ગુજરાતમાં સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસી જાહેર, હવે ઝૂંપડાવાસીઓને લઇને સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસી જાહેર, હવે ઝૂંપડાવાસીઓને લઇને સરકારે કરી મોટી જાહેરાત

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારના ત્રણ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં શહેરોની ખાનગી જમીન પર આવેલા સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલિસી-૨૦૧૯ જાહેર કરાઇ હતી. નવી પોલિસી અંતર્ગત શહેરમાં ખાનગી માલિકીની જમીન ઉપર આવેલા સ્લમનું રિ-ડેવલપમેન્ટ થઇ શકશે.

ઝૂંપડાવાસીઓને ઝુંપડાના બદલામાં ૩૭ ચો.મી.ના કાર્પેટ એરિયા ધરાવતું બે રૂમ રસોડાનું મકાન મળી શકશે. રાજ્ય સરકારે ખાનગી માલિકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણની FSI આપવાનું નક્કી કર્યું છે. ખાનગી જમીનમાલિકને મળવાપાત્ર ૫૦ ટકા FSI ઝૂંપડા પુર્નવસનમાં વાપરી શકાશે. જ્યારે બાકી બચેલી ૫૦ ટકા FSI એફોર્ડેબલ હાઉસિંગમાં વાપરી શકશે.

ખાનગી જમીનમાલિક ૫૦ ટકા FSI સ્લમ રિ-ડેવલપમેન્ટમાં વાપરે પછી બાકીની FSI બાકી રહેતા પ્લોટમાં એફોર્ડેબલ હાઉસિંગ માટે વાપરી શકશે પણ જો કોઇ કારણસર બાકી રહેતા પ્લોટમાં FSI ન વાપરી શકાય તેવા કિસ્સામાં અન્ય પ્લોટમાં વાપરવા માટે TDR તરીકે વાપરી શકશે.  રાજ્ય સરકારે ખાનગી જમીન પર આવેલી ઝુંપડપટ્ટીઓનું તે જ સ્થળે પાકા મકાન બનાવવા માટે ખાનગી જમીન સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલિસી-૨૦૧૯ જાહેર કરી છે.

આ નીતિ મહાનગરપાલિકા વિસ્તાર તથા સત્તામંડળોના વિસ્તારોમાં આવેલી ખાનગી જમીનના સ્લમને લાગૂ પડશે. પ્રતિબંધિત વિસ્તાર સિવાયની તમામ ખાનગી જમીન ઉપરના સ્લમ રિ-ડેવલપમેન્ટ થઇ શકશે. તા.૧-૧૨-૨૦૧૦ની સ્થિતિએ હયાત હોય તેવા સ્લમને લાગૂ પડશે જેમાં જમીન માલિકે પોતાની માલિકી સાબિત કરવાની રહેશે સાથે કલેકટર પાસે ટાઇટલ ક્લીયરનું ર્સિટફિકેટ મેળવવાનું રહેશે.

જમીન માલિકના માથે સરવેથી માંડી સ્ટ્રક્ચરની જવાબદારી

૧. ખાનગી જમીન માલિક દ્વારા ઝૂંપડપટ્ટી પુનઃવસન માટે GDCR અને નેશનલ બિલ્ડિંગ કોડ (NBC) મુજબ, આર્કિટેક્ચર તેમજ સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ અને ડિઝાઇન તેમજ આવાસની ડિઝાઇન અને યોજનાનું માળખું તૈયાર કરવાનું રહેશે.

૨. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, મટિરિયલ ટેસ્ટિંગ તેમજ ઓક્યુપન્સીના પ્રમાણપત્ર મેળવવાના રહેશે.

૩. ઝૂંપડપટ્ટી પુનઃવસન યોજનાની જરૂરી મંજૂરી નિયત સત્તાધિકારી પાસેથી મેળવવાની રહેશે.

૪. ઝૂંપડાવાસીઓને સર્વે કરી લાભાર્થીની આખરી યોદી તૈયાર કરવાની રહેશે.

૫. ઝૂંપડપટ્ટીનું તે જ સ્થળે પુનર્વસન કરવા સ્થળ ખાલી કરાવવાનું રહેશે.

૬. ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસ કરવાની જવાબદારી ખાનગી જમીન માલિકની રહેશે.

૭. લાભાર્થીઓની ઉપસ્થિતિમાં કોમ્પ્યૂટર ડ્રો કરી ફાળવણી કરવાની રહેશે.

૮. યોજનાના લાભાર્થીઓનું યોજનાની જાળવણી માટે એસોસિયેશન બનાવવાનું રહેશે.

૯. યોજનાની જાળવણી માટે બાંધકામના પ્રતિ ચો.મી. રૂ. ૨૫૦નું ભંડોળ ઊભું કરી લાભાર્થીઓના એસોસિએશનને તબદીલ કરવાનું રહેશે

૧૦. સ્લમ રિ-ડેવલપમેન્ટ બાદ ડેવલપરની ખામી માટે જવાબદારીની સમયમર્યાદા પાંચ વર્ષની રહેશે.

૧૧. લિફ્ટ તથા અન્ય સુવિધાની ઓછામાં ઓછી પાંચ વર્ષ મરામત અને જાળવણી કરવાની રહેશે.

૧૨ ચો.મી.ના ક્ષેત્રફળની દુકાન સામે દુકાન

૧. ઝૂંપડાના બદલે વિના મૂલ્યે ૩૭ ચો.મી.નો કાર્પેટ એરિયા ધરાવતું બે રૂમ, રસોડું, બાથરૂમ તેમજ શૌચાલયની સગવડવાળું પાકું મકાન અપાશે. ૨. પીવાના પાણીની, ગટર લાઇનની તેમજ વીજળી કનેકશન મળશે. ૩. લાભાર્થી મકાન ૭ વર્ષ સુધી વેચી કે ભાડે આપી શકશે નહીં. ૩. સ્લમ રિ-ડેવલપમેન્ટમાં ૧૨ ચો.મી.ના ક્ષેત્રફળની દુકાન સામે દુકાન મળી શકશે.

TDR ત્રણ વર્ષમાં ત્રણ ટુકડામાં વાપરી શકાશે

GDCR મુજબ કોઇ જમીન પર વધુ FSI મળવાપાત્ર હશે તો ૩.૦ FSI ફ્રી FSI તરીકે મળી શકશે તથા બાકીની FSI નિયમ અનુસાર પેઇડ FSI તરીકે મળી શકશે. મળવાપાત્ર ત્રણ FSI પૈકી ઓછામાં ઓછી ૫૦% FSI અથવા ઝૂંપડાવાસીઓના પુનઃવસન માટે જરૂરી આવાસો બનાવવા માટે વાપરવાની FSI એ બે પૈકી જે વધુ હોય તેટલી FSI અફોર્ડબલ હાઉસિંગ બનાવવામાં વાપરવાની રહેશે.

ઝૂંપડાવાસીઓનો સમાવેશ થયા બાદ જો ૫૦% FSIનો વપરાશ થતો નથી તેવા કિસ્સામાં બાકી રહેલ FSI પર ખાનગી જમીન માલિકની પસંદગી મુજબના અફોર્ડેબલ આવાસો બનાવવાના રહેશે. મળવાપાત્ર કુલ FSI માંથી ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ માટે વાપરેલ FSI બાદ કરી બાકી બચેલ FSI બાકી રહેતા પ્લોટ પર વાપરવાની રહેશે.

જો GDCR ની જોગવાઇ જેવી કે રોડ માર્જિન વગેરે કારણોસર આવી વણ વપરાયેલ FSI બાકી રહેતા પ્લોટ પર વાપરી ન શકાય તો જ તે, જે તે સમુચિત સત્તામંડળ હેઠળ આવતા વિસ્તારના અન્ય પ્લોટ પર ટ્રાન્સફરેબલ ડેવલોપમેન્ટ રાઇટસ (TDR) તરીકે વાપરી શકશે.