોર્ટે 33 વર્ષ પછી 65 વર્ષીય વૃદ્ધના છૂટાછેડા મંજૂર કર્યા હતા. અને તેમાં પણ વૃદ્ધની પત્નીએ કહ્યું કે, હવે તે છૂટાછેડાનો કેસ લડવા માગતી નથી. 33 વર્ષ બાદ છૂટાછેડા મળતાં 65 વર્ષીય વૃદ્ધના બીજા લગ્નને કાયદેસર થયા હતા. અત્યંત ગૂંચવણભર્યા આ મામલાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાડી હતી.

કેસની વિગતમાં વાત કરીએ તો, 1978માં ધનજીભાઈ પરમારના ઈન્દિરાબહેન સાથે લગ્ન થયા હતા. 1983માં તેમનાં ઘરે પુત્રનો જન્મ થયો હતો. પણ સતત ઝઘડાને કારણે 1986માં ધનજીભાઈએ છૂટાછેડાની અરજી કરી હતી. સિવિલ કોર્ટે તેઓના છૂટાછેડા પણ મંજૂર કરી લીધા હતા. જેના એક મહિનામાં જ ધનજીભાઈએ બીજા લગ્ન કરી લીધા હતા.

પણ સાત મહિના બાદ ઈન્દિરાબહેને કોર્ટના ચૂકાદા વિરુદ્ધ અપીલ કરતાં કહ્યું કે, તે પોતાના પિયરમાં રહી શકે તેમ નથી. જે બાદ કોર્ટે 1991માં તેઓનાં છૂટાછેડા નામંજૂર કર્યા હતા. સિવિલ કોર્ટના આદેશ વિરુદ્ધ ધનજીભાઈએ ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યો. પણ 28 વર્ષ સુધી તારીખ પે તારીખની જેમ તેમનો કેસ પેન્ડિંગ રહ્યો હતો. જે બાદ પ્રથમ પત્નીએ કહ્યું કે, હવે હું આ કેસ લડવા નથી માગતી. અને નથી ઈચ્છતી કે ધનજીભાઈની બીજી પત્નીથી થયેલ ત્રણ બાળકોના માથા પર કલંક રહે કે તેમના માતા પિતાના લગ્ન ગેરકાયદેસર છે.

જે બાદ હાઈકોર્ટે સિવિલ કોર્ટના ચૂકાદાને નામંજૂર કરી પતિ પત્નીના છૂટાછેડા મંજૂર કર્યા હતા. અને કાયમી ધોરણે ખાધા ખોરાકી પેટે ઈન્દિરાબહેનને 17 લાખ રૂપિયા આપવા માટે ધનજીભાઈને આદેશ કર્યો હતો.