આ વખતે મોદીના શપથ ગ્રહણામાં મોદીએ ઘણા દેશોને આમંત્રણ આપ્યું છે પરંતુ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તો આ વાતને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તેમજ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ‘ભારતની આંતરિક રાજનીતિ’ ગણાવી રહ્યાં છે. કુરેશીએ એવું કહ્યુ કે, ઇમરાનને ન બોલાવવા એ ભારતની મજબૂરી છે, મોદીની આખી રાજનીતિ જ પાકિસ્તાનની ટીકા પર આધારિત હતી તો પછી આમંત્રણનો કોઈ સવાલ જ પેદા નથી થતો.
પાકિસ્તાનનના સમાચાર પત્ર ડૉનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે શાહે કહ્યું કે “ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીનું આખું ધ્યાન પાકિસ્તાનની ટીકા કરવા પર જ કેન્દ્રીત રહ્યું હતું. તેઓ પોતાની નીતિગત વિચારસરણીને આટલી ઝડપથી બદલી નાખશે એવો વિચાર કરવો પણ પાકિસ્તાન માટે મૂર્ખતા જેવું કામ છે.” એક ટીવી સાથે વાતચીત કરતા કુરેશીએ જણાવ્યું હતું કે, ઇમરાન ખાને ફોન કરીને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા તેમાં કંઈ નવું નથી. કારણ કે ગત વર્ષે જ્યારે ઇમરાન ખાને ચૂંટણી જીતી હતી ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને તેમજ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા.
કુરેશીએ આગળ કહ્યું કે શપથ ગ્રહણ સમારંભમાં જવું એ અમારા માટે કોઈ મુદ્દો જ નથી. તેના કરતા કાશ્મીર, સિયાચીન અને સર ક્રીક જેવા વિવાદ પર કોઈ વાતચીત થાય તે વધારે જરૂરી છે. કારણ કે વાતચીત માટે કોઈ રસ્તો નીકળવો મહત્વનો છે. આગળ કુરેશીએ કહ્યું કે મોદી દક્ષિણ એશિયામાં વિકાસ ઇચ્છી રહ્યા છે તો તેમણે પાકિસ્તાન સાથે મળીને વાતચીત દ્વારા આ મુદ્દાઓનું સમાધાન લાવવું જ પડશે. પાકિસ્તાન માટે પણ એટલું જ જરૂરી છે કે સરહદ પર શાંતિ જળવાઈ રહે.